ગ્રામ દક્ષિણામૂર્તિ મણારથી લોકભારતી સણોસરા સુધીની ગાંધી સંદેશ પદયાત્રા

1289

ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાના અધ્યક્ષ સ્થાને આજે પદયાત્રા અંગેની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ભારત સરકાર દ્વારા સદીના મહામાનવ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીના ૧૫૦મા જન્મજયંતિ વર્ષની બે વર્ષ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ભાવનગર જિલ્લામાં ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા મણાર થી લોકભારતી ગ્રામવિધાપીઠ સંસ્થા, સણોસરા સુધી ગાંધી સંદેશ સાથે રચનાત્મક પદયાત્રા યોજાશે. પૂજ્ય બાપુને તેમની જ પદ્ધતિમાં સ્મરણાંજલી પાઠવવા બુનિયાદી શાળાઓ અને સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ગાંધીમુલ્યો અને ગાંધીજીએ આપેલ શિક્ષણપ્રણાલીને ઉજાગર કરવા માટે ગાંધી સંદેશ સાથે રચનાત્મક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.  તા. ૧૬/૧/૨૦૧૯ થી તા. ૨૨/૧/૧૯ સુધી ભાવનગર જિલ્લાના તળાજા, પાલિતાણા અને શિહોર તાલુકામાંથી ચાલનાર આ પદયાત્રા ગ્રામદક્ષિણામૂર્તિ મણાર, ત્રાપજ, બેલા, દિહોર, માયધાર, અનીડા, શેત્રુજીડેમ, ભાદાવાવ, પાલિતાણા, ઘેટી, દુધાળા, રાણપરડા, વાળુકડ, લોકભારતી સણોસરા વગેરે બુનિયાદી સંસ્થાઓને સાંકળવામાં આવેલ છે. આ પદયાત્રામાં રાજ્ય અને દેશના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત નાગરિકો બહોળી સંખ્યામાં જોડાનાર છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે આ પદયાત્રાના મુખ્ય અંશો જોઇએ તો પદયાત્રા પથ પરના ૩૫ ગામો સહિલ કુલ ૧૫૦ ગામોમાં સાત દિવસ સુધી વિવિધ સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. બુનિયાદી શિક્ષણ પદ્ધતિ આધારે કાર્યરત સંસ્થાઓને સાંકળીને પદયાત્રા થશે. રાજ્યની ગાંધીવાદી શૈક્ષણિક અને સામાજીક સંસ્થા સામેલ થશે. મહાત્મા ગાંધીએ બતાવેલ ૧૧ મહાવ્રતોના આધાર પર’ ૧૧ મહાવ્રત સભાઓ ’ જેમા દેશના શ્રેષ્ઠ વક્તાઓના ઉધબોધન પ્રવચન લાભ મળશે. ગાંધીયુગની અનુભૂતિ કરાવતા આ ઐતિહાસિક આયોજન દરમિયાન સાંકળી લેવામાં આવેલ ગામડામાં સફાઇ, આરોગ્ય શિબિર, વ્યસનમૂક્તિ સંકલ્પ, ગ્રામ્ય કારીગરોનું સન્માન કૃષિ માર્ગદર્શન શિબિર જેવા અનેક રચનાત્મક કાર્યક્રમો ગોઠવાયા છે. દરમિયાન દરરોજ રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.  તા. ૧૬/૧/૧૯ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા મણારથી સવારે ૯.૦૦ કલાકે રાજ્યના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પદયાત્રાનું પ્રસ્થાન થશે. તથા તા.૨૨/૧/૧૯ના રોજ લોકભારતી સણોસરા સંસ્થા ખાતે સમાપન થશે.

Previous articleબરવાળાના રોજિદ ગામ પાસે અકસ્માત ૧નું મોત, ૫ને ઈજા
Next articleસ્વચ્છતા અભિયાનને આગળ ધપાવતા ભાજપ બંક્ષીપંચ મોરચાનાં હોદ્દેદારો