સૌરાષ્ટ્રની રસધાર વાંચવાની વેરઝેર અને બહારવટા વધે? રાજુ રદીનો સટિક પ્રશ્ર !!!(બખડ જંતર)

6

“ગિરધરભાઇ . પુસ્તકોની આડઅસર, લાડઅસર,છેડછાડ અસર, મારધાડઅસર,ચિરફાડ અસર હોય?” રાજુ રદીએ ખુદને રશિયા માની મારા ઘરને યુક્રેન માની અહિંસક આક્રમણ કર્યું.
“ રાજુ.તેનો આધાર પુસ્તક કેવું છે તેના પર છે. જો સરકારી હશે તો એટલી ધૂળ ચડી હશે કે તેના પર આંગળીથી દિલ દોરી તેને તીરથી વીંધી તમારું નામ ધૂળાક્ષરે અંકિત કરી શકો છો. શેર શાયરીનાં હશે તો આગળ પાછળના પાના ફાટી ગયા હશે. ખુબ જ જાણીતા શાયરની શાયરીનો ભાગ કોઇ મજનું કઢંગી રીતે ફાડીને લઇ ગયો હશે. ઘણા એકતરફી ઉત્સાહી રાંઝાઓ(કાયમી વાંઢા પણ ખરાસ્તો) જેમ મૂત્રાશયમાં કોઇ છોકરીનો મોબાઇલ લખી ઠ આઇ લવ યુ લખીને પ્રેમનો ઇજહાર કરે( જે કદી પેલીને પહોંચવાનો નથી .આ પ્રેમ પ્રકરણનું મિસ કેરેજ થઇ જાય છે તે વાત અલગ છે, છતાં વિચલિત થયા સિવાય ચલ અકેલા ચલ અકેલા રાહી ગીતને ફોલો કરી તું નહીં તો ઔર સહીનો સહેલો માર્ગ અપનાવે છે. બાય ધી વે મૂત્રાલયમાં આ પ્રકારના નોબલ એવોર્ડ કક્ષાના ભીંત સર્જનોને અંગ્રેજોમાં ગ્રાફિટી કહેવાય છે!!!!) તેમ પાને અલગ અલગ છોકરીને પ્રપોઝ કરે છે. બોલો અંબે માત કી જય!” મેં રાજુને લાંબુંલચક ગાઇડન્સ આપ્યું .
“ પ્રભુ,પ્રભુ, સાધો “ એમ કહી રાજુ મારા ચરણમાં પડ્યો.
“ કિરપા કાયમ રહેંગી.” અમે નિર્મલબાબા સ્ટાઇલથી આશીર્વાદ આપ્યા!!
“ ગિરધરભાઇ. શું રામાયણ વાંચવાથી અપહરણ, લડાઇ, અંધશ્રદ્ધાને બળ મળે?વાલી જેવાને સુનાવણીની તક આપ્યા વિના – કુદરતી ન્યાયના સિધ્ધાંતોનો ભંગ કરીને મારી નાંખવાથી સમાજમાં નકારાત્મકતા, પદદલિતો પર અત્યાચાર કહી શકાય. નિષાદે રામ ભગવાને નદી પાર કરાવી મોક્ષ મેળવ્યો એ અનફેયર ટ્રેડ પ્રેકટિસ કહેવાય? નિષાદના મુખેથી નાઇ નાઇની હજામતના પૈસા ન લે તેવું કહીને ક્ષોરકર્મ કે કેશકર્તનકલાકારોનું અપમાન કરી તેમની લાગણી દુભાવી એવું કહી શકાય?” રાજુએ એટર્ની જનરલની માફક દલીલોનો મારો ચલાવ્યો.
“રાજુ. આવી વાહિયાત વાત મગજ વગરના કે મગજની જગ્યાએ મૂત્રપિંડ હોય તે કરી શકે. રાજુ અનાપશનાપ ન બોલ માઝી સટકલી” એમ કહીને સિંઘમની જેમ એકશન કરી.
