૮૦ ટકાથી ઓછી હાજરી તો પરીક્ષામાં બેસવાની તક નહીં

702

શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ૬૫ ટકા કરતાં ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે તે નિયમને હવે શિક્ષણ બોર્ડે વધુ કડક બનાવ્યો છે. હવેથી આગામી માર્ચ ર૦૧૯માં લેવાનારી બોર્ડની પરીક્ષામાં ધોરણ-૧૦ અને ૧રના વિદ્યાર્થીઓની હાજરી શાળામાં ૮૦ ટકા ફરજિયાત કરાઈ છે. તેનાથી ઓછી હાજરી ધરાવનારા વિદ્યાર્થીઓ હવે બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં. જો કે, શિક્ષણ બોર્ડે હાજરીના નિયમને વધુ કડક બનાવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ નારાજગી ફેલાઇ છે. વિદ્યાર્થી અને વાલીઓમાં બોર્ડના આ નિર્ણયને હળવો કરવાની માંગ પણ ઉઠી રહી છે. બોર્ડ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા અંગેના હાજરીના નિયમોમાં આ વર્ષથી ફેરફાર કરાયા છે. વિદ્યાર્થીઓની ફરજિયાત ૮૦ ટકા હાજરી થાય તો જ પરીક્ષામાં બેસવા દેવાશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ ૬પ ટકા હાજરી હોય તો પણ પરીક્ષા આપી શકતા હતા તેવા કિસ્સામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થીઓ તરીકે નહિ, પરંતુ ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા, જોકે વાજબી કારણસર ૧પ ટકા છૂટ આપવામાં આવશે. ૮૦ ટકા હાજરી માટે સત્રના પહેલા દિવસ અથવા તો ૧પ જૂન જે પહેલાં આવતી હોય ત્યાંથી લઇને ૧પ ફેબ્રુઆરી સુધીના દિવસોની ગણતરી કરવામાં આવશે. ખાનગી વિદ્યાર્થી આ નિયમનો ગેરફાયદો ઉઠાવી સ્કૂલો ઊંચા પરિણામ મેળવવા માટે નબળા વિદ્યાર્થીઓને ખાનગી વિદ્યાર્થીઓ તરીકે ગણાવતી હોવાની અનેક ફરિયાદો બોર્ડના ધ્યાને આવી હતી. તેથી હવે ઓછી હાજરીવાળા વિદ્યાર્થીઓને ખાનગી તરીકે ગણવામાં નહી આવે. જોકે કોઈ ગંભીર બીમારીના સંજોગોમાં રજા પાડી હશે તો તેવા સંજોગોમાં સ્કૂલોએ એફિડેવિટ કરી બોર્ડ સમક્ષ સાબિતી કરવું પડશે. તેમાં ૧૫ ટકા જેટલી ઓછી હાજરી હોય તો તેવા સંજોગોમાં સ્કૂલ દ્વારા યોગ્ય કારણ સાથે બોર્ડમાં રજૂઆત કરવામાં આવે તો ચેરમેન દ્વારા સ્પેશિયલ પરવાનગીથી તેને માન્ય ગણવામાં આવશે. અત્યારે સ્કૂલ દ્વારા એક લેટર લખી આપવામાં આવે તો તેના આધારે વિદ્યાર્થીઓને ખાનગી તરીકે કન્વર્ટ કરી દેવાના કારણે ડમી સ્કૂલનો કોન્સેપ્ટ વિદ્યાર્થીઓમાં વધુ લોકપ્રિય થયો હતો. વિદ્યાર્થી ખાનગી કોચિંગ લઈને શાળામાં ઓછી હાજરી આપતા હતા, જે પછી ખાનગી વિદ્યાર્થી તરીકે બોર્ડમાં પરીક્ષા માટે રજિસ્ટર્ડ થતા હતા. વિદ્યાર્થીઓની ઓછી હાજરી હોય તેવા કેસમાં લાંબી બીમારી, માતા કે પિતાનું મૃત્યુ, એવો કોઇ બનાવ કે ઉમેદવારની ગેરહાજરી વાજબી ઠેરવે, એનએસએસ-એનસીસીની શિબિરમાં ભાગ લેવા માટે મુસાફરીના દિવસોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ સિવાયના કિસ્સામાં બોર્ડના અધ્યક્ષ નિર્ણય લેશે.

ખાસ કિસ્સામાં ૧પ ટકા છૂટ આપવામાં આવશે. જો કે, બોર્ડના આ કડક નિયમને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં થોડી નારાજગી ફેલાવા પામી છે.

Previous articleરાજભવન વસાહત યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં રાજયપાલ ઉપસ્થિત રહ્યા
Next articleઆજે આઠમ પ્રસંગે શહેરના મંદિરોમાં શ્રદ્ધાળુનો ધસારો