૧ર ઓગષ્ટે ઉપરાષ્ટ્રપતિ ભાવનગરમાં

0
5886

ભાવનગરના નારી ચોકડીથી અધેલાઈ સુધીના ૩૩ કિલોમીટરનો માર્ગ કરોડોના ખર્ચ ૪ ટ્રેક બનશે. જેનું ખાતમુર્હુત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે કરાશે.

આગામી તા.૧ર ઓગષ્ટના રોજ દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવિયા, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે શહેરના પ્રવેશદ્વાર નારી ચોકડીથી અધેલાઈ સુધીનો ૩૩ કિલોમીટર માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવનાર હોય ચારમાર્ગીયમાં વિભાજીત થનાર માર્ગનું ખાતમુર્હુત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે યોજાશે. આ સમારોહ સંદર્ભે મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ટ્રાફીક ભાવનગર, અમદાવાદ શોર્ટરૂટ પર રહે છે. વર્તમાન સમયે ટ્રાફીકના ભારે ઘસારાને લઈને હાઈવેની વહન ક્ષમતા ખૂબ ઓછી હોય આથી અવારનવાર ગોઝારા અકસ્માતોની ઘટનાઓ ઘટી રહી છે. આથી આ માર્ગને વિકસાવવા માટે લાંબા સમયથી લોકમાંગ પ્રબળ બની હતી. જેને લઈને ભાવનગરના નારી ચોકડીથી અધેલાઈ સુધીના ૩૩ કિલોમીટરના માર્ગને ૪ ટ્રેક બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રૂપિયા સાડા આઠસો કરોડના ખર્ચે નવનિર્માણ થનાર માર્ગનું ખાતમુર્હુત આગામી તા.૧ર-૮ના રોજ દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. માર્ગના નવીનીકરણથી અકસ્માતો ઘટવા સાથે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાના સમયના કલાકો પણ ઘટશે તેમ જણાવ્યું હતું.

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનો પણ ઉલ્લેખ

પત્રકાર પરિષદમાં મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનો પણ ખાસ ઉલ્લેખ સાથે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં પેસેન્જર ફેરી સર્વિસનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. હાલ ચોમાસાની સિઝન તથા સેવાને અપગ્રેડ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. આગામી ઓક્ટોબર અથવા નવેમ્બર માસથી પેસેન્જર સાથે કાર્ગોનું પણ વહન થાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. વિદેશથી શિપ પણ ખરીદાઈ ગયું છે. ઘોઘાથી ભરૂચ, દહેજ, સુરતને સાંકળતી સેવા જે મુળ હેતુ છે. આ યોજનાનો તેનો પ્રારંભ કરવામાં આવશે.

પ્લાસ્ટીક પાર્ક સ્થપાશે

કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેર-જિલ્લામાં વર્ષોથી પ્લાસ્ટીક ઉદ્યોગ કાર્યરત છે. આ ઉદ્યોગ આવનારા સમયમાં વધુને વધુ પ્રગતિ કરે તે માટે કેન્દ્ર સરકારે ભાવનગરમાં પ્લાસ્ટીક પાર્ક બનાવવાનો નિર્ણય કર્યો છે. જે અંગેની દરખાસ્ત જીતુભાઈ વાઘાણીએ કેન્દ્ર સરકારને મોકલી હતી. જે મંજુર કરવામાં આવી છે. પ્લાસ્ટીક ઉદ્યોગ ક્ષેત્રે મોટુ હબ બનશે. કારણ કે દહેજમાં પ્લાસ્ટીક પોલીમરનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ રો મટીરીયલ્સ દહેજથી દરિયાઈ માર્ગે ભાવનગર પહોંચશે અને જે થકી ઉદ્યોગ વિકાસ પામશે.

મુખ્યમંત્રી રૂપાણીનું ભાવનગરમાં રોકાણ

૧ર ઓગષ્ટના રોજ નેશનલ હાઈવેના ખાતમુર્હુત કાર્યક્રમ અંગે ભાવનગર આવી રહેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શહેરમાં એક દિવસીય રોકાણ દરમ્યાન ભરચક કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. જે અન્વયે ભાવનગર શહેર તથા મહુવામાં રૂા.૧.ર૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ હાઉસીંગ બોર્ડના મકાનોનું લોકાર્પણ તથા તાજેતરમાં હિરા વેપારી સાથે થયેલ રૂા.૮.પ૦ કરોડના હિરાની ઠગાઈની ઘટનામાં ગણતરીના દિવસો દરમ્યાન સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવા સાથોસાથ બેંકમાં લોકર ખોલાવી મુદ્દામાલની બખુબી જાળવણી કરનાર એસ.પી. પ્રવિણસિંહ માલનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા મહેસુલ મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે. આ સહિત અનેક વિકાસકાર્યોનું ખાતમુર્હુત મુખ્યમંત્રીના હસ્તે યોજવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here