ભારતની યજમાનીમાં આજથી ૧૪માં હોકી વર્લ્ડકપનો પ્રારંભ

1041

૧૪મા હોકી વર્લ્ડ કપનો ભારતની યજમાનીમાં આજથી ભુવનેશ્વરમાં પ્રારંભ થઈ રહ્યો છે જેમાં આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય હોકી ટીમ કલિંગા સ્ટેડિયમ પર ઘરેલુ દર્શકોના જોરદાર સમર્થન વચ્ચે ગ્રૂપ સીમાં સાઉથ આફ્રિકા સામે આજે ઊતરશે ત્યારે તેનું લક્ષ્ય વર્લ્ડ કપમાં ૪૩ વર્ષથી મેડલ ન જીતી શકવાના ગમને ભૂલી નવો ઇતિહાસ રચવા પર રહેશે. આઠ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ભારતીય ટીમે ૧૯૭૫માં એક માત્ર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું હતું. ૧૯૭૫ બાદ એશિયાની ધુરંધર ભારતીય ટીમ એકેય મેડલ જીતી શકી નથી. ૧૯૯૨માં ભારતીય ટીમ પાંચમા સ્થાને રહી હતી જે તેનો છેલ્લા ૪૩ વર્ષમાં શ્રેષ્ઠ દેખાવ છે. વર્તમાનમાં વર્લ્ડ રેન્કિંગમાં પાંચમા સ્થાને રહેલી ભારતીય ટીમ માટે આ વખતે પણ ચેમ્પિયન બનવું એટલું આસાન નહીં હોય કારણ કે, ચેમ્પિયન બનવા સામે ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્‌સ, જર્મની જેવી મજબૂત ટીમોને પછાડવું પડશે. આ ઉપરાંત ભારતીય ટીમ પર સારા પ્રદર્શનની અપેક્ષાઓનું પણ દબાણ રહેશે.

ભારતની મેચ પહેલાં વર્લ્ડ કપનો પ્રારંભિક મુકાબલો બેલ્જિયમ અને કેનેડા વચ્ચે યોજાશે. કોચ હરેન્દ્રસિંહે જુનિયર વર્લ્ડ કપ વિજેતા ટીમના સાત ખેલાડીઓને વર્તમાન ટીમમાં સામેલ કર્યા છે જ્યારે કેપ્ટન મનપ્રીતસિંહ, પી. આર. શ્રીજેશ, આકાશદીપસિંહ અને બીરેન્દ્ર લાકડા પણ ટીમમાં છે.

ડ્રેગ ફ્લિકર રૃપિન્દરપાલસિંહને બહાર કરી દેવાયો છે જ્યારે સ્ટ્રાઇકર એસ. વી. સુનીલ ફિટનેસને કારણે બહાર છે.

ગોલકીપરઃ શ્રીસજેશ, કૃષ્ણબહાદુર પાઠક,

ડિફેન્ડરઃ હરમનપ્રીતસિંહ, બીરેન્દ્ર લાકડા, વરુણકુમાર, કોથાજિતસિંહ, સુરેન્દ્રકુમાર, અમિત રોહિદાસ,

મિડફિલ્ડરઃ મનપ્રીતસિંહ (કેપ્ટન), ચિંગલેનસાનાસિંહ (વાઇસ કેપ્ટન), નિલકાંતા શર્મા, હાર્દિકસિંહ, સુમિત,

ફોરવર્ડઃ અક્ષદીપસિંહ, મનદીપસિંહ, દિલપ્રીતસિંહ, લલિતકુમાર ઉપાધ્યાય, સિમરનજિતસિંહ.

Previous articleમિતાલી રાજે તોડ્યું મૌન, કહ્યુ કોચ રમેશ પોવારે કરી અપમાનિત
Next articleનિર્મલા શેરોન સહિત પાંચ ભારતીય એથ્લીટ્‌સ ડોપિંગમાં પોઝિટિવ