નીતિન પટેલ : શક્તિસિંહ પર કોઈ આક્ષેપ થયા નથી

975

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મંગળવારે પત્રકાર પરિષદ કરીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે માનહાનિનો અને ક્રિમિનલ કેસ કરવાની ચીમકી આપી હતી. શક્તિસિંહે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ ઉત્તર પ્રદેશની મુલાકાત દરમિયાન તેમની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું નિવેદન કર્યું હતું, તેમજ પ્રરપ્રાંતિયો પર થયેલા હુમલા અંગે તેમને જવાબદાર ગણાવ્યા હતા. આ મામલે તેમણે પત્રકાર પરિષદ કરીને મુખ્યમંત્રી માફી નહીં માગે તો માનહાનિનો કેસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ કરીને શક્તિસિંહના આક્ષેપને સસ્તી પ્રસિદ્ધિ માટેનું નાટક ગણાવ્યું હતું.

આ અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે,”શક્તિસિંહ પોતે મોટા નેતા છે તેવું સાબિત કરવા માટે ખોટા આક્ષેપો કરી રહ્યા છે. આ માટે જ તેઓ મુખ્યમંત્રી સામે ખોટા આક્ષેપો કરીને મીડિયામાં છવાય જવાની હરિફાઈ કરી રહ્યા છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરવાની કોઈ જરૂર ન હતી. તેમણે બંધ બેસતી પાઘડી પહેરી લીધી છે. મુખ્યમંત્રીએ તેમના નિવેદનમાં શક્તિસિંહ કે અલ્પેશ ઠાકોરનું નામ લીધું નથી. શક્તિસિંહે ખોટા આક્ષેપો કરવાને બદલે તેમની પાસે કોઈ પુરાવા હોય તો તે રજુ કરવા જોઈએ.”

Previous articleજમ્મુ કાશ્મીર : ત્રણ આતંકી ઠાર, એક જવાન શહીદ
Next articleમંત્રી એમ.જે.અકબર મામલે ૨૦ મહિલા પત્રકારોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર