ઉમરગામમાં ૮ કલાકમાં ૬ ઈંચ વરસાદ

1517

દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ આજે પણ જોરદાર ધડબટાડી બોલાવી હતી. ખાસ કરીને ઉમરગામ, ધરમપુર સહિતના પંથકોમાં તો સાંબેલાધાર અનારાધાર વરસાદ વરસ્યો હતો. ઉંમરગામમાં કલાકોના ગાળામાં જ ૬ ઇંચથી વધુ વરસાદ આજે ખાબકી ગયો હતો જેથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઉમરગામમાં તો ૧૪ કલાકમાં બાર ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર સર્જાયુ હતું. ટીંભી ગામનું તળાવ ફાટતાં રસ્તાઓ, ખેતરો અને આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

ધરમપુરમાં પણ સાત ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં સમગ્ર પંથક પાણીમાં ગરકાવ બન્યો હતો. ઉમરગામ અને ધરમપુર સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદને પગલે પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે, રોહિતવાસ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાંથી સેંકડો લોકોનું સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી.પોલીસ, એનડીઆરએફ સહિતની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ અભિયાનમાં જોતરાઇ હતી. માત્ર ૧૪ કલાકમાં જ ૧૨ ઇઁચ જેટલા અતિભારે વરસાદથી ઉમરગામ જાણે બેટમાં ફેરવાયું હતું. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની આજે વધુ પડતી મહેરના કારણે જનજીવન ખોરવાયું હતું અને લોકોની હાલત બેહાલ અને કફોડી બની હતી.

Previous articleસ્ટેચ્યુ ઓફ યુનિટિનું PM મોદીનાં હસ્તે ઓક્ટોબરમાં લોકાર્પણ : વિજય રૂપાણી
Next articleઅનામત : ૨૫ ઓગસ્ટથી હાર્દિક ઉપવાસ ઉપર