“ગિરધરભાઇ. કોઇ ભગવદ્‌ગીતા કે મહાભારત વાંચીને હિંસા,ખૂનખરાબા ભડકાવવાનો આરોપ લગાવે કે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રી રસધાર વાંચીને લૂંટફાટ , વેરવૃત્તિમાં વધારો કડવાશ વઘવાની વાત કરે, મુન્શી પ્રેમચંદની નવલકથા વાંચી ગરીબી, મુફલિસી ગ્લોરીફાય કરવાનો આક્ષેપ મુકે, હરકિશન મહેતાની પીળા રૂમાલની ગાંઠ વાંચીને કોઇ પિંઢારા પાકશે તેમ થોડું કહી શકાય?” રાજુ રદીએ શુધ્ધ સાહિત્યિક ચર્ચા કરતા તર્કબધ્ધ દલીલ કરી. રાજુ રદીના સાહિત્યિક જ્ઞાન પર હું આફરીન થઇ ગયો!!
“ રાજુ. ડેલ કાર્નેગીએ હાઇ ટુ વિન ફ્રેન્ડઝ પુસ્તક લખ્યું છે.આ પુસ્તક વાંચીને કોઇ મિત્રને બદલે શત્રુ કમાય તો ડેલ કાર્નેગીની નિષ્ફળતા થોડી છે!!એમાં વ્યકિતની ખામી છે!!હાઉ ટુ બી મિલિયોનર પુસ્તક વાંચીને કોઇ વ્યકિત ધંધો શરૂ કરી ધંધામાં ખોટ કરે તો પુસ્તકનો લેખકનો દોષ થોડો કહેવાય?”મેં કહ્યું.
“ ગિરધરભાઇ. હમણા બ્રિટનની યુનિવર્સિટીએ શેકસપિયર( પ્રૂફ રીડરશ્રી જોડણી આડીઅવળી ન કરતા નહીતર મારી પર કામુકતા વધારવાના કેસો નાહકનાનોંધાઇ જશે!)ના ઓલટાઇમ ગ્રેટ નાટક હેમલેટ, જોનાથનની ગુલિવર ટ્રાવેલ્સ , જેન ઓસ્ટિન પરશુએશન અને શેકસપિયરની નવલકથા જુલિયસ સિઝર વાંચવાથી હતાશા નકારાત્મકતા , ?જાતિવાદ, આત્મહત્યાની પ્રવૃતિ વધે છે.જેથી તેના કેટલાક પ્રકરણો પર પ્રતિબંધ મુકવા સમિતિએ માંગણી કરી છે.સ્કોલર આ નિર્ણયને કહેતા ?ભી દિવાના સુનતા ભી દિવાના માને છે. ગુલિવર ટ્રાવેલ્સ સાહસકથા કે બાળકથા જેવી રોચક છે જેમાં ગુલિવર ઠીંગુજીના દેશમાં પરાક્રમ કરે છે. જ્યારે ગુલિવર લંબુજીના દેશમાં પરાક્રમ કરે છે.!!આજના યુવાનોનો ઓટીટી કે નેટ ફલીકસ, એમેઝોન પ્લેટફોર્મ કે યુટયુબ પર જે જુએ છે વેદ, પુરાણો, ભાગવત, રામાયણ , ભગવદ ગીતા જેવી પાવક, સાત્વિક, હકારાત્મક અસર થાય છે??” રાજુ રદીએ અણિયાળો સવાલ પૂછ્યો!

– ભરત વૈષ્ણવ

Previous articleઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો ૫૦ રનથી વિજય, રોહિત શર્મા જીતથી ગદ્દગદ્દ થયો
Next articleમને સાંભળો તો ખરા !:- પ્રકાશ જાની(વચનામૃત : જીવન માર્ગદર્શક )