જસદણનો ચૂંટણી જંગ : કુંવરજી બાવળીયાએ ઉમેદવારી નોંધાવી, કોંગ્રેસે સસ્પેન્શ જાળવી રાખ્યું

795

જસદણ પેટા ચૂંટણીને લઈ કુંવરજી બાવળીયા ફોર્મ ભર્યું. ફોર્મ ભરતા પહેલા મૂળ કોંગ્રેસી એવા બાવળીયાએ કોંગ્રેસની પરંપરા જાળવીને દરગાહમાં શીશ ઝૂકાવીને પ્રાર્થના કરી હતી. તેમજ મંદિરના પણ દર્શન કર્યા હતા. મહત્વનું છે કે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપે તેમને સીધું મંત્રીપદ આપી દીધું હતું. હવે પેટા ચૂંટણીમાં જીતે તો તેમનું મંત્રી પદ ટકી શકે તેમ છે.

કેબિનેટમંત્રી સૌરભભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, જસદણના પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોઘરા, સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા, રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી દવે, અંજલિબેન રૂપાણી, રાજુભાઈ ધ્રુવ સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જસદણની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે અને કોંગ્રેસના હજુ ઉમેદવાર પણ મળતો નથી. જસદણની પ્રજા વિકાસ ઝંખે છે અને ભાજપની વિકાસકૂચમાં જસદણમાં પણ કમળ ખીલશે તેવો દૃઢોચ્ચાર આ સભામાં વ્યકત કરાયો હતો. સવારે ૯ વાગ્યાથી સભાનો પ્રારંભ થયો હતો અને આગેવાનોએ તેમાં પ્રવચન કરી કુંવરજીભાઈ બાવળિયાને જીતાડવા માટે કાર્યકરો તથા આગેવાનોને પરિશ્રમની પરાકાષ્ઠા સજીર્‌ કામે લાગી જવાનું આહ્વાન કર્યું હતું.

સભા પુરી થયા બાદ જસદણમાં ભાજપની રેલી કાઢવામાં આવી હતી અને બપોરે ૧૨-૩૯ના વિજય મુહૂર્તમાં કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના સમર્થકો સાથે પ્રાંત અધિકારી ચૌધરી સમક્ષ પોતાનું ફોર્મ ભર્યું હતું. સભામાં, રેલીમાં અને પ્રાંત અધિકારીની કચેરીએ ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ્‌’ના નારા ગુંજી ઉઠયા હતા અને જસદણની પેટાચૂંટણીમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની પેટાચૂંટણીમાં ફોર્મ ભરવા જતાં પહેલાં ભાજપના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ એક ચોંકાવનારા નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં ટિકિટ માટે જે નામો બોલાઈ રહ્યા છે તેમાંથી મોટાભાગના મારા સંપર્કમાં છે.

જસદણ પેટા ચૂંટણી : ભોળાભાઇ ગોહિલે ઉમેદવારી ફોર્મ લેતાં રાજકારણ ગરમાયું

જસદણ પેટા ચૂંટણી જંગમાં ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસના સીધા જંગમાં ભાજપે પત્તા ખોલ્યા છે જ્યારે કોંગ્રેસમાં હજુ બધુ બંધ બારણે ચાલી રહ્યું છે. ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યાં હજુ કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયા નથી. આ સંજોગોમાં કોંગ્રેસના ઇચ્છુક ઉમેદવારો જાણે બંધમાં દાવ રમી રહ્યા છે અને ઉમેદવારી ફોર્મ લઇ રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય એવા ભોળાભાઇ ગોહિલે ઉમેદવારી ફોર્મ લેતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જસદણ પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી કુંવરજી બાવળીયા ઉમેદવાર નક્કી છે જ્યારે કોંગ્રેસમાં હજુ નામ જાહેર કરાયું નથી. પાર્ટી સુત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે આજે સાંજ સુધીમાં ઉમેદવારનું નામ જાહેર થવાની સંભાવના છે.

આ સંજોગોમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી જંગમાં ઉભા રહેવા ઇચ્છતા ઉમેદવારો બંધમાં ચાલ ચાલી રહ્યા છે અને ઉમેદવારી ફોર્મ લઇ રહ્યા છે.

Previous articleકોંગ્રેસના ઠેકાણા નહીં હોવાથી ભાજપે અડધી જસદણની ચૂંટણી જીતી લીધી છે : સીએમ
Next articleસિંહનો હુમલો : ખાંભાના બે ખેડૂતોનો સિંહ-સિંહણે ૩ કિમી પીછો કર્યો, દેવળીયા જેવી દુર્ઘટના થતા બચી