અનામત : ૨૫ ઓગસ્ટથી હાર્દિક ઉપવાસ ઉપર

1397

છેલ્લા ઘણા સમય બાદ હવે પાટીદાર નેતા હાર્દિક પટેલે અનામત મુદ્દે આજે આરપારની લડાઇની જાહેરાત કરી હતી અને પાટીદાર સમાજને અનામતની માંગણી મુદ્દે તા.૨૫મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાનું એલાન કર્યું હતું. ભાજપ સરકાર દ્વારા અનામતના મુદ્દાને કોરાણે મૂકી દીધો હોઇ હવે સમય પાકી ગયો છે કે, પાટીદારોને અનામતના મુદ્દે આરપારની લડાઇ લડવી પડશે. તા.૨૫મી ઓગસ્ટથી હું અનામત નહી મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર ઉતરીશ અને અન્ન જળનો ત્યાગ કરીશ. ગુજરાતમાં આ સૌથી મોટુ ઉપવાસ આંદોલન બનશે કે જેમાં રાજયભરમાંથી અને રાજય બહારથી હજારો લોકો જોડાવવા માટે આવશે. આ સિવાય ગુજરાતમાં જિલ્લા-તાલુકા કક્ષાએ પણ લોકો ઉપવાસ આંદોલનમાં જોડાઇ સહયોગ આપશે. હાર્દિક પટેલે એક તબક્કે એવી પણ તૈયારી બતાવી હતી કે, જો સરકાર બિનઅનામત વર્ગ માટે અનામત આપવાની પ્રક્રિયામાં પાટીદાર સમાજને સાથે રાખે અને તે મુજબ અમને લાભ આપે તો પણ અમને વાંધો નથી. તેણે વધુમાં જણાવ્યું કે, સરકારે બધાના હિતને ધ્યાનમાં રાખી વાત કરવી જોઇએ. બંધારણમાં મળી શકે એ રીતે પાટીદાર સમાજને પણ અનામતનો લાભ સરકારે આપવો જોઇએ.

સરકાર અનામત મુદ્દે અમને સાંભળવા તૈયાર નથી અને તેથી હવે હું તા.૨૫મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર ઉતરનાર છું. એ દિવસથી હું જયાં સુધી અનામત નહી મળે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરીશ. આ ઉપવાસ આંદોલનમાં ગુજરાતભરમાંથી લોકો મારા સહયોગમાં જોડાશે. એટલું જ નહી, રોજ એક વ્યકિત મુંડન કરાવી સરકારને જગાડવાનો પ્રયાસ કરશે. આ સિવાય અમદાવાદમાં ૬૦ કિલોમીટરની આસપાસ શહીદ યાત્રા ફરશે. શહેરના પાટીદાર વિસ્તારો જેવા કે, બોપલ, ઘાટલોડિયા, કે.કે.નગર, હીરાવાડી, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાંથી શહીદ યાત્રા પસાર થશે. આ યાત્રાથી શહીદોને ન્યાય અપાવવા અને આંદોલનને ફરીથી ઉભુ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તેણે વધુમાં ઉમેર્યું કે, તા.૨૫થી ૨૯ ઓગસ્ટ દરમ્યાન પણ રાજયના વિવિધ સ્થળોએ લોકો ઉપવાસ આંદોલનમાં પ્રતિક ઉપવાસ કરી સાથ આપશે. ઉપવાસ આંદોલનને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે હાર્દિકે સ્પષ્ટતા કરી હતી કે, જો પોલીસ પક્ષપાત નહી કરે તો કોઇ પ્રોબ્લેમ નહી થાય, અન્યથા અગાઉની જેમ જો પોલીસ પાટીદારો પર અત્યાચાર કર્યા હતા તેવી પરિસ્થિતિનું નિર્માણ કરશે તો કંઇપણ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે. પોતાના ઉપવાસ આંદોલન માટે તે જિજ્ઞેશ મેવાણીને મળવાની પણ હાર્દિક પટેલે વાત કરી હતી. જેથી આગામી સમયમાં હવે પાટીદાર અનામતનુ ભૂત ફરી ધૂણશે તે નક્કી છે. સરકાર, વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા હાર્દિકના આંદોલનને ખાળવા અત્યારથી વિચારણા શરૂ કરાશે.

Previous articleઉમરગામમાં ૮ કલાકમાં ૬ ઈંચ વરસાદ
Next articleપિલગાર્ડનની અંદર તીનપત્તીનો જુગાર રમતાં ૫ ગેમ્બલર ઝડપાયા