બોર્ડની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે શાળા ખર્ચ નહીં લઇ શકે

620

ધોરણ-૧૦ અને ૧રની ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦૧૯માં લેવાનારી પરીક્ષાની કામગીરીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ માસના અંતમાં પરીક્ષા માટેનાં આવેદનપત્રો ભરાવવાની શરૂઆત થવાની છે ત્યારે કોઇપણ શાળા સંચાલક કોઈ પણ વિદ્યાર્થી પાસેથી ઇન્ટરનેટ ચાર્જ કે પ્રિન્ટ ખર્ચ પેટે રૂપિયો પણ વસૂલી શકશે નહીં, કારણ કે હવે શિક્ષણ બોર્ડ જ વિદ્યાર્થીના આવેદનપત્ર ઓનલાઈન ભરવા માટે થતા ખર્ચ પેટે રૂ ૧૦ વિદ્યાર્થીદીઠ શાળાઓને ચુકવણી કરી દેશે. આમ, બોર્ડની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે શાળાઓ કોઇપણ વિદ્યાર્થી પાસેથી ખર્ચ વસૂલી શકશે નહી. આ નિર્ણય મારફતે બોર્ડ દ્વારા એક પ્રકારે વિદ્યાર્થીઓ અને વાલીઓને થોડી રાહત અપાઇ છે અને ખર્ચની રકમનો બોજો પોતે ઉઠાવ્યો છે. અગાઉ આ સમગ્ર મામલે શિક્ષણબોર્ડને અનેક ફરિયાદ મળતી હતી કે ધોરણ-૧૦ અને ૧રના પરીક્ષાના આવેદન ઓનલાઇન ભરતી વખતે શાળા સંચાલકો વિદ્યાર્થી પાસેથી ઇન્ટરનેટ અને પ્રિન્ટ ખર્ચ પેટે રૂ પ૦ જેટલી રકમની વસૂલી કરતા હતા. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને સામાન્ય સભાની ચર્ચા બાદ લીધેલા નિર્ણય મુજબ રાજ્યની તમામ ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓના ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્રો ભરવા માટે રૂ.૧૦ની રકમ વિદ્યાર્થીદીઠ માર્ચની પરીક્ષા માટે આપવાની નક્કી કરાયું છે, જે ઇન્ટરનેટની સુવિધા માટે હશે. ખાસ  કરીને ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓમાં આ પ્રકારનો ખર્ચ કરવો પડતો હોય છે. જો કે, બોર્ડ દ્વારા પણ હવે શાળાઓને આ અંગે સ્પષ્ટ તાકીદ કરી દેવામાં આવી છે, જેને પગલે હવે બોર્ડના ઉપરોકત નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળી છે.

Previous articleનવરાત્રિમાં ટેટુનો ક્રેઝ
Next article‘ઈન્ડિયાસ મોસ્ટ વોન્ટેડ’ ફેમ ઈલિયાસી પત્નીની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર