દ. ગુજરાતમાં મેઘાનો કહેર : ડાંગ જિલ્લામાં ૯ ઈંચ વરસાદ

2612

દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલથી શરૂ થયેલા વરસાદે ડાંગ જિલ્લામાં ૯ ઈંચ જેટલો વરસાદ પડતા સમગ્ર વિસ્તાર પાણી પાણી થયો છે. જોકે ડાંગમાં આવેલ અંબિકા નદીમાં ધોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લાના સોનગઢમાં ૮ ઈંચ, વાલોડમાં ૧ ઈંચ, ડોલવણમાં ૩ ઈંચ, વ્યારામાં ૩ ઈંચ સહિત સમગ્ર જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

ગુજરાતમાં મેઘો મહેરબાન થતાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની મહેરથી પ્રજાજનોની સાથે ખેડૂતો પણ ખુશખુશાલ થઇ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, વલસાડ, ડાંગ, સોનગઢ સહિતના ક્ષેત્રોમાં ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. રાજ્યના ૨૧ જિલ્લાનાં ૮૬ તાલુકામાં વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં આ વખતે સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં ગઈ કાલનો શરૂ થયેલ ધોધમાર વરસાદ આજે પણ વરસી રહ્યો છે જેના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું છે. જ્યારે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ભારે વરસાદના પગલે સાપુતારામાં આવતા પ્રવાસીમાં ખુશી જોવા મળી હતી. જ્યારે ડાંગ જિલ્લામાં આવેલા વોટરફોલ પણ ચાલુ થઈ ગયા હતા. જ્યારે વઘઈમાં ૬ ઈંચ વરસાદ અને કપરાડા, વાંસદા, વ્યારા અને ડોવલણમાં ૩ ઈંચ વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા, વઘઈ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદને કારણે ગણદેવીના કાંઠા વિસ્તારના ૨૬ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઇ છે. જેના પગલે ઉકાઈ ડેમની સપાટી ૨૮૫.૦૧ ફૂટ પર પહોંચી છે. ઉકાઇ ડેમમાં ઇન ફ્લો ૯૧૩૪ ક્યુસેક અને આઉટ ફ્લો ૬૦૦ ક્યુસેક પાણીનું સ્તર છે.

તાપીનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી ૧૨૩.૫૧ મીટરે પહોંચી છે. ડેમ ઓવર ફ્લો થતાં ડોસાવડા, કુમકુવા, ખરસી, ખાંજર ગામોને એલર્ટ કરાયા છે.

વરસાદના કારણે કપરાડામાં પાણીની આવક થતા કોઝ-વે ઓવરફ્લો થયો છે. ૨૮થી ૩૦ ગામોને જોડતા કોઝ-વે પર પાણી વહી રહ્યું છે. જેથી રાહદારીઓ અટવાયા છે. પેઢારદેવી, એકલેરા, ધાનવેરી, અસ્ટોલ, બાબનવેલ, કરજલી, માલુગી ગામ સંપર્ક વિહોણાં બન્યા છે.

Previous articleટયુશન પ્રથા પર કાયમી રોક માટે હાઇકોર્ટમાં રીટ
Next articleભાવનગર શહેર જિલ્લામાં વરસાદનો વિરામ વાવણી કાર્ય પૂરજોશમાં આદરતા ધરતીપૂત્રો