લેવર કપ : ફેડરર અને યોકોવિચની જોડીનો સોક-એન્ડરસન સામે પરાજય

1095

વર્તમાન ટેનિસના લેજન્ડરી સુપરસ્ટાર્સ અને કટ્ટર હરિફ એવા ફેડરર અને યોકોવિચ લેવર કપમાં ટીમ યુરોપ તરફથી જોડી જમાવીને મેન્સ ડબલ્સમાં રમવા ઉતર્યા હતા. જોકે કુલ મળીને ૩૪ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનારી આ જોડી તેમની કારકિર્દીમાં પહેલી વખત એકસાથે ડબલ્સ મેચ રમવા ઉતરી હતી અને હારી ગઈ હતી. ફેડરર અને યોકોવિચની યુરોપીયન જોડીને રેસ્ટ ઓફ વર્લ્ડ ટીમના જેક સોક અને કેવિન એન્ડરસને ૬-૭(૫-૭), ૬-૩, ૧૦-૬થી હરાવ્યા હતા. લેવર કપના નિયમ અનુસાર જો બે હરિફો એક-એક સેટ જીતે તો ત્રીજા સેટના બદલે ટાઈબ્રેકરથી વિજેતા નક્કી કરવામાં આવે છે. શિકાગોમાં ગઈકાલે મોડી રાત્રે પુરી થયેલી આ ડબલ્સ મેચમાં ટીમ યુરોપને આ સિઝનની સૌપ્રથમ હારનો સામનો કરવો પડયો હતો.

આમ છતાં યુરોપે રેસ્ટ ઓફ વર્લ્ડ પર ૩-૧થી સરસાઈ મેળવી લીધી હતી. યુરોપે સુપરસ્ટાર્સની ડબલ્સ મેચ અગાઉની ત્રણ સિંગલ્સ જીતી હતી. યુરોપને બુલ્ગારિયાના ડિમિટ્રોવે વિજયી પ્રારંભ અપાવતા રેસ્ટ ઓફ વર્લ્ડ ના અમેરિકી ખેલાડી ટિએફોને ૬-૧, ૬-૪થી હરાવ્યો હતો. યુરોપના બ્રિટીશ ખેલાડી કાયલ એડમંડે ૬-૪, ૫-૭, ૧૦-૬થી વર્લ્ડના અમેરિકી ખેલાડી જેક સોકને હરાવ્યો હતો. જે પછી યુરોપના બેલ્જીયમના ગોફિને ૬-૪, ૪-૬, ૧૧-૯ થી આર્જેન્ટીનાના સ્વાટ્‌ર્ઝમાન સામે સંઘર્ષમય વિજય મેળવ્યો હતો.

Previous articleખેલરત્ન એવોર્ડ માટે કોહલીની પસંદગી માપદંડોને આધારે કરાઈ
Next articleમહેસાણામાં સ્પા સેન્ટરમાંથી ત્રણ થાઇલેન્ડની યુવતી સહિત ૫ ઝડપાયા