તલગાજરડામાં  ઐતિહાસિક રામકથાનું આયોજન

1156

તલગાજરડા ની પવિત્ર તીર્થ ભૂમિ પર આગામી ૨૭ તારીખ થી આરંભાઈ રહેલી રામકથા “માનસ-ત્રીભુવન – ૨ ની જબરદસ્ત પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. કથા સ્થળ પર શ્રાવકો માટે સુંદર વ્યવસ્થા જળવાય અને સુખપૂર્વક કથા શ્રવણ થઈ શકે તે માટે ૩૧ સમિતિઓનાં ૨૫૦૦ સ્વયંસેવકો સ્વયંભૂ ઉત્સાહ સાથે વ્યવસ્થાને આખરી ઓપ આપી રહ્યા છે. આજે કથાના મીડિયા કન્વીનર  બાબુભાઈ રામે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કથાની પૂર્વ સંધ્યાએ તારીખ ૨૬/૧૦ ના રોજ સાંજે સાડા પાંચ કલાકે “સાધુ – બ્રહ્મ સમાજ ચોર્યાસી નું ભવ્ય અયોજન છે. મહુવા શહેર અને તાલુકા ના તમામ ગોળ ના સાધુ પરિવાર અને બ્રાહ્મણ પરિવાર – સમસ્ત બ્રહ્મ સમાજ ના આબાલ વ્રદ્ધ સહુને સાગમટે પધારી, મહા પ્રસાદ ગ્રહણ કરવા યજમાન  હરિભાઈએ નોતરું પાઠવ્યું છે. આ મહા ચોર્યાસી પૂજ્ય બાપુની પાવન ઉપસ્થિતિ માં યોજાશે, જેમાં પૂજ્ય બાપુ ના વચનઅમૃત નો લાભ મળશે. હરિભાઈ નકૂમ પરિવારે સઘળાં વંદનનિય સાધુ – બ્રાહ્મણો ને પધારવા અનુરોધ કર્યો છે.

પૂજ્ય બાપુની પ્રેરણાથી મહુવા શહેર અને તાલુકામાં કથા ના નવ દિવસ દરમિયાન ગાયમાતાને ઘાસ, કૂતરાને રોટલા અને પંખીઓને ચણ નાખવામાં આવશે. કથાની બીજી એક વિશેષતા એ છે કે કથાની પૂર્વ સંધ્યાએ કથા સ્થળે ૨૪ કલાક માટે અખંડ રામધૂન થશે અને ત્યાર બાદ હવન થશે.

કથા પ્રારંભે ૩ – ૩૦ કલાકે ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા(ભાઈશ્રી) ના પાવન હસ્તે દીપ પ્રાકટય થશે. આ પ્રસંગે સાધ્વી રૂતંભરાદેવી (દીદી)અને ચાંપરડાના પૂજ્ય મુકતાનંદ બાપુ ઉપસ્થિત રહેશે. ઉપરાંત સુરતના અગ્રણી ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહ, સવજીભાઈ ધોળકિયા, મથુરભાઇ સવાણી ઉપસ્થિતિ રહેશે. વિશેષ આમંત્રિતોમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા, પુરુષોત્તમભાઈ રૂપાલા, વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાણાની, શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, ગુજરાત ના કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, મહુવાના ધારાસભ્ય આર. સી. મકવાણા જેવા ગણમાન્ય નેતાઓ ઉપસ્થિત રહેશે. યજમાન હરિભાઈ નકૂમ જણાવે છે કે પોતે નિમિત્ત માત્ર યજમાન છે. કથા આપણા સહુ ની છે,સમગ્ર સમાજની છે. વિશ્વમાં ક્યારેય પણ, ક્યાંય પણ ન યોજાઈ હોય એવી કથા તલગાજરડાની ભૂમિ પર આપ સહુ ના સાથ, સહકાર, સહયોગ અને ઉત્સાહ સાથે યોજાવાની છે.

વિશ્વ વિક્રમી આ કથા ના વિરાટ આયોજન માં તલગાજરડા, મહુવા, રાજુલા અને તળાજા તાલુકાના ભાવિકો ઉપરાંત સુરત, મુંબઈ અને અન્ય નગરો માં વસતા મિત્રો અને સંબંધીઓ પણ યોગદાન આપી રહ્યા છે.

Previous articleછાપરીયાળી નજીક થ્રી વ્હીલ ટેમ્પો પલ્ટી ખાતા : ૧નું મોત ચારને ઈજા
Next articleલાખણકા ડેમમાંથી પાણી છોડવામાં ગંદુ રાજકારણ રમાઈ રહ્યું હોવાની ખેડૂતોની રાવ