બ્રિટનના પ્રોફેસર રોબર્ટ ફ્રેઝર માટે હવેલી લેતાં ગુજરાત ખોવા જેવો ધાટ થયો!!! (બખડ જંતર)

11

માણસ પરિવારનું ભરણપોષણ કરવા માટે નોકરી, ધંધો, વ્યવસાય કરે છે. કેટલાક ઓનલાઇન તો કેટલાક લોકો ઓફલાઈન નોકરી કરે છે. મેડીકલ રીપ્રેઝન્ટેટીવ ઉનાળામાં કૌન બનેગા કરોડપતિની હોટ સીટ( જે ખરેખર હોટ હોતી નથી) જેમ બાઇકની હોટમ્‌ હોટ સીટ પર બેસીને ડોકટરે, કલિનિકો, હોસ્પિટલે ફરી ફરીને દવા, ગોળીઓ, ઇન્જેકશન્સ, મેડીકલ ઇકવિપમેન્ટના ઓર્ડરો કમિશન આપીને મેળવે છે!! પાનના ગલ્લાવાળા, સફાઇ કામદાર,ઝેરોકસવાળા વગેરે તનતોડ મહેનત કરે છે. સરકારી બાબુઓ એસીમાં બેસીને ફાઇલોમાં માથા પચ્ચીસી કરે છે.
તમે એક વાતે સંમત થશો કે કોઇને પણ પોતાના પગારથી સંતોષ હોતો નથી. કલેકટર , ડીએસપી કે મુખ્ય સચિવ કે આપણા હાલના રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ થનાર કોવિદ સાહેબને પણ મળતા પાંચ લાખ રૂપિયાના પગારથી સંતોષ નથી!! હવે તકલીફ એ છે કે રાષ્ટ્રપતિ ફરજો દરમિયાન કે નિવૃત થયા પછી પાર્ટ ટાઇમ નોકરી-વ્યવસાય કરી શકતા નથી.) સુપ્રિમ કોર્ટમાં વકીલાત કરી શકે પણ કલાયન્ટસ મળવા જોઇએ ને?) મુખ્યમંત્રીને શાંતિ છે કે મુખ્ય મંત્રીની ખુરશી પર ઉતર્યા પછી નાયબ મુખ્યમંત્રી ( ?અનૈચ્છિક કે ઐચ્છિક) બની શકાય છે. મંત્રી પણ બની શકાય છે.
( ઉદાહરણ તરીકે પરમ ભગવદીય સ્વ.બાબુભાઇ જશુભાઇ પટેલ મુખ્યમંત્રીપદેથી ઉતર્યા પછી માત્ર ને માત્ર નર્મદા યોજના માટેની અનન્ય પ્રીતિને લીધે નર્મદામંત્રી બનેલ. તેમની ઓફિસમાં ફોન કરો કે પીએ હોય કે ન હોય જાતે ફોન ઉંચકીને કહે કે બા.જ. પટેલ બોલું છું. સફળ અને સશકત મુખ્યમંત્રીશીપ પૂરી થયા પછી અમદાવાદ-ગાંધીનગરની ડબલ ડેકર બસમાં ટિકિટ ખરીદીને મુસાફરી તરતા જોયા છે!!સાદગીનું વિરલ દ્રષ્ટાંત હતા!!!બાકી પૂર્વ સરપંચશ્રી કે સરપંચશ્રીનું લાલ બોર્ડ લગાવીને ફરનારા નાની સંખ્યામાં નથી હોં કે!!
ઘણા લોકો કામ અને પગારને અલગ અલગ માને છે. તેમની અપરિહાર્ય માન્યતા મુજબ કચેરીમાં જઇને કે ગયા વગર રોટલાપત્રક( હાજરીપત્રક વ્યવહારિક નામ) માં સહી કરવા કે કાર્ડ જાતે કે અન્યો મારફતે સ્વાઇપ ( બોલચાલની ભાષામાં કાર્ડ ઘસવા) કરવાનો દરમાયો એટલે પગાર. ઘણા બાબુઓ પગારને ચણામમરા તુલ્ય માને છે. વાસ્તવમાં તેમની માન્યતા ક્ષતિયુકત છે. કેમ કે, ચણા મમરાના ભાવ પગારની રકમ કરતા વધુ હોય છે. !!!એટલે તેઓશ્રીઓ સાઇડ ઇનકમ- પ્રેકટિસ ફી યથાતથ કમાય છે!! ઘણીવાર સાઇડ ઇનકમ મેઇન ઇનકમ કરતાં ક્યાંય આગળ નીકળી જાય છે, એ વાત અલગ છે!!!
