દહેગામ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

1265

દહેગામ નગરપાલિકાની ચૂંટણી આજરોજ યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે બિમલભાઈ પ્રવિણભાઈ અમીન જયારે ઉપપ્રમુખ તરીકે ગીતાબેન નરેશભાઈ રાઠોડ ચૂંટાઈ આવ્યા હતા.

દહેગામ નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ બાદ ચાલી રહેલી અનેક અટકળોનો આજે અંત આવ્યો હતો અને પૂર્ણ બહુમતિવાળા ભાજપ પક્ષનો ફરીએકવાર નગરપતિ ચૂંટાતા ઘીના ઠામમા ઘી પડયું હતું અને અફવાઓનો અંત આવ્યો હતો. કોંગ્રેસ પાસે હાલ ફકત આઠ જ સભ્યો હોવાથી તેમને સત્તા મેળવવાની આશા પહેલેથી જ નહીવત હતી.

દહેગામ નગરપાલિકા ચૂંટણીમાં ર૮ માંથી ર૦ બેઠકો ભાજપે કબજે કરી હતી. પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામત બેઠક હોવાથી વોર્ડ – પ માંથી વિજેતા બનેલા સરલાબેન કમલેશભાઈ અમીન પર પસંદગીનો કળશ ઢોળાયો હતો પરંતુ ત્યાર પછી અત્યારે ચૂંટણીમાં બિમલભાઈ પ્રવિણભાઈ અમીન ઉર્ફે બંટી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જો કે બિમલભાઈ આ પહેલા શહેર ભાજપના પ્રમુખપદે રહી ચુકયા હોવાથી સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે.

ગત ચૂંટણીમાં બિમલભાઈ ફકત એક મતે હાર્યા હતા અને ચર્ચાનો વિષય બન્યા હતાં. ઉપ પ્રમુખ તરીકે ચૂંટાયેલા ગીતાબેન અનુસુચિત જાતિના અને સતત બીજી વખત ચૂંટાઈ આવેલ છે. સામાજિક અને સેવા ક્ષેત્રે તેઓ આગળપડતું નામ ધરાવે છે અને હંમેશા હકારાત્મક અને એકટીવ રહી પ્રજાના પ્રશ્નોને વાચા આપતા જોવા મળ્યા છે. આમ દહેગામને નવા નેતાઓ મળતાં અઢી વર્ષ સુધી ફરી એકવાર ભાજપનું શાસન શરૂ થયું છે.

Previous articleશહેરમાં ત્રિદિવસીય યોગશિબિરનો પ્રારંભ
Next articleપીપલગ ગામે સ્વામીનારાયણ સત્સંગી જીવન કથાનું આયોજન