રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ દાદાના શરણે, મહાદેવની પૂજા-અર્ચના કરી

604

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સોમનાથ દાદાના શરણે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે સોમનાથના દર્શન કરી સોમનાથ ચોપાટી વાઘેશ્વર મંદિર ખાતે ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્રારા પ્રસાદ યોજના અંતર્ગત નિર્માણ પામનારા રૂા.૪૫ કરોડના ખર્ચે ૧૫૦૦ મીટર લંબાઇના અને ૭ મીટર પહોળા વોક-વેનું ભૂમિપુજન કર્યું હતું.

આ યાત્રી વોક-વે સાગર દર્શનથી શરૂ થઈને ત્રિવેણી સંગમ સુધી રહેશે. યાત્રાળુઓ આ પથ ઉપર ચાલતા સમુદ્ર દર્શન, સોમનાથ મંદિરના દર્શન, રામ મંદિરના દર્શન તેમજ ત્રિવેણી સંગમની અલૌકિક અનુભૂતિ કરી શકશે. આ પથ પર ૨૦૦ મીટરના અંતે કલાત્મક બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ભક્તિમય સંગીતની સુરાવલીઓ સાથે રાત્રીના આ પથ ઉપર આધુનિક લાઈટીંગની વ્યવસ્થા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રસાદ યોજના અંતર્ગત કુલ રૂા.૧૦૦ કરોડના યાત્રાધામ વિકાસના કામો સોમનાથ ખાતે નિર્માણ થશે.

અમિત શાહે અહીં જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરના તમામ કળશ સુર્વણ મંડિત કરવામાં આવશે. વર્ષો પહેલા સોમનાથ મંદિરને ૧૭ વખત ખંડિત કરાયું હતું.

પરંતુ દરેક વખતે તેનો જીર્ણોધ્ધાર થયો છે અને પહેલા કરતા વધુ સુંદર રીતે નિર્માણ થયું છે. આ વિધ્વંશ સામે વિકાસ અને સ્વધર્મ-સન્માન-સંઘર્ષનું સમગ્ર દુનિયામાં અજોડ દ્રષ્ટાંત સોમનાથ મંદિર છે. પ્રથમ જ્યોતિલિંગ સોમનાથની પુનઃસ્થાપના માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે અને તેના પરિણામે આજનું ભવ્ય સોમનાથ મંદિર આજે આપણી સમક્ષ છે.આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે, વોક-વે પ્રોજેક્ટનું નિર્માણ થયાં બાદ સોમનાથ મંદિરે આવતા યાત્રાળુઓની સોમનાથ મુલાકાત જીવનનું એક યાદગાર સંભારણું બની રહેશે. સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવિણ લહેરીએ શાબ્દીક સ્વાગત કરતા કહ્યું કે, આઈકોનીક સ્થળમાં ગુજરાતમાંથી માત્ર બે સ્થળની પસંદગી કરવામાં આવી છે જેમા સોમનાથ મંદિરનો સમાવેશ કરાયો છે. તેમણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતા વિવિધ પ્રોજેક્ટોની પણ વિગતો આપી હતી.

Previous articleલોકરક્ષક દળની પરીક્ષા ૬ જાન્યુઆરીએ યોજાશે : ટૂંક સમયમાં કોલલેટર ઈશ્યુ થશે
Next articleઈજનેરીના વિદ્યાર્થીઓ આનંદો.. હવે બુક્સ સાથે રાખીને પરીક્ષા આપી શકાશે