૭૦ માર્કની પરીક્ષાનો સમય અઢી કલાક કરાયો

774

ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડીકેટની બેઠકમાં આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી ૭૦ માર્કની પરીક્ષા લે છે. આના માટે ત્રણ કલાકનો સમય આપવામાં આવે છે પરંતુ હવે ત્રણ કલાકના સમયને ઘટાડીને અઢી કલાક કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રશ્નપત્રના માળખામાં ફેરફાર કરીને પાંચના બદલે ચાર પ્રશ્ન પૂછવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્તમાન શૈક્ષણિક સત્રથી જ આ નિર્ણયને અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડીકેટ બેઠકમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત છેલ્લા ચાર વર્ષથી ચાલતી ઓનલઆઈન પ્રવેશ પ્રક્રિયાને રદ્દ કરવાનો પણ આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દે કુલપતિએ માહિતી આપતા કહ્યું હતું કે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને સમજણ નહીં પડતી હોવાથી આગામી વર્ષથી જુની પદ્ધતિ મુજબ જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કોઈ મેરીટનું ઉલ્લંઘન કરશે તો પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ પણ કરવામાં આવશે. આજે યોજાયેલી બેઠકમાં અન્ય મુદ્દા ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિવાદાસ્પદ પ્રોફેસર પ્રદિપ પ્રજાપતિનો મુદ્દો પણ છવાયો હતો. અત્રે નોંધનિય છે કે પ્રદિપ પ્રજાપતિ સામે ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને જોરદાર વિવાદ છેડાયો હતો. જોકે આ મામલામાં ઉંડી તપાસ કરવામાં આવ્યા બાદ પ્રોફેસર સંજય પરદેસી અને કાર્તિક ભટ્ટના ઈશારે વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હોવાની વિગતો ખુલી હતી. આ કેસમાં પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી સામે પણ પગલાં લેવાની માંગ ઉઠી હતી. આજે યોજાયેલી બેઠકમાં સમાજવિદ્યા ભવનના પ્રોફેસર વિજયા દવે દ્વારા એમફિલની વિદ્યાર્થીની પાસે ઘરકામ કરાવવાની અને પાસ કરવા માટે ૫૦ હજાર રૂપિયાની માંગ કરવાની ફરિયાદને આધારે તપાસ સમિતી રચવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.  ઉપરાંત અન્ય મુદ્દા પણ છવાયા હતા. સિન્ડીકેટ અને યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સીલની બેઠકમાં તમામ સંબંધિત વડા ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલી બેઠકમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરફારના જે નિર્ણય કરવામાં આવ્યા છે તેને લઈને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આજે યોજાયેલી બેઠકમાં ખાનગી કોલેજોને મંજુરી આપવાના મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ હતી. કુલ ૩૧ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને મંજુરી આપવાની ચર્ચા થઈ હતી. પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે તેવા સમયે નવી કોલેજોને મંજુરી આપવામાં આવશે.

Previous articleધોલેરા-વટામણ હાઈવે પર એસટી બસની ટક્કરે બાઈક ચાલકનું મોત
Next articleદ.ગુજરાતમાં ભારે વરસાદ : વલસાડમાં ૩ ઈંચ