અલ્પેશને સસ્પેન્ડ કરવાની માંગ હાઇકોર્ટે ફગાવી દીધી

579

કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા મામલે કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં આજે હાઇકોર્ટે મહત્વનો ચુકાદો જાહેર કર્યા હતો અને જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ એ.પી.ઠાકરની ખંડપીઠે અરજદાર કોંગ્રેસ પક્ષ તરફથી અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની દાદ માંગતી અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે આ સમગ્ર મામલે દરમ્યાનગીરી કરવાનો પણ સાફ ઇનકાર કરી દીધો હતો અને ઠરાવ્યું હતું કે, વિધાનસભા અધ્યક્ષને આ મુદ્દે નિયત સમયમાં નિર્ણય લેવાનું અદાલત કહી ના શકે. બંધારણીય અને કાયદાકીય જોગવાઇ મુજબ, વિધાનસભા અધ્યક્ષ આ મામલે તેમની રીતે નિર્ણય લેવા સ્વતંત્ર છે. હાઇકોર્ટે કોંગ્રેસની રિટ અરજીનો નિકાલ કરતાં અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવાના મામલે વિધાનસભા અધ્યક્ષને તેમની રીતે નિર્ણય લેવા પણ લીલીઝંડી આપી હતી. આમ, ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે કોંગ્રેસ પક્ષને બહુ મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને રાધનપુરના ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરાવવા કરાયેલી પિટિશનમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, અલ્પેશ ઠાકોરે એપ્રિલ માસમાં કોંગ્રેસમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધુ છે અને તેમછતાં તે ધારાસભ્યદે ખોટી રીતે ચાલુ રહ્યા છે. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરી અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠરાવવા માંગણી કરી હતી પરંતુ અધ્યક્ષ દ્વારા પક્ષપાતભર્યુ વલણ અપનાવી અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠરાવ્યા નથી. જેને પગલે કોંગ્રેસ પક્ષ તરફથી આ રિટ અરજી કરવાની પડી છે. કોંગ્રેસ તરફથી કરાયેલી રજૂઆત અને માંગણી પરત્વે ત્રણ દિવસમાં વિધાનસભા અધ્યક્ષને નિર્ણય લેવા અને અલ્પેશ ઠાકોરને રાધનપુરના ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરાવવા દાદ માંગવામાં આવી હતી.

દરમ્યાન અલ્પેશ ઠાકોર દ્વારા અગાઉ મહત્વનું સોગંદનામું રજૂ કરી એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે, તેણે કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું જ નથી પરંતુ કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું. વળી, રાજીનામાની વાત જે વોટ્‌સઅપના માધ્યમથી વાયરલ થયુ હતુ તેમાં તેનો કોઇ વાંક કે ચૂક નથી અને તેમાં તેની કોઇ રીતે જવાબદારી બનતી નથી. તે પક્ષવિરોધી કે અન્ય કોઇ એવી પ્રવૃત્તિમાં સામેલ કે સંડોવણી ધરાવતા નથી અને તેથી તેને ગેરલાયક ઠરાવવાનો કોઇ પ્રશ્ન ઉભો થતો નથી. કોંગ્રેસે કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ કર્યો નથી. દરમ્યાન આ કેસમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તરફથી પણ બહુ મહત્વનું સોગંદનામું રજૂ કરી સ્પષ્ટ કરાયું હતું કે, વિધાનસભા અધ્યક્ષના કાર્યક્ષેત્રમાં અદાલતનો હસ્તક્ષેપ કોઇપણ રીતે ન્યાયોચિત કે યોગ્ય લેખાશે નહી.  અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ ગેરલાયક ઠરાવવા કોંગ્રેસ તરફથી કરાયેલી રજૂઆત વિચારાધીન છે અને તેની પર ઝડપથી નિર્ણય લેવાઇ જશે. સંભવતઃ ચાર મહિનામાં આ અરજી પર નિર્ણય લેવાઇ શકે તેમ તેમણે અદાલતને હૈયાધારણ આપી હતી. પરંતુ ત્રણ દિવસમાં નિર્ણય લેવાની કોંગ્રેસની માંગણી કોઇપણ રીતે યોગ્ય અને ટકી શકે તેમ નથી. આ કેસમં તમામ પક્ષકારોની રજૂઆત અને દલીલો પૂર્ણ થયા બાદ હાઇકોર્ટે ગઇકાલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જે આજે ખુલ્લી અદાલતમાં જાહેર કરાયો હતો.

Previous articleવિધાનસભાના દ્વારેથી
Next articleવિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ ન મળતા કોંગ્રેસનો ચક્કાજામ, ૩૦ કાર્યકરોની અટકાયત