વ્રત-તહેવારોના ટાણે જ સુકા મેવા-ફળના ભાવમાં વધારો

2246

ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રતની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વ્રતનું મહત્વ હોવા ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો હોઇ તે પહેલાં જ અત્યારથી સૂકા મેવા અને ફળોના ભાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સૂકા મેવાના ભાવોમાં રૂ.૫૦થી રૂ.૧૦૦નો જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. તો, ફળોના ભાવોમાં પણ સારો એવો ઉછાળો નોંધાયો છે. બીજીબાજુ,  મોટા પ્રમાણમાં સુકા મેવો વેપારીઓ ખરીદી રહ્યા છે ત્યારે તહેવારોને પણ મોંઘવારી નડશે. વ્રત-તહેવારો ટાણે જ ભાવવધારો કરી દેવાના વલણને લઇ મહિલાઓ-ગૃહિણીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ભાવવધારાને લઇ મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો.

સુકા મેવા અને ફળોના ભાવમાં અચાનક નોંધપાત્ર વધારાને પગલે આગામી દિવસોમાં વ્રત અને તહેવાર મોંઘા બની રહેશે તે નક્કી છે. આજથી ગૌરી વ્રત શરૂ થઇ રહ્યાં છે. ત્યાર બાદ દિવાસો જયા પાર્વતી વગેરે વ્રતમાં મીઠાનો ઉપયોગ ન થતો હોઇ ડ્રાયફૂટનો ઉપાડ વધારે રહે છે. તેથી વહેવારોની સિઝનમાં સુકા મેવાનું સૌથી વધુ વેચાણ થાય છે. અત્યારે કાજુ, બદામ, અખરોટ, પિસ્તાં, ખારેક અને કિસમિસ, આલુ બુખારાના ભાવમાં ર૦ ટકા જેટલો ભાવ વધ્યા છે.  સરકારે સુકા મેવા પર ર૮ ટકાનો જીએસટીનો ઊંચો દર લગાવ્યો હતો ત્યારે ભાવ વધ્યા હતા. ત્યારબાદ જીએસટી ઘટી જતાં ફરી ભાવો કાબૂમાં આવ્યા હતા. પરંતુ ટ્રાન્સપોર્ટ ખર્ચના નામે ફરી ભાવ વધારો આવી ગયો છે. વેપારીઓ સુકા મેવાના ભાવ વધારાની પાછળ ડીઝલનાવધારા અને ટ્રાન્સપોર્ટર્સને મુખ્ય કારણ ગણે છે. ટ્રાન્સપોર્ટરોએ માલ વહનના ભાવો વધારી દેતાં ભાવમાં રૂ.પ૦થી રૂ.૧૦૦ વધ્યા છે. તેથી વ્રત અને તહેવારોને પણ હવે મોંઘવારી નડશે. જુલાઇ ઓગસ્ટ અને દિવાળીના તહેવારોમાં સૌથી વધુ ઉપાડ સુકા મેવાનો થાય છે. આ સંજોગોમાં રૂ.પ૦થી ૧૦૦નો ભાવ વધારો એટલે લોકોએ ૧૦થી ર૦ ટકા વધુ કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે. ફળોના ભાવોમાં પણ વધારાની કંઇક આવી જ સ્થિતિ છે, જેને લઇ ખાસ કરીને મહિલાઓ-ગૃહિણીઓએ નારાજગી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, નાની બાળાઓ અને યુવતીઓ કે મહિલાઓ વ્રત, ઉપવાસ અને પવિત્ર પર્વની ઉજવણી કરતી હોય ત્યારે સ્વાભાવિક રીતે ઉપવાસમાં ફળ કે સૂકા મેવાનો ઉપયોગ કરતી હોય પરંતુ તેના કારણે વેપારીઓએ ગેરવાજબી રીતે ભાવવધારો નાગરિકો પાસેથી વસૂલવો જોઇએ નહી. અલબત્ત, તેઓ ભાવ વધારે તે સમજી શકાય પરંતુ વધુ પડતો અને કોઇને પરવડે નહી તે રીતે ભાવ વધારે તે વાજબી ના કહી શકાય.

Previous articleસુરતમાં નવી કોર્ટ બિલ્ડીંગના નવમા માળેથી કુદીને મહિલાનો આપઘાત
Next article