સુરતમાં નવી કોર્ટ બિલ્ડીંગના નવમા માળેથી કુદીને મહિલાનો આપઘાત

1173

અઠવાલાઈન્સ ખાતે આવેલી નવી કોર્ટ બિલ્ડીંગના નવમાં માળેથી કુદીને એક મહિલાએ આપઘાત કરી લીધો હતો. નવમાં માળેથી ઝંપલાવતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી મહિલાનો મૃતદેહ પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. નવી કોર્ટ બિલ્ડીંગના નવમા માળેથી પક્ષકાર મહિલા શિલ્પી (ઉ.વ.આ.૩૦)એ મોતની છલાંગ લગાવી હતી. શિલ્પીના લગ્ન વિજયસીંગ મુરલીસિંગ સાથે ૨૦૧૫માં થયા હતાં. વિજયસિંગ ઉધના ખાતે બેંકમાં નોકરી કરે છે. અને ડીંડોલી નીલગીરી સર્કલ મયુરનગર ખાતે રહે છે. શિલ્પીના પિતા લાલસિંગ સત્યનારાયણ નગર બમરોલી ખાતે રહે છે. શિલ્પીના ભાઈએ જણાવ્યું હતું કે, લગ્નના પ્રથમ દિવસે જ તેણીને સાસરિયાએ ઝેર આપવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ કેસ કર્યો હતો. અને કેસ પાછો ખેંચવા માટે ધમકીની સાથે દબાણ કરવામાં આવતું હતું. જો કે, શિલ્પીએ ક્યા કારણોસર પડતું મુક્યું તે અંગે સચોટ કારણ આવ્યું નથી. શિલ્પીએ નવમાં માળેથી કુદી પડતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બાદમાં તેણીને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી. મહિલા ઉપરથી નીચે કુદી પડતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને લોહી વધુ નીકળી જવાથી તેણીનું ઘટનાસ્થળે મોત નીપજ્યાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે.

Previous articleકુંભારવાડા અક્ષરપાર્કના રહેણાંકી મકાનમાંથી રોકડ-ઘરેણાની ચોરી
Next articleવ્રત-તહેવારોના ટાણે જ સુકા મેવા-ફળના ભાવમાં વધારો