રાજ્યભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

1290

અમદાવાદ સહિત રાજ્યભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર થઇ હતી.  શહેરભરમાં યોગનો ફિવર છવાયો હતો. શહેરની ઊંચામાં ઊંચી બિલ્ડિંગ પર તો કયાંક સ્વિમિંગપૂલમાં પણ યોગ થયા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી. કોહલી, શહેરના મેયર બિજલબહેન પટેલ, ડેપ્યુટી મેયર દિનેશભાઇ મકવાણા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. રાજયભરમાં આજે ૪૩,૩૭૭ કેન્દ્રો ખાતે વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સર્વત્ર યોગ જ યોગ જોવા મળતાં અમદાવાદ શહેર સહિત ગુજરાત આખું જાણે યોગમય બન્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, દુનિયાને તણાવયુકત વિશ્વ કલ્યાણ અને તેના દ્વારા વિશ્વ બંધુત્વ ભાવની આધ્યાત્મિક ચેતના જગાવવાનો માર્ગ ભારતીય સનાતન સંસ્કૃતિની યોગ સાધનાએ બતાવ્યો છે. રાજયમાં ૭૫ લાખ નાગરિકો અને બાળકો સામૂહિક યોગ સાધનામાં જોડાયા છે, તે સરાહનીય છે.  સ્વસ્થ અને તંદુરસ્ત તેમ જ તણાવમુકત જીવન માટે લોકોએ આ યોગ સાધના એકાદ દિવસ પૂરતી મર્યાદિત ના રાખતાં પોતાની દૈનિક જીવનચર્યાનો કાયમી હિસ્સો બનાવવો જોઇએ. આ પ્રસંગે રાજયપાલ ઓ.પી.કોહલી, કેન્દ્રીય રાજયમંત્રી પી.પી.ચૌધરી, મેયર બીજલબહેન પટેલ સહિતના મહાનુભાવોએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. વિશ્વ યોગ દિવસ નિમિતે આજે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે એકસાથે ૧૧,૦૦૦ લોકોએ યોગ કર્યા હતા. આ સિવાય શહેરના તમામ બાગ બગીચા, જાહેર સ્થળો, શાળાઓ, યુનિવર્સિટીઓ અને બોટમાં પણ યોગ દિવસની ઉજવણી થઇ હતી. શહેરમાં પહેલી વાર સાબરમતી રિવરફ્રન્ટ પર પાણીની વચ્ચે બોટમાં યોગ કરીનેે અનોખી રીતે ઉજવણી કરાઇ હતી.

રાજકોટમાં ૮૦૦ મહિલાએ એક સાથે એક્વા યોગ કર્યો તો કચ્છની સરહદ પર બીએસએફના જવાન સહિત વડોદરામાં શાસ્ત્રીય સંગીતના તાલે વિદ્યાર્થીઓએ મલખમ યોગ કર્યા હતા. કેટલીક શાળાઓમાં સ્કેટિંગ સાથે યોગ થયા તો સુરતમાં ૧ર૦૦ વિદ્યાર્થિનીએ ભારતના નકશાનો આકાર બનાવી યોગ કરીને યોગ ગુરૂ હોવાનો સંદેશો આપ્યો હતો. આજે તા.ર૧ જૂને ચોથા વિશ્વ યોગ દિવસની ઉજવણી થઇ હતી. આજે ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ છે. જેને ગ્રીષ્મ સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આજે કરવામાં આવતી કોઇપણ આધ્યાત્મિક સિદ્ધિઓની પ્રાપ્તિ અત્યંત લાભકારી ગણાય છે. જેના કારણે આજનો દિવસ યોગ દિવસ તરીકે પસંદ કરાયો છે. આજે સરદાર પટેલ સ્ટેડિયમનો માહોલ જોવા જેવો નઝારો બન્યો હતો, અમદાવાદના આ કાર્યક્રમમાં ૧,૦૦૦ જેટલાં દિવ્યાંગો પણ જોડાયાં હતાં. ભાગ લેનારા દરેક દિવ્યાંગ બાળકને બ્લૂ ટૂથથી જોડેલો હેડફોન આપવામાં આવ્યો હતો. જેના થકી તેઓએ યોગનાં સૂચનોને અનુસર્યાં હતાં. દિવ્યાંગો દ્વારા યોગનો વિશ્વ રેકોર્ડ બને તેવી શકયતા છે. આજે રાજ્યભરમાંથી ૧.રપ કરોડથી વધુ લોકોએ યોગા કર્યા છે. આજે પાંચ વર્ષનાં બાળકથી માંડીને ૮પ વર્ષના વૃધ્ધ સુધીના તમામે યોગ દિવસની ઉજવણી કરી હતી. એકવા યોગ માટે સરદાર પટેલ સ્વિમિંગપૂલમાં ૧૯૦ લોકો સહિત રાજકોટ ખાતે પણ ચાર સ્વિમિંગપૂલમાં એકવા યોગ થયા હતા. સ્ટેડિયમ ખાતે શાળાના પ,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પણ યોગમાં જોડાયા હતા.

Previous articleસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત
Next articleસરકાર દ્વારા ૧૪ IPS અધિકારીઓને બઢતી