વડોદરામાં નવમાં ધોરણના વિદ્યાર્થીની ઘાતકી હત્યા, હત્યારો સ્કૂલનો જ સ્ટૂડન્ટ હોવાની શંકા

1242

ગુજરાતમાં શિક્ષણજગતને ખાસ કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓને હચામચાવી નાંખતો એક ખતરનાક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં શ્રી ભારતી વિદ્યાલયમાં ધોરણ-૧૦ના એક વિદ્યાર્થીએ તેની જ શાળાના ધોરણ-૯માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની ચપ્પાના પંદરથી વધુ ઘા મારી અત્યંત કમકમાટીભરી હત્યા કરતાં વડોદરા સહિત રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક શાળામાં પહોંચી ગઇ હતી અને તપાસ દરમ્યાન સ્કૂલ પાસેના મંદિરની છત પર પડેલી સ્કૂલ બેગમાંથી ચાકૂ સહિતના કેટલાક પુરાવા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, પોલીસે આ વિદ્યાર્થીની હત્યા શાળાના જ વિદ્યાર્થીએ જ કરી છે કે તેની પાછળ અન્ય કોઇ વ્યકિતનો પણ હાથ છે તેની ખરાઇ કરવા અને હત્યાનું કારણ જાણવા સહિતની બાબતોની સઘન તપાસ આરંભી છે. રાજયભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા આ કિસ્સાની વિગત એવી છે કે, વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયના શૌચાલયમાંથી નવમાં ધોરણમાં ભણતા દેવ ભગવાનદાસ તડવી નામના વિદ્યાર્થીનો મૃતદેહ આજે બપોરના સમયે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થીને માથા, પેટ, ગળા અને હાથના ભાગે ઘા માર્યા બાદ દિવાલ સાથે માથુ પછાડીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પણ વિદ્યાર્થીના મૃતદેહને જોઇને સ્તબ્ધ થઇ ગઇ હતી.

ઘટનાની જાણ થતાં જ વાલીઓ અને આસપાસમાં રહેતા લોકોના ટોળા સ્કૂલમાં એકત્ર થઇ ગયા હતા. પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી અને સ્કૂલ તરફનો રસ્તો પણ બંધ કરાવી દીધો હતો. પોલીસે સમગ્ર મામલાની ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ખૂબ જ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી., જેમાં શ્રી ભારતી વિદ્યાલયની દિવાલ પાસે આવેલા મંદિરની છત પરથી સ્કૂલ બેગમાં મળી આવી હતી અને સ્કૂલ બેગમાંથી ચાકૂ ઉપરાંત બે પંચ અને બોટલમાંથી મરચાની ભૂકીવાળુ પાણી મળી આવ્યુ હતુ. શ્રી ભારતી વિદ્યાલયમાં ધો-૧૦માં ભણતા સંજય ચુનારા નામના વિદ્યાર્થીઓ જ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થી દેવ તડવી વડોદરા ગાજરાવાડી વિસ્તરમાં રામનાથ મંદિર ઇદગાહ મંદિરની સામે તેના માસી હંસાબેન અશ્વિનભાઇ તડવીના ઘરે રહેતો હતો. મૃતકના માતા-પિતા આણંદ જિલ્લાના બાકરોલ ગામમાં રહે છે. થોડા દિવસ પહેલા જ શ્રી ભારતી વિદ્યાલયમાં નવમાં ધોરણમાં એડમિશન લીધુ હતુ. મળેલી માહિતી પ્રમાણે બે દિવસ પહેલા જ  દેવને કેટલાક વિદ્યાર્થીઓ સાથે ઝઘડો થયો હતો. જેથી પોલીસે જે વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો તે વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરી છે. મૃતક દેવનો મૃતદેહ જોયા પછી તેના માસી હંસાબેન બેભાન થયા ગયા હતા. વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલય ૩૭ વર્ષ જૂની સ્કૂલ હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે શાળના વિદ્યાર્થીઓ ઉપરાંત, વાલીઓ, શાળાના સ્ટાફ કર્મચારીઓ અને પ્રિન્સીપાલ સહિતના સાહેદોની પૂછપરછ અને તપાસ હાથ ધરી છે અને હત્યા પાછળનું કારણ અને આ ગુનામાં અન્ય કોઇ સંડોવાયેલું છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી છે.

Previous articleઉદ્‌ગમ સ્કૂલ ખાતે પ્રવેશોત્સવમાં ગયેલા હાર્દિક અને અલ્પેશની ધરપકડ
Next articleડાંગ, તાપી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