આપણે ત્યાં પેઢી દર પેઢીથી ખેતીની સાથે પૂરક વ્યવસાય પશુપાલન છે. ધણા લોકો નોકરી સાથે ફટાકડા, પતંગ , નમકીન વગેરે વેચતા હોય છે. નોકરીની સાથે પત્નીના નામે એલઆઇસી એજન્સી, હર્બોલાઇટ ( જે પાવડર વજન ઘટાડવા આપે એ જ પાવડર વજન વધારવા આપે. નવાઇ ન કહેવાય? કંપની ૪૦% જેટલું તગડું કમિશન આપે એટલે પેલો એજન્ટ જેનુંતેનું ગીલોટીન કરે. ગીલોટીન એ ફ્રેન્ચ શબ્દ છે. તેનો અર્થ સામુહિક કત્લ છે. વિધાનસભામાં જે માંગણીઓ ચર્ચા માટે ગૃહમાં રજૂ ન કરવામાં આવે તેવી તમામ માંગણી ગિલોટીનથી મંજૂર કરવામાં આવે છે!!!) વગેરે વેચે છે. ટાઇપિસ્ટ કે સ્ટેનો ખાનગી ટાઇપકામ સરકારી ટાઇમમાં કરે છે. અમારા હિતેશભાઈ રાવલ, શેખભાઇ, પ્રકાશલાલા, સુરેશ પારધી, અખ્તર સૈયદ એકટિંગ વચ્ચે છૂટક નોકરી કરી લેતા હતા !!!
કેટલાક લાભંશંકર , સિધ્ધપુરા કે કશ્યપભાઇ જેવા નોકરીની સાથે ટ્રાવેલ્સ કંપની પણ ચલાવી લે. શિક્ષકો ટયુશન કરે, ખાતર વેચે જમીનની લેવેચ કરે. પ્રોફેસરો એનજીઓ ચલાવે,પુસ્તકો લખે, ટયુશન કરે. ટુંકમાં પેટ કરાવે વેઠ.આમ, તો નોકરી સાથે પૂરક વ્યવસાય માટે સૌ આંખ આડા કાન કરે છે. ક્યારેક પોતાના પુત્રની પેઢીમાંથી કોમ્પ્યુટર પેરીફિલ્સ ખરીદનાર નોકરીથી હાથ ધોઇ બેસે છે!!
હમણા એક પ્રોફેસરે બુલેટ ટ્રેનની વધતી જતી સ્પીડે મોંઘવારી વધે છે. મોંઘવારીમાં પગાર ઝાંકળ જેવો પુરવાર થાય છે. બ્રિટનની ઓકમિડ ટેકનોલોજી કોલેજના પ્રોફેસર રોબર્ટ ફ્રેઝર પાઉન્ડના પગાર ઉપરાંત વધારાના શિલિંગ-પેન્સની કમાણી કરવા યુવતીની જેમ સિટ્રપ્ટીઝ શો કરી થોડા પાઉન્ડ કમાતા હતા. રોર્બર્ટ ફ્રેઝરની કોલેજના વિધાર્થી આ શો જોવા ગયેલો. પ્રોફેસર સવારમાં કોલેજે જે કપડાં પહેરીને આવતા હતા તે કપડા વન બાય વન ઉતારી હવામાં ફંગોળતા. પ્રોફેસરની છાપ ધાર્મિક અને હોશિયારની હતી.તે લોકપ્રિય પણ હતા. પેલા વિધાર્થી માટે પ્રોફેસર આઇકોન હતા. તેની માન્યતા નેસ્તનાબુદ થતાં તેણે કોલેજ મેનેજમેન્ટને જાણ કરી. કોલેજે તેને ગડગડિયું પકડાવી દીધું !!
રોબર્ટ ફ્રેઝર માટે હવેલી લેતાં ગુજરાત ખોવા જેવો ધાટ થયો!!!

– ભરત વૈષ્ણવ

Previous articleલાંબા સમયથી લય સામે ઝઝૂમી રહેલા વિરાટ કોહલીને પણ ટી૨૦ ટીમાં બહાર કરવામાં વાંધો ન હોવો જોઇએ : કપિલ દેવ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે