ભોગગ્રસ્ત કાવ્યાના પરિવારને શ્વાન જેટલું જ દર્દ સર ટી. હોસ્પિટલ તંત્રએ આપ્યું !

5

તબીબોએ ઘટના સંદર્ભે પોલીસની માફક પ્રશ્નો ઝડી વરસાવી, પોસ્ટમોર્ટમ રૂમમાં કલાકો સુધી મૃતદેહ રાખી મુકી અંતે પીએમ વગર પરિવાર સોંપતા વિવાદ
ભાવનગરના ચિત્રામાં માત્ર ૪ માસની બાળકીને ઘોડિયામાંથી ખેંચી જઈ શેરીના શ્વાને મોત આપ્યું હતું. આ ઘટનાથી આઘાતમાં સરી પડેલા પરિવારજનોને સર ટી. હોસ્પિટલના તંત્ર વાહકોએ આશ્વાસન આપવાના બદલે પ્રશ્નોની ઝડી વરસાવી હતી જયારે પોસ્ટમોર્ટમ માટે મોર્ગમાં બાળકીનો મૃતદેહ કલાકો સુધી રાખી બાદમાં પોસ્ટમોર્ટમ કર્યા વગર જ મૃતદેહ સોંપી દીધો હતો. બીજી બાજુ આ બનાવમાં તબીબોએ સત્ય છુપાવવા આમ કર્યાનો આક્રોશ કોંગ્રેસે વ્યક્ત કર્યો છે.ચિત્રા મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા હિમતભાઈ ભાલીયાની ૪ માસની બાળકીને ઘોડિયામાંથી ખેંચી જઇ કૂતરાએ મોતને ઘાટ ઉતારી દીધાની દર્દનાક ઘટના ગઈકાલે ઘટી હતી. શ્વાનના ખતરનાક ઝડબામાં ફસાયેલી બાળકી શ્વાસ લેવા મથતી રહી પરંતુ મોતના મુખમાંથી બચી નહિ. આ બનાવમાં સારવાર માટે પરિવારજનો બાળકીને લઇ સર ટી. હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ ગંભીર પ્રકારે ઇજાગ્રસ્ત બાળકીને બચાવવામાં તબીબો અસમર્થ રહ્યા હતા. જ્યારે અહીં તેમના પરિવાર સાથે અયોગ્ય વર્તન કરી વધુ પડતી પૂછતાછ કરી દબડાવવા પ્રયાસ થયાનો વિવાદ ઉઠ્‌યો છે, વધૂમાં બાળકીનાં મૃતદેહનું પીએમ પણ નહીં કરાતા અનેક શંકાઓ ઉઠી છે. કોંગ્રેસના શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી આ ઘટનાને જાણી આજે બાળકીના ઘરે દિલાસો આપવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ ઘટના હૃદયદ્રાવક છે.વધુમાં તેમણે ઉમેર્યું કે પરિવારજનો પાસેથી જાણવા મળ્યું કે સર.ટી.હોસ્પિટલમાં તબિબોએ આ ઘટના અંગે પોલીસને જેમ ઉલટ તપાસ કરી હતી.જે વધુ પડતી ગણાય. ઘટના કઈ રીતે બની ? તમે લોકો શું કરતા હતા ? વિગેરે વેધક સવાલો ઉઠાવી પરિવારજનો સાથે ગુનેગારની માફક વર્તન કર્યુ હતું જે વિષય તબીબોનો છે જ નહી તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે બાળકીને હોસ્પિટલના પોસ્ટમોર્ટમ મોર્ગમાં ખસેડી કલાકો સુધી મૃતદેહ ત્યાં રખાયો હતો અંતે પીએમ કર્યા વગર જ મૃતદેહ સોપ્યો હતો. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે સમગ્ર ઘટનામાં ઢાકપિછોડો કરવાના હેતુસર પીએમ કરાયુ નથી. ભોગગ્રસ્ત પરિવાર અલ્પશિક્ષિત હોય જેનો તંત્ર વાહકો લાભ ઉઠાવ્યો છે. આ મામલે સંબધિત તબીબ સામે પગલા ભરવા કોંગ્રેસે માંગ ઉઠાવી છે.