બાયસેગના માધ્યમથી બોટાદમાં ૧ર.૬૦ કરોડના વિવિધ પ્રોજેક્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ

645

બોટાદ જિલ્લામાં શિક્ષણ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના વિવિધ પ્રોજેકટનો ઈ-લોકાર્પણ-ખાતમૂહુર્તનો કાર્યક્રમ પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ભીમડાદ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજય મંત્રી પરબતભાઇ પટેલએ જણાવ્યું હતુ કે, પારદર્શીતા-નિર્ણાયક્તા અને સંવેદનશીલતાને વરેલી રાજય સરકારે પ્રજા હિતકારી નિર્ણયો દ્વારા લોકોને સુશાસનની પ્રતિતી કરાવી છે. ભૂતકાળના દાયકાઓમાં ગુજરાતમાં અનેકવિધ ક્ષેત્રોની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક હતી, તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતુ કે, છેલ્લા બે દાયકાઓમાં સરકાર દ્વારા હાથ ધરાયેલા અભિનવ અભિયાનો-કાર્યક્રમો અને નવતર અભિગમોના પરિણામે ગુજરાત આજે વિકાસ ક્ષેત્રે રોલમોડેલ બન્યું છે.

ગુજરાતના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા, વીજળી સહિતના વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે રાજ્ય સરકારે અમલી બનાવેલ યોજનાઓ અને તેના નક્કર અમલીકરણનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું હતુ કે, સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાતને અગ્રેસર બનાવવાની નેમ સાથે વર્તમાન સરકારે લોક સુખાકારીના કાર્યો હાથ ધર્યા છે. જેની અનુભૂતિ છેવાડાના માનવીને થઈ રહી છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર સુજીત કુમાર અને જિલ્લા વિકાસ અધિકાર આશીષ કુમારે પ્રાસંગિક પ્રવચનમાં બોટાદ જિલ્લાના લોકોની સુખાકારી માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની વિગતો આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગર ખાતેથી બાયસેગના માધ્યમથી બોટાદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રૂપિયા ૬.૭૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૭૮ ઓરડાઓનું ઈ-લોકાર્પણ અને અંદાજિત રૂપિયા ૫.૨૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૬૦ વર્ગખંડોનું ઇ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતુ. આ તકે મુખ્યમંત્રી ભીમડાદ પ્રાથમિક શાળાના એસ. એમ. સી. ના સભ્ય સાથે વાર્તાલાપ કરી શાળામાં નિર્માણ પામેલ ભૌતિક સુવિધાઓથી માહિતગાર થયા હતા. આ પ્રસંગે રાજય મંત્રીના હસ્તે બીનખેતી હુકમની સનદનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતુ.

Previous articleકર્મચારીઓના પ્રશ્નો ન ઉકેલાય તો બે દિવસ હડતાલની કરાયેલી જાહેરાત      
Next articleલોકભારતી સણોસરા ખાતે પ્રસિધ્ધ ખગોળ વૈજ્ઞાનિક જીતેન્દ્ર રાવલ વ્યાખ્યાન આપશે