ઓઢવ ઘટના : કસૂરવારો સામે મનુષ્યવધનો ગુનો દાખલ કરો : ગ્રાહક સુરક્ષા સમિતિની માંગ

1526

શહેરના ઓઢવ વિસ્તારમાં ઇન્દિરા ગરીબ આવાસ યોજનાના બે બ્લોક ગઇકાલે પત્તાના મહેલની જેમ ધરાશયી થવાની દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે ત્યારે આ સમગ્ર દુર્ઘટના માટે જવાબદાર તમામ લોકો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી સખત કાર્યવાહી કરવા અને આ આવાસ બાંધનારી કંપની, કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવા ગ્રાહ્‌ક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર પાઠવી ઉગ્ર માંગણી કરી છે.

તેમણે ધરાશયી બંને બ્લોકના અસરગ્રસ્ત પરિવારોને મુખ્યમંત્રી રાહતફંડમાંથી તાત્કાલિક ધોરણે ભોગ બનનારના પરિવારને રૂ.બે લાખની સહાય અને ઇજાગ્રસ્તોને પૂરતી આર્થિક સહાય કરવા પણ માંગ કરી છે. ઓઢવની દુર્ઘટના અંગે ગ્રાહ્‌ક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગંભીર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ઓઢવ વિસ્તારમાં ગઇકાલે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે ગરીબ આવાસ યોજનાના બે બ્લોક ધરાશીય થઇ જતાં એક નિર્દોષ વ્યકિતનું મોત નીપજયુ છે, જયારે પાંચથી વધુને ગંભીર ઇજા પહોંચી છે ત્યારે આ ગંભીર અને માનવસર્જિત ભૂલના કૌભાંડમાં સરકાર અને અમ્યુકો તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

સામાન્ય રીતે પાકા આરસીસીવાળા મકાનની આવરદા ૪૦થી ૫૦ વર્ષની હોય પરંતુ પ્રસ્તુત કેસમાં માંડ ૧૯ વર્ષમાં જ સમગ્ર ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશયી થઇ ગઇ તે જ સ્પષ્ટ કરે છે કે, તેના બાંધકામમાં બહુ મોટાપાયે ગંભીર ભ્રષ્ટાચાર આચરાયો છે. ખાસ કરીને હલકી ગુણવત્તાયુકત મટીરીયલ્સ વાપરી, નબળુ બાંધકામ કરી નૈતિક જવાબદારી અને ફરજમાં ગંભીર ચૂક દાખવવામાં આવી છે, જેનો ભોગ આખરે નિર્દોષ નાગરિકો બન્યા છે. આ દુર્ઘટના પરથી એ વાત પણ સામે આવી છે કે, ગરીબ અને મધ્યમવર્ગના ગ્રાહકોને સરકારી યોજનાઓના મકાનોના લાભમાં સરકાર અને તંત્ર તેમના જીવન અને જાનમાલના અક્ષમ્ય ચેડાં કરે છે.

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આ દુર્ઘટનામાં બેઘર બનેલા લાચાર પરિવારોને તાત્કાલિક હાઉસીંગ બોર્ડના અથવા જૂના સ્લમ કલીયરન્સ બોર્ડના મકાનો ફાળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને માંગણી કરી હતી. સાથે સાથે સમગ્ર દુર્ઘટના માટે જવાબદાર તમામ લોકો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી સખત કાર્યવાહી કરવા અને આ આવાસ બાંધનારી કંપની, કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવા અને ધરાશયી થયેલા બંને બ્લોકના અસરગ્રસ્ત પરિવારોને મુખ્યમંત્રી રાહતફંડમાંથી તાત્કાલિક ધોરણે ભોગ બનનારના પરિવારને રૂ.બે લાખની સહાય અને ઇજાગ્રસ્તોને પૂરતી આર્થિક સહાય કરવા પણ તેમણે માંગ કરી હતી.

Previous articleબેલેટ પેપર મારફતે ચૂંટણી માટેની વિપક્ષની માંગ ચુંટણી પંચે રદ્દ કરી
Next articleમારી લડાઈ ન્યાય ન મળે ત્યાં સુધી ચાલુ જ રહેશે : હાર્દિક