મનપા દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે સામાન્ય સભા : રંગમંચના ભાડા નિયત કરવાનો મુદ્દો લેવાશે

698

ગાંધીનગરના નવા મહિલા મેયરનો મામલો ન્યાયાધીન રહેવાથી કોકડું ગુંચવાયેલુ રહ્યું છે, ત્યારે અગાઉ વાઈબ્રન્ટ માટે મનપાની સામાન્ય સભા મળી શકે નહિ તેમ જણાવવામા આવ્યુ હતુ પણ મનપાના કોર્પોરેટરોના નવા પગાર ભથ્થાંનો અમલ કરવા માટે આગામી પહેલી જાન્યુઆરીએ મહાપાલિકાની સામાન્ય સભા બોલાવવામા આવી છે. ત્યારે નગરમાં દિવાળી બાદ પોતાના મહત્વના કામ માટે નવા મેયરના પદગ્રહણની જાહેરાતની રાહ જોઈ રહેલા નગરવાસીઓમાં મનપાના આવા નિર્ણય અંગે અનેકવિધ ચર્ચાઓ થઈ રહી છે.

શહેરમાં મેયર, ડેપ્યુટી મેયર તથા સ્થાયી સમિતિના સભ્યો નવા આવે કે ના આવે પરંતુ તમામ ૩૨ કોર્પોરેટરના પગાર વધી જવાના છે. ઉપરાંત સરકાર દ્વારા કોર્પોરેટરોનો પગાર વધારો ૧ એપ્રિલ ૨૦૧૮થી મંજુર કરવામાં આવ્યો હોવાથી ૮ કે ૯ મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે.

સાથે જ કોર્પોરેટરો હાલમાં નગરવાસીના ખીસ્સામાંથી પગાર ભથ્થા સ્વરૂપે દર મહિને જે નાણા સરકાવી લે છે, તેમાં મહિને રૂપિયા ૫, ૫૦૦નો વધારો કોર્પોરેટર દિઠ થઇ જવાનો છે. નગરવાસીઓના નાણાં ખંખેરવાની આ વાતમાં ભાજપ કે કોંગ્રેસ કોઇએ વિરોધ નોંધાવ્યો નથી.

બીજી બાજુ સામાન્ય સભામાં બીજો મુદ્દો રંગમંચના ભાડા નિયત કરવાનો એજન્ડામાં સમાવાયો છે. રંગમંચના ભાડા અગાઉ પ્રતિ દિવસના વધારીને રૂપિયા ૧૦ હજાર નિયત કરાયેલા હતા.

પરંતુ મોટાભાગના રંગમંચ પાર્ટી પ્લોટ સ્ટાઇલમાં રિનોવેટ કરી દેવાયા પછી સ્થાયી સમિતિના પદ્દધિકારીઓની દાઢ સળકી હતી અને ભાડાના દર પ્રતિ દિવસના રૂપિયા ૨૦ હજાર કરી દેવાયા હતા. જેનો વ્યાપક વિરોધ થવાના પગલે અને નગરની સંસ્થા શહેર વસાહત મહામંડળે અહિંસક આંદોલન કરવાની ચિમકી આપ્યાના પગલે ભાડા ૧૫ હજાર કરવાનું નક્કી કરાયુ હતુ. પરંતુ હવે સામાન્ય સભામાં તેનો આખરી નિર્ણય કરવામાં આવનાર છે.

પાટનગરના કુલ ૩૨ કોર્પોરેટરના પગાર ધોરણ અને ભથ્થા સુધારવા માટે નિર્ણય થવાની સાથે ગાંધીનગરના કરદાતાઓ માથે વધારાનો રૂપિયા ૧૪, ૦૮, ૦૦૦નો બોજ પડવાનો છે. જોકે સરકારે આ નિર્ણય ગત ઓગસ્ટ મહિનામાં લીધો હતો. આમ આ રીતે હવે આગામી દિવસોમાં શહેરના તમામ કોર્પોરેટરોને નવા પગારનો લાભ મળતો થઈ જશે. બીજી તરફ નવા મેયરનો મુદો કોર્ટમાં છે.

Previous articleભાજપ પ્રવક્તા ભરત પંડ્‌યાને હળવો હૃદયનો હુમલો, તબિયત સ્થિર
Next articleગાંધીનગરમાંથી ૬૪ લાખ રૂપિયાની જુની પ્રતિબંધિત ચલણી નોટો પકડાઈ