ભારતીય મહિલા ટી૨૦ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને બોલર પૂનમ યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના તાજા ટી-૨૦ રેન્કિંગમાં ક્રમશઃ બોલર અને બેટ્સમેનોની યાદીમાં ટોપ-૫માં સામેલ થઈ ગઈ છે. આઈસીસીએ આ રેન્કિંગ રવિવારે વેસ્ટ ઈન્ડિઝમાં સમાપ્ત થયેલા મહિલા ટી૨૦ વિશ્વકપ બાદ કરી છે. વિશ્વકપમાં રેકોર્ડ સદી ફટકારનાર હરમનપ્રીત કૌર બેટ્સમેનોની યાદીમાં ત્રણ સ્થાન ઉપર આવીને ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. તેના કુલ ૬૩૨ રેટિંગ પોઈન્ટ થઈ ગયા છે.
હરમનપ્રીત ટૂર્નામેન્ટમાં વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ બેટ્સમેન એલીસા હિલી બાદ સર્વાધિક રન બનાવનાર બીજી ખેલાડી હતી. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સદીની મદદથી ટૂર્નામેન્ટમાં કુલ ૧૮૩ રન બનાવ્યા હતા.
જેમિમા રોડ્રિગ્જ નવ સ્થાન ઉપર આવીને કરિયરની સર્વશ્રેષ્ઠ છઠ્ઠા રેન્કિંગ પર જ્યારે સ્મૃતિ ૧૦માં સ્થાને પહોંચી ગઈ છે. મિતાલી રાજને બે સ્થાનનું નુકસાન થયું છે અને તે નવમાં સ્થાને પહોંચી ગઈ છે.

















