ભારતનું ‘કમબેક’ : ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૨૦૩ રને હરાવ્યું

1158

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે આજે અહીં ટ્રેન્ટબ્રિજ ખાતે ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને ૨૦૩ રનથી પછાડીને મહત્ત્વની જીત હાંસલ કરી છે. પાંચ મેચોની શ્રેણીમાં ઈંગ્લેન્ડની સરસાઈ ઘટીને ૨-૧ થઈ છે. આજે પાંચમા અને છેલ્લા દિવસે મેચ જીતીને કોહલી અને એના સાથીઓએ શ્રેણીને જીવંત રાખી છે. ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે ૫૨૧ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ટીમ ૩૧૭ રનમાં ઓલઆઉટ થઈ છે. ઈંગ્લેન્ડે ગઈ કાલે ચોથા દિવસને અંતે ૯ વિકેટે ૩૧૧ રન કર્યા હતા. આદિલ રશીદ અને જેમ્સ એન્ડરસને અધૂરો દાવ આજે આગળ વધાર્યો હતો. ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એન્ડરસનને (૧૧) રહાણેના હાથમાં ઝીલાવીને મેચનો અંત લાવી દીધો હતો. ગઈ કાલે રશીદ ૩૦ અને એન્ડરસન ૮ રન સાથે દાવમાં હતો.

વિરાટ કોહલીને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો છે. એણે ભારતની આ જીત કેરળમાં વિનાશકારી પૂરમાં માર્યા ગયેલાઓને અર્પણ કરી છે.

ઈંગ્લેન્ડના બીજા દાવના ટૂકડે ટૂકડા કરનાર ભારતનો બોલર છે જસપ્રીત બુમરાહ. એ ૮૫ રનમાં પાંચ વિકેટ લીધી છે. ઈંગ્લેન્ડે ૬૨ રનમાં ૪ વિકેટ ગુમાવ્યા બાદ બેન સ્ટોક્સ (૬૨) અને વિકેટકીપર જોસ બટલર (૧૦૬)ની જોડીએ ભારતના બોલરોનો ખૂબ પ્રતિકાર કર્યો હતો, પણ અંતિમ સત્રમાં ફાસ્ટ બોલર બુમરાહ મોટા પાયે ત્રાટક્યો હતો અને બટલર, જોની બેરસ્ટો (૦) અને ક્રિસ વોક્સ (૪)ની વિકેટ પાડી દેતાં ઈંગ્લેન્ડ પરાજય તરફ ધકેલાયું હતું. બુમરાહે કારકિર્દીમાં આ બીજી વાર દાવમાં પાંચ-વિકેટનો દેખાવ કર્યો છે. હાર્દિક પંડ્યાએ બેન સ્ટોક્સને આઉટ કરી જીત ભણી ભારતની દોટની ગતિ વધારી હતી, પણ આદિલ રશીદ અને સ્ટુઅર્ટ બ્રોડ (૨૦)ની જોડી ૫૦ રનની ભાગીદારી કરીને બોલરોને હંફાવ્યા હતા.