જરૂરિયાતમંદ કે શારિરીક, માનસિક અક્ષમ વ્યકિત સાથે દાખવેલી સંવેદના ઉચ્ચું પરિણામ આપે છે

1472

વ્હાલા વાચક મિત્રો, સંવેદનાની શોધ અંતર્ગત આપણે દ્વિતીય ચરણમાં સંવેદનાના કેટલાક પુષ્પોની વાત કરીએ છીએ ત્યારે આજે બીજા પુષ્પ તરીકે નીચેના ઉદાહરણો દ્વારા આમ સમાજના લોકોના હૃદયમાં રહેલી સંવેદનાને ઉજાગર કરવા પ્રયત્ન કરીએ.
એક રાજા હતો. તેના તાબા હેઠળ નાનું પણ રાયના દાણા જુવું સુંદર રાજ્ય હતું. તેના રાજ્યની આજુ-બાજુમાં સુંદર વન આવેલું હતું. રાજા ખુબજ દયાળુ અને પ્રજાવત્સલ હતો. પણ રાજાને શિકાર કરવાનો ભારે શોખ હતો. તે નિયમિત હિંસક પ્રાણીઓનો શિકાર કરતો. એવામાં એકવાર તે પોતાના નિત્યક્રમ મુજબ વેહલી સવારે પોતાનાં ઘુડસવારો સાથે જંગલમાં શિકાર માટે નીકળ્યો. એવામાં એક વિશાળ વૃક્ષ નીચે એક સિંહ બેઠો હતો અને તેની સામે પેલો શિકારી રાજા આવી ચડે છે. બધા જ સિંહનાં શિકાર માટે જાળ બિછાવવા લાગ્યા પરંતુ અચાનક જ શિકારી રાજા તુરંત જ આદેશ કરે છે ‘સૈનિકો થોભી જાવપ’ બધા આશ્ચર્ય સાથે રાજા સમક્ષ જોવા લાગ્યા પણ રાજાની નજર સિંહનો આંખ પર પડે છે જેથી રાજા સ્તબ્ધ થઈ જાય છે સિંહની આંખમાંથી અનરાધાર આંસુની વર્ષા થતી હોય તેવો પ્રવાહ વહી રહ્યો હતો. આ જોઈ શિકારી રાજાના હૃદયમાં સંવેદના જાગી. તે ઘોડા પરથી નીચે ઉતરી સિંહ પાસે પહોંચી જાય છે અને સિંહના પગમાં તીક્ષ્ણ કાટો વાગેલો જુવે છે. રાજા તે કાંટો સિંહના પગમાંથી ખેંચીને કાઢી નાખે છે. કાનની પીડા દૂર થતાં શાંતિ અનુભવે છે. રાજાનો હૂંફાળો હાથ સિંહ પર ફરતા તે ગદગદિત થઈ જાય છે. રાજા તે દિવસે શિકાર કરવાનું માંડી વાળે છે અને રાજમહેલમાં પરત ફરે છે. એવામાં થોડો સમય જતા પાડોશી રાજા તેની રાજ વિસ્તાર વધારવાની ભૂખના કારણે લડાઈનું કહેણ મોકલે છે. અને હુમલો પણ કરી દે છે. બંને વચ્ચે ખૂબ જ ભયાનક યુદ્ધ થાય છે જેમાં પેલા શિકારી રાજાનો ઘોર પરાજય થાય છે. રાજાને જીવતો પકડી બંદી બનાવી લેવામાં આવે છે. બંને રાજાઓ વચ્ચે વાકયુધ્ધ ચાલુ થાય છે. કેટલીક શરતો પણ મુકાય છે. વિજેતા રાજા શિકારી રાજા સાથે શરત મૂકે છે કે તમારે એક દિવસ સિંહ સાથે પાંજરામાં રહેવું પડશે પરાજય પામેલ શિકારી રાજા કોઈપણ રીતે વિજેતા રાજા સામે ઘૂંટણીએ પડવા ઇચ્છતો ન હતો. તે ખૂબ જ હિંમત રાખી ભગવાન ભરોષે પેલા રાજાની શરતનો સહજ સ્વીકાર કરે છે. જંગલ માંથી એક સિંહ પકડી લાવી આપવામાં આવે છે સિંહને બે-ત્રણ દિવસથી કોઈપણ પ્રકારનું ભોજન આપવામાં આવ્યું નથી તેથી તે ભૂખથી આકુળ-વ્યાકુળ બનેલો છે. બીજા દિવસે પેલા કેદી રાજાને લાવી ભૂખ્યા સિંહના પાંજરામાં મોકલવામાં આવે છે. ભૂખ્યો સિંહ આંગતુક માણસના સ્વાગત માટે જે રીતે ઘરધણી દોડે છે તેમ ભૂખ સંતોષવા પેલા શિકારી રાજાને પાંજરામાં પુરવામાં આવે છે તેવો જ તેનો કોળિયો કરવા દોડી જાય છે. બંનેની આંખો મળે છે ને સિંહ રાજાને ઓળખી જાય છે. અને રાજાના નસીબ તો જુઓ તે સિંહ પેહલો જ સિંહ હતો જે વૃક્ષ નીચે કાટાથી પીડાતો હતો, અશ્રુની ધારા વહેડાવતો હતો. અચાનક જાણે કે સિંહને બધું જ યાદ આવે છે. અને તે પણ રાજા પ્રત્યે સંવેદનશીલ બની હુમલો કરવાની બદલે રાજા આ હાલત જોઈ આંખોમાંથી અમી વરસાવે છે. બધા માટે આ ક્ષણ અચરજ પમાવે તેવી ઘડી બની જાય છે.
બે-ત્રણ દિવસથી ભૂખ્યા સિંહે સામે આવેલો શિકારને શું કામ જતો કર્યો તે સમજાય તેમ ન હતું. પરાજિત થયેલા શિકારી રાજા તેની શરત પૂરી કરે છે અને આ રીતે યુદ્ધમાં પરાજય પામેલા રાજાનો વાકયુધ્ધમાં વિજય થાય છે. અંતે વિસ્તાર વધારવાનાં હેતુથી યુધ્ધ કરનાર રાજા શિકારી રાજાને સત્વરે મુક્ત કરે છે. આ છે સંવેદનાની જીત! રાજાએ સિંહના પગમાંથી કાંટો કાઢ્યો અને તે રીતે તેની સંવેદના પામ્યો. એક હિંસક પ્રાણી પ્રત્યે દાખવેલી સંવેદના આટલું ઊંચું પરિણામ આપી શકતી હોય તો જરૂરિયાત મંદ અથવા શારીરિક કે માનસિક રીતે અક્ષમ વ્યક્તિઓ પ્રત્યે જે વ્યક્તિ કે સમાજ સંવેદના દાખવે છે તેવા લોકોને કેટલુ ઉચ્ચ પરિણામ મળી શકે તે વિચારવું જ રહ્યું.
