૨૧ સિંહ ઘાતક વાઈરસથી ગ્રસ્ત : જરૂરી સારવાર જારી

511

ગીરપંથકમાં ૨૩ સિંહોના મોત પછી ગીરમાં રહેતા બીજી સિંહો પરથી હજુ ખતરો ટળ્યો નથી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના રિપોર્ટમાં બીજા ૨૧ સિંહોમાં ઘાતક વાયરસના લક્ષણો હોવાનું અને તેઓ ખતરા હેઠળ હોવાનું સામે આવતાં રાજય સરકાર અને વનવિભાગની ચિંતા ફરી વધી છે. જેના કારણ હવે વનવિભાગના અધિકારીઓ અને નિષ્ણાત તબીબોએ આ ૨૧ સિંહોના રક્ષણ અને તેમને બચાવવા માટેની સારવાર યુધ્ધના ધોરણે શરૂ કરી છે. સાથે સાથે વનવિભાગ અને નિષ્ણાત ટીમો દ્વારા અન્ય સિંહોની પણ તપાસ કરી તેમના સ્વાસ્થ્ય સંબંધી ખાતરી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગીરના સિંહોના કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ (સીડીવી)થી મોત નોંધાયા છે. એ પછી બીજા સિંહોની તપાસ કરવા માટે ૨૭ સિંહોના સેમ્પલ આઈસીએમઆર પાસે મોકલાયા હતા. તેમાંથી ૨૧ સિંહમાં સીડીવી હોવાનું જાણવા મળ્યું છે. સિંહોનો જીવ લઈ લેતો આ રોગ ઘાતક છે અને ગુજરાતનો વન વિભાગ તેમા સાવ ઉંઘતો ઝડપાયો હતો. વાઈરસ જોવા મળવાનો મતલબ એવો થાય કે હજુ પણ બીજા સિંહોમાં તેનો ફેલાવો થઈ રહ્યો છેઃ વાઈરસ હવાથી ફેલાતો રહે છે. ગીરના જંગલમાં ૩ સપ્તાહના ટૂંકા ગાળામાં ૨૩ સિંહના મોત થયા પછી હવે સરકાર વિવિધ દિશામાં તપાસ અને કાર્યવાહી કરી રહી છે. શરૂઆતમાં સરકારે સિંહોના મોત ઈન-ફાઈટથી થયા હોવાની વાત કરી હતી.

બાદમાં તપાસ કરતા જણાયુ હતુ કે સિંહ સહિતના પ્રાણીઓમાં જોવા મળતો કેનાઈન ડિસ્ટેમ્બર નામનો ઘાતક રોગચાળો સિંહોને લાગુ પડયો છે. આફ્રિકાના જંગલોમાં આ રોગચાળાએ મોટી સંખ્યામાં સિંહોની વસતીનો સફાયો કર્યો છે.  સીડીવી આસાનીથી રોકી શકાતો નથી, ફેલાતો અટકાવી શકાતો નથી. માટે સિંહોના મોત અટકાવવા એ મોટો પડકાર બની રહે છે. આઈસીએમઆરના રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયુ છે કે ૨૧ સિંહમાં વાઈરસ જોવા મળ્યો તેનો મતલબ એવો થાય કે વાઈરસનો ફેલાવો ચાલુ જ છે.

શક્ય છે કે ગીરના બીજા સિંહો સુધી પણ એ વાઈરસ પહોંચ્યો હોય. અલબત્ત, એ માટે જંગલખાતુ અને સરકારના અન્ય વિભાગો બાકીના સિંહની તપાસ કરી રહ્યા છે.  પરંતુ રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે સિંહોની સલામતી માટે તેને હાલ પૂરતા તો ગીરમાંથી ખસેડવા જોઈએ. કેમ કે આ વાઈરસ હવાથી અને બીજી ઘણી રીતે ફેલાઈ શકે છે. જોકે ગુજરાત સરકારે સિંહોને ક્યાંય લઈ જવાની હાલ તો ના કહી દીધી છે.

Previous articleગુજરાતમાં સ્વાઈન ફ્લુનો ભરડો
Next articleલુબાન ચક્રાવાતથી ઓમાનમાં ફસાયેલા ગુજરાતી ખલાસીઓનો હેમખેમ બચાવ