પૃથ્વી શૉમાં સચિન, વીરુ, લારાની ઝાંખી દેખાય છે : શાસ્ત્રી

1007

ભારતીય ક્રિકેટ ટીમના કૉચ રવિ શાસ્ત્રીને ઊગતા બૅટિંગ સ્ટાર પૃથ્વી શૉમાં આ યુગના બે દંતકથારૂપ બૅટ્‌સમેન તથા એક એવા આક્રમક બૅટ્‌સમેન જેણે બૅટ્‌સમેનશિપની નવી વ્યાખ્યા બાંધી તેની ઝાંખી દેખાય છે.

વધુ પડતા ખુશ થઇ ગયેલા શાસ્ત્રીએ એક જ શ્ર્‌વાસમાં પૃથ્વીની સરખામણીમાં ત્રણ મહાન બૅટ્‌સમેન – સચિન તેંડુલકર, બ્રાયન લારા અને વીરેન્દ્ર સેહવાગ – સાથે કરી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૃથ્વીના પદાર્પણ અને તેણે ફટકારેલા ભરપૂર રન અંગે પૂછવામાં આવતા શાસ્ત્રી પૃથ્વીની પ્રશંસા કરવામાં પોતાની જાતને રોકી નહોતી શક્યો અને કહ્યું હતું કે,‘શૉ તો ક્રિકેટ રમવા જ જન્મ્યો છે. એ તો મુંબઈના મેદાનોમાં આઠ વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમી રહ્યો છે. તેની રમતમાં તેની ભારે મહેનત ઝળકી રહી છે. એ તો દર્શકોને જલસો પાડી દે છે. એની બૅટિંગમાં થોડી સચિનની તો થોડી સેહવાગની લાક્ષણિકતાના દર્શન થાય છે અને એ જ્યારે ચાલે છે ત્યારે લારાની યાદ આવી જાય છે. જો એ પગ જમીન પર રાખે અને ક્રિકેટ પાછળની મહેનતના નૈતિકોનું બરાબર અનુસરણ કરે તો તેનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે.’

શાસ્ત્રીએ ઉમેશ યાદવની પણ ભારે પ્રશંસા કરી હતી જેણે એક ટેસ્ટમાં ૧૦ વિકેટ લીધી હતી અને આ સિદ્ધિ મેળવનાર કપિલ દેવ તથા જવાગલ શ્રીનાથ પછી ત્રીજો જ ભારતીય બૉલર બન્યો હતો.

Previous articleમેં હાલમાં પંજાબી ફિલ્મ કરવાની છોડી છે : ઇલનાઝ નૌરોજી
Next articleશ્રીલંકાના ક્રિકેટર સનથ જયસૂર્યા પર લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