વ્યાયામમાં સાતત્ય સાચવવા માટે સચોટ સૂચનો

1474

વ્યાયામના શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક અને લાભો છે. આ લાભોનું વર્ણન સેંકડો પાનાઓ દ્વારા પણ ન થઈ શકે. પરંતુ વ્યાયામના વધુમાં વધુ ફાયદાઓ મેળવવા માટે નિયમિત વ્યાયામ ખૂબ જ જરૂરી છે. એટલે કે વ્યાયામમાં સાતત્ય જળવાય રહેવું જોઈએ. જે રીતે આપણે દરરોજ ધંધો કે સર્વિસ કરીએ છીએ, રોજ પ્રાર્થના કે ઈબાદત કરીએ છીએ. નિયમિત જમવાનું. સ્નાન કરવાનું, છાપા વાંચવાનું, ટી.વી. જોવાનું વગેરે વગેરેમાં સાતત્ય જાળવીએ છીએ. જાણે કે ઉપરોકત પ્રવૃત્તીઓનું વ્યસન થઈ ગયું હોય. આવું જ વ્યસન બલ્કે સુવ્યવસન વ્યાયામ બાબત પણ થવું જોઈએ.

આ માટે વ્યાયામને લગતાં ફાયદાઓનું વાંચન- શ્રવણ વગેરે અવાર-નવાર કરતાં રહેવું જોઈએ. આ પુસ્તિકા જો આપ સાચવીને રાખો અને દર એક – બે મહિને તે વાંચો અથવા જયારે વ્યાયામ કરવામાં આળસ નામનો શૈતાન આડો આવે ત્યારે ખાસ આ લેખ વાંચી ફરી પાછા વ્યાયામને નિત્ય ક્રમ બનાવી દેશો. આ અનુસંઘાને એક સત્ય ઘટના રજુ કરું છું. એ ભાઈ આપણે ‘વાય’ નામે ઓળખીશું. ખુબ જ નિયમિત ચાલવા જવાનો નિત્યક્રમ જાણે કે તેમના જીવનમાં વણાઈ ગયો હતો. ટાઢ, વરસાદ કે વાવાઝોડું, ધરતીકંપ કે હુલ્લડ ગમે તે હોય પરંતુ ‘વાય’ ભાઈનો વ્યાયામનો ક્રમ અફર, અફર અને અફર જ રહેતો. એકવાર કોઈ અકળ કારણસર આ ક્રમે બે માસ માટે તુટયો. એ દરમ્યાન વિશ્વ આરોગ્ય સંસ્થાના ઉપક્રમે અન્વેષણ પ્રતિષ્ઠાન તથા ભાવનગર વોકર્સ કલબ દ્વારા વ્યાયામ બાબત મારૂ વ્યાખ્યાન એક કલાક માટે તેઓએ સાંભળ્યું અને પુનઃ તેમાંથી પ્રેરણા મેળવી વ્યાયામ ખૂબ જ નિયમિતતાથી શરૂ કરી દીધું અને અન્ય ઘણાંને વ્યાયામ કરતાં કરી દીધાં. આજના દિવસે પણ ‘વાય’ ભાઈ નિયમિત વ્યાયામ કરે છે. તેમનો ડાયાબિટીસ અને બી.પી. વિના ગોળીએ કાબુમાં રહે છે. સ્ફૂર્તિ અને ચુસ્તી વધ્યા છે. આરોગ્યનાં સેકંડો ફાયદા મળવા માટે આરોગ્ય વિશેષાંક તથા વ્યાયામ બાબતના શ્રવણને તેનો યશ આપે છે. આપણ પણ વ્યાયામનાં ફાયદા માટે વારંવાર તેનું વાંચન-શ્રવણ કરો તેવી વિનંતી.

ઉત્તમ વ્યાયામ – ચલાવાની કસરત

પ્રસ્તાવના :- વિશ્વ આરોગ્ય સંસ્થાની વ્યાખ્યા અનુસાર સારૂ આરોગ્ય એટલે ‘તન, મન અને સામાજિક રીતે માનવીની સ્વસ્થતા.’ સારા આરોગ્ય માટે જેટલી ખોરાક, સ્વચ્છ પાણી તથા હવા, પુરતી ઉંધ, તાણમુક્તિ, વ્યસનમુક્તિ વગેરેની જરૂર વ્યાયામની પણ છે. વ્યાયામ ઘણી જાતના છે પરંતુ શ્રેષ્ઠ વ્યાયામ છે ચાલવાની કસરત. કેટલાંક નિષ્ણાનો તરવાની કસરતને ઉત્તમ માને છે. પરંતુ તેની ઘણી મર્યાદા છે. દરેક માટે સુલભ નથી. જયારે ચાલવાની કસરત સહેલી, સસ્તી (મફત), સુલભ છતાં ઘણી જ લાભકર્તા છે. વિદેશોમાં છેલ્લા ર-૩ વર્ષમાં ઘણાં ડોકટરો પોતાના દરદીને પ્રિસ્ક્રીપ્શનમાં એક જ દવા લખી આપે છે. અને તે છે ચાલવાની કસરત.

ચાલવા બાબતે મહાપુરૂષોની વાતો

(૧) ભારતીય ચિંતકોએ કહ્યું છે કે જે ચાલે છે તેનું ભાગ્ય પણ ચાલતું રહે છે, જે બસી રહે છે તેનું ભાગ્ય પણ બેસી રહે છે, જે સૂતો રહે છે તેનું ભાગ્ય પણ સુતુ રહે છે. (ર) ‘ફરે તે ચરે’ આ કહેવત પણ જાણીતી છે. પરંતુ તેનો શબ્દાર્થ ન પકડી રાખતા ભાવાર્થને સમજીને અપનાવીએ. (૩) ચાર્લ્સ ડીકન્સ ઉ ચાલો અને સ્વસ્થ રહો. (૪) ગાંધીજી કહેતા કે, મને રોજ ચાલવાનું વ્યસન થઈ ગયું છે. જો મને કોઈક દિવસ ચાલવા ન મળે તો અકસાળ જાઉં છું. મારી કુદરતી જીવનશૈલી, સાદો આહાર અને નિયમિત ચાલવાની ટેવને કારણે જો મારૂ આકસ્મિક મોત ન થાય કે મારૂ ખૂન ન થાય તો હું ૧રપ વર્ષ જીવું…. (પ) કુદરતી ઉપચારના ભારતના જાણીતા ડો. ભમગરા કહે છે કે બી મોર ઓન યોર ફીટ, લેસ ઓન યોર સીટ મતલબ કે સીટ (ગાદી કે ખુરશી) પર વધુ રહેવા કરતા ફીટ (પગ) પર વધુ રહો, મતલબ કે ચાલો…..ચાલો…. ગાદી કે ખરુશીની વાત રાજકારણના સંદર્ભમાં ન લેવાનું સુજ્ઞ વાચકો સમજી શકશે. (૬) વ્યાયામ વિજ્ઞાનના ઘણાં તજજ્ઞો, ઘણા ધાર્મિક પુરૂષો, મહાન તબીબો કે જ ેઓએ ચાલવાની કસરતનો મહિમા ગયો છે તેઓનું લીસ્ટ લાંબુ છે….

– ડો.એસ.એસ. વરતેજી