પર્થ ખાતે શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ છ વિકેટે ૨૭૭ રન બનાવ્યા હતા. આજે રમત બંધ રહ ત્યારે કેપ્ટન પેન ૧૬ રન અને કમિન્સ ૧૧ રન સાથે રમતમાં હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી હેરિશે ૭૦, ફિન્ચે ૫૦, માર્શે ૪૫, હેડે ૫૮ રન કર્યા હતા.
આ તમામ બેટ્સમેનોની ઉપયોગી બેટિંગના પરિણામ સ્વરુપે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંતે સન્માનજનક સ્થિતિ હાસલ કરી લીધી હતી. ભારત તરફથી ઇશાંત શર્માએ બે અને વિહારીએ પણ બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ભારતીય બેટ્સમેનોની હવે આમા કસોટી થનાર છે. કેપ્ટન ટીમ પેન ૧૬ રન સાથે રમતમાં છે. ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હેરિશ અને ફિન્ચે જોરદાર શરૂઆત કરીને પ્રથમ વિકેટની ભાગીદારમાં ૧૧૨ રન ઉમેર્યા હતા. ફિન્ચે પોતાની ટેસ્ટ કેરિયરની બીજી અડધી સદી ફટકારી હતી. હેરિશ ૭૦ રન કરીને આઉટ થયો હતો. ચાર વિકેટ ૧૪૮ રન પર પડી ગયા બાદ શોન માર્શ અને હેડે મોરચા સંભાળી લીધા હતા અને બેટિંગ મજબૂત શરૂ કરી હતી.
બંનેએ પાંચમી વિકેટની ભાગીદારીમાં ૮૩ રન ઉમેર્યા હતા. ભારતીય ટીમના રોહિત શર્મા અને રવિચંદ્ર અશ્વિન ઘાયલ થઇ જતાં તેમને બહાર રાખવામાં આવ્યા છે. એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો.

