સંગીત અને સંવેદના વચ્ચે ગાઢ સંબંધ રહ્યો છે એક પ્રજ્ઞાચક્ષુ વાયોલિન વાદક, સૂરોની સુરાવલી પ્રસરાવી સૌ કોઈને મંત્રમુગ્ધ કરતો. નાના-મોટા કાર્યક્રમો આપે. ધીમે ધીમે સમય જતા તેના કાર્યક્રમોમાં મોટી ભીડ જમા થવા લાગી. એક દિવસ આ કલાકાર લાકડીના ટેકે ટેકે નિર્જન વિસ્તારમાં રસ્તો કાપી આગળ વધી રહ્યો હતો વિશાળ વૃક્ષો વચ્ચે એકલો રસ્તો કાપી રહ્યો હતો. આ જોઈ કેટલાક લુંટારાઓ સંપત્તિની લાલચથી તેને પકડે છે. તેની પાસે જે કાંઈ હતું તે આપી દેવાની માગણી કરે છે. લૂંટારાઓ બધું જ લૂંટી લીધા પછી પેલુ વાયોલિન જોવે છે. એ આના વિષે કશું જ જાણતા નથી એટલે અચરજથી તે પૂછે છે, ‘આ શું છે?’ આ પણ અમને આપી દેપ પેલો પ્રજ્ઞાચક્ષુ ગળગળા સ્વરે બોલે છે. આ વાદ્ય છે. તે પણ તમે મારી પાસેથી લઈ લેવા માગતા હો, તો મને આ વાદ્ય છેલ્લીવાર એક વખત વગાડી લેવા દો. લૂંટારાઓ તેના વિશે કશું જ જાણતા નથી તેમ છતાં તેઓ કહે છે- હા, ચાલ, જલ્દી પતાવ. હવે પેલો કલાકાર કે જે પ્રજ્ઞાચક્ષુ છે તે વાયોલિન પર પોતાનો એવો તે હાથ અજમાવે છે કે-લૂંટારાઓ જાણે કે બેબાકળા બની જાય છે. તે સાનભાન ગુમાવે છે. જેમ-જેમ વાયોલિનના સુર લૂંટારાઓના કાને પડે છે તેમ તેમ તેમના હૃદયમાં પણ વાયોલીનના સુરની સાથોસાથ સુરની સાથોસાથ સંવેદનાના સૂર પણ રેલાવા લાગે છે.
સંગીતની જાદુઈ અસર વચ્ચે લૂંટવા આવેલા લૂંટારાઓ ખુદ જ લૂંટાઈ જાય છે. તેમણે લૂંટેલી તમામ સંપત્તિ પેલા વાયોલિનવાદકના શરણે મૂકી નાચવા લાગે છે. કલાકો સુધી આમ ચાલ્યા કરે છે. આખરે કલાકાર વાયોલિન વગાડવાનું બંધ કરે છે લૂંટારાઓ હવે કલાકારના ચરણોમાં આવી માફી માગી કહે છે- ચાલો, તમારે જ્યાં જવું હોય ત્યાં તમને મૂકી આવીએ. કારણ કે આવા અવાવરું માર્ગ પર તમને કોઇ હેરાન ન કરે. હવે અમે તમારા સેવક છીએ તમે ઇચ્છો તે રીતે તમારી સેવા કરવા માંગીએ છીએ. આ સંદેશ સમાજરૂપી વાયોલિનમાં સેવારૂપી સંસ્થાઓ ગજ ચલાવી ખરી સંવેદના અને સેવાના સુરુનો સંવાદ સાધે છે ત્યારે પેલા કલાકાર અને લુંટારાઓની જેમ પીડિત વિકલાંગ વર્ગ, આમ સમાજ અને સરકાર વચ્ચે સંવેદનાનો સેતુ બંધાશે અને ખરા અર્થમાં એક ઉત્તમ સમાજનું નિર્માણ થશે.
આજે વિકલાંગો માટે ઘડાયેલ વિકલાંગતા વિધેયક-૨૦૧૬ ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયો તેને લગભગ દોઢ વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો હોવા છતાં હજુ તેના અમલ માટે માળખાકીય યોગ્ય વ્યવસ્થાતંત્ર સ્થપાયું નથી. તેના પરિણામે રાજ્યમાં વિકલાંગોને ન્યાય મેળવવા માટે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબત સંવેદનશીલ સરકાર માટે ખૂબ જ ચિંતાજનક બાબત બનવી જોઈએ. આ અંગે સમાજના લોકોએ પણ આગળ આવી સમાજનો એક અખંડ હિસ્સો એટલે કે વિકલાંગ વર્ગ વતી સરકારને જાગૃત કરવા જોઈએ. અને તો જ એક સુદ્રઢ સમાજની રચના થશે.

Previous articleબાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરાતો નથી : તંત્રનું મૌન
Next articleસલમાને ડેટ્‌સનું કારણ આપી ઐશ્વર્યાના ભાઈનો રોલ કર્યો ન હોતો..!!?