નર્મદા કિનારે ૧૦૦થી વધુ પ્રજાતિના ફુલ જોવા મળશે

1576

વેલી ઓફ ફલાવર્સને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્યસચિવ ર્ડા.જેએન સિંઘ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહીને નિહાળ્યો હતો. આ પ્રોજેકટ અંતર્ગત ઉંચાઇ ધરાવતા વૃક્ષોના ફુલોની જાત પૈકી ગરમાળો (પીળો અને લાલ), ચંપો (સફેદ), ખાખરો (લાલ), પોંગારો (લાલ), છોડની જાત પૈકી ગલતોરા (લાલ અને પીળા), ટેકોમા (પીળા),  બોગનવેલીયા (સફેદ, લાલ, પીળા, ગુલાબી), નેરીયમ તેમજ વેલાની જાતો પૈકી કવોલીસીસ, વડેલીયા, આલામન્ડા કેર્થટીકા અને વાંસ તથા ઘાસની રંગીન પ્રજાતિ ઉપરાંત બારમાસી ફુલો જેવા કે ગલગોટા, કેન્ડુલા, સુર્યમુખી તેમજ વીન્કા જેવા વિવિધ રંગના ફુલો ધરાવતા ૧૦૦થી વધુ પ્રજાતિના વૃક્ષો, વેલા, ઘાસ તથા ધરૂનુ વાવેતર કરવામાં આવ્યું છે.

પ્રાથમિક તબકકે વેલી ઓફ ફલાવર્સમાં વિવિધ રંગના ફુલોના વાવેતર હેઠળ ૨૫૦ હેકટર વિસ્તારને આવરી લેવાનું આયોજન હાથ ધરાયું છે. ત્યારબાદ તબકકાવાર તેમાં વધારો કરીને ૩૦૦૦ હેકટર સુધી વિસ્તાર કરાશે. આ વેલી ઑફ ફ્‌લાવર્સની વિશેષતા એ છે કે, ૩૨,૫૦૦ ચોમીનો વિસ્તાર ટપક સિંચાઈ હેઠળ આવરી લેવાયો છે. અહીં કમળ અને પોયણીઓથી સુશોભિત  બે સુંદર તળાવો પણ બનાવાયા છે. વેલી ઑફ ફ્‌લાવર્સની મુલાકાતે આવનાર પ્રવાસીઓ કુદરત સાથે નૈસર્ગિક તાલમેલ સાધી શકે તથા તેઓનું વન અને વન્યજીવો પ્રત્યે તાદતમ્ય કેળવાય તે ઉમદા હેતુસર નેચરલ ટ્રેઇલ સ્વરૂપે રેવા ટ્રેક, સાધુ ટ્રેક, વૈકુંઠ બાબા ટ્રેક, સરદાર ટ્રેક અને અશ્વત્થામા ટ્રેકનું પણ નિર્માણ કરાયું છે. પ્રવાસીઓ સાથે સંવાદ સાધતા બગીચાનું પણ અહીં નિર્માણ કરાયું છે, જેમાં એડવેન્ચર પાર્ક, ગાર્ડન ઓફ ફાઈવ સેન્સ, સેલ્ફી વીથ સ્ટેચ્યૂ, સરદાર ગાર્ડન વિશેષ ભાત પાડે છે. વેલી ઑફ ફ્‌લાવર્સ કુદરતના ઈન્દ્રધનુષી રંગોને ફુલોની નજાકત સાથે પ્રદર્શિત કરીને પ્રવાસીને અલૌકિક આનંદ આપનારી બની રહેશે.

Previous articleમુખ્યમંત્રી વિજય રૂપાણી BSF જવાનોની સાથે ઉજવશે દિવાળી
Next articleસ્ટેચ્યુ ઓફ યુનિટી કરોડો લોકોના સામર્થ્યનું પ્રતિક છે : મોદી