ભાનુશાળી કથિત દુષ્કર્મ કેસમાં સમાધાન, હાઈકોર્ટે ફરિયાદ રદ કરવાની અરજી સ્વીકારી

918

ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી સામે સુરતની પીડિતા દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મ અંગેની પોલીસ ફરિયાદ આખરે આજે ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવી હતી. આ કેસમાં પીડિતા અને જયંતિ ભાનુશાળી વચ્ચે થયેલા સમાધાનકારી વલણને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખ્યું હતું અને પીડિતા તેમ જ ભાનુશાળીની માંગણી મુજબ, દુષ્કર્મ કેસની ભાનુશાળી સામેની ફરિયાદ રદબાતલ ઠરાવી હતી. પોલીસ વેરીફિકેશનમાં પણ પીડિતા તેણે જેની સામે ફરિયાદ નોંધાવી હતી તે જયંતિ ભાનુશાળી સામેની પોતાની ફરિયાદ હવે આગળ ચલાવવા માંગતી નથી તે નિવેદનને વળગી રહી હતી. સરકારી વકીલ તરફથી પોલીસ વેરીફિકેશનનો રિપોર્ટ પણ હાઇકોર્ટને જણાવ્યો હતો. જેને ધ્યાને લઇ આખરે હાઇકોર્ટે ભાનુશાળી વિરૂધ્ધની દુષ્કર્મ કેસની ફરિયાદ રદ કરી હતી. ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી વિરૂધ્ધ નોંધાયેલી  બળાત્કારની ફરિયાદ મામલે પીડિતા તરફથી ગત સપ્તાહે અચાનક યુ ટર્ન મારી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરી આ ફરિયાદ આગળ ચલાવવામાં તેને રસ નહી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. જેને પગલે ભાનુશાળીના ચકચારભર્યા કેસમાં નવો જ વળાંક આવ્યો હતો. પીડિતાએ ખુદ જો જયંતિ ભાનુશાળી વિરૂધ્ધની તેણે નોંધાવેલી ફરિયાદ રદ કરવામાં આવે તો તેને કોઇ વાંધો નહી હોવાનું હાઇકોર્ટને જણાવ્યું હતું. જેને પગલે જસ્ટિસ પી.પી.ભટ્ટે પીડિતાને આમ કરતાં પહેલા બે વખત વિચાર કરવા અને પુખ્ત વિચારણાના અંતે યોગ્ય નિર્ણય લેવા ટકોર કરી હતી. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે,  આ પ્રકારના કિસ્સાઓમાં પોલીસ વેરીફિકેશન પણ જરૂરી છે અને પોલીસને પીડિતાના નિવેદનને લઇ વેરીફિકેશન કરવા નિર્દેશ કર્યો હતો. જયંતિ ભાનુશાળી વિરૂધ્ધ પીડિતાએ નોંધાવેલી ફરિયાદ રદ કરાવવા ભાનુશાળી તરફથી હાઇકોર્ટમાં કરાયેલી કવોશીંગ પિટિશનની સુનાવણી આજે પીડિતા હાઇકોર્ટ રૂબરૂ હાજર રહી હતી. એટલું જ નહી, પીડિતા તરફથી આ કેસમાં પહેલેથી જ મહત્વનું સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે, તેણી પોતાની આ ફરિયાદ હવે આગળ ચલાવવા માંગતી નથી.  તેમાં કોઇ કાર્યવાહી આગળ થાય તેમ ઇચ્છતી નથી. જયંતિ ભાનુશાળી  તરફથી સિનિયર એડવોકેટ એસ.વી.રાજુએ હાઇકોર્ટને જણાવ્યું કે, જયારે હવે પીડિતા ખુદ ફરિયાદ આગળ ચલાવવા માંગતી નથી અને બંને પક્ષે સમાધાન થઇ ગયું છે ત્યારે આ ફરિયાદ નિરર્થક બની જાય છે અને તેથી હાઇકોર્ટે દુષ્કર્મ કેસની ફરિયાદ રદબાતલ ઠરાવવી જોઇએ.

આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ભાનુશાળી સામેની ફરિયાદ રદબાતલ ઠરાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ માસમાં સુરતના કાપોદ્રામાં રહેતી ૨૧ વર્ષની યુવતીએ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી પર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કરી હતી. જયંતી ભાનુશાળીએ અમદાવાદની ફેશન ડિઝાઇનિંગ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને યુવતીને ગાંધીનગર બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. કોપાદ્રામાં યોગીચોક વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય આ યુવતીએ તા.૧૦ જુલાઈના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જયંતી પરષોત્તમ ભાનુશાળી વિરુદ્ધ અરજી આપી હતી. આ અરજીમાં તેણીએ જયંતી પર રસ્તામાં કાર થોભાવીને દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ મુક્યો હતો. આ દરમિયાન તેમની સાથેના એક શખ્સે વીડિયો ઉતારી લીધો હતો. તે વીડિયોના આધારે તે પીડિતાને બ્લેકમેલ કરીને વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. આરોપ લાગ્યા બાદ ભાનુશાળીએ પોતાની વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં આ કવોશીંગ પિટિશન દાખલ કરી હતી. જેમાં આજે સમાધાનકારી ડેવલપમેન્ટ સામે આવ્યું હતું અને દુષ્કર્મ કેસની ફરિયાદ રદ થતાં ભાનુશાળીને બહુ મોટી રાહત મળી હતી.

Previous articleયુનિ. સામે એનએસયુઆઈનું આંદોલન
Next articleપાલી. જી્‌ કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન