સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના વિકાસ માટે સરકાર સમક્ષ રજૂઆત

574

વિશ્વભરમાં જ્ઞાન અને શિક્ષાની જ્યોતિ પ્રકટાવનાર બ્રાહ્મણ સમુદાય સદા-સર્વદાથી સમાજને સાચી દિશા ચિંધતો આવ્યો છે. વેદ, ઉપનિષદ અને પુરાણ જેવા ધાર્મિક અને આધ્યાત્મિક ગ્રંથોનો સંદેશો માનવ સમાજ સુધી પહોંચાડવામાં બ્રહ્મ સમાજનું યોગદાન અતુલ્ય રહ્યું છે. વિવિધ ક્ષેત્રોમાં બ્રાહ્મણોનું અમૂલ્ય યોગદાન હોવા છતાં પણ સરકારો દ્વારા બ્રહ્મ સમાજને હંમેશાથી અન્યાય થતો રહ્યો છે. આ પરિસ્થિતિ સમક્ષ રાજ્ય સરકારનું ધ્યાન આકર્ષિત કરવા તેમજ સમાજના યુવાનો, બાળકો અને મહિલાઓના સશક્તિકરણ માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે વિવિધ માગ રજૂ કરી છે.

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે સરકાર પાસેથી સવર્ણ જાગૃતિ મંચ સ્થાપવાની, સવર્ણોને મળવાપાત્ર ૧૦ ટકા અનામતમાં ભુદેવો માટે સ્પેશિયલ ટકાવારી રાખવાનો, બેરોજગારીનો સામનો કરતાં બ્રાહ્મણ યુવાનોની યાદી તૈયાર કરીને તેમને નોકરી મળે તે માટે જરૂરી પ્રયાસો કરવાનો તથા સમાજના વ્યક્તિઓના અટકેલા સરકારી કામોમાં દખલગીરી કરીને યોગ્ય ન્યાય મળે તેવી માગ કરી હતી. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે રાજ્ય સરકારને શહેરોમાં રહીને અભ્યાસ કરતાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓના રહેવા અને જમાવા માટેની રાહત દરે વ્યવસ્થા કરવાની, ગૌરક્ષા અને આયુર્વેદ તથા યોગને પ્રોત્સાહન આપવા તથા બ્રહ્મ સમાજના માન સન્માન લાગણીને ઠેસ પહોંચે તેવા કૃત્યો કરનાર કોઇપણ પરિબળો સામે કડક કાર્યવાહી કરવા સહિતના મુદ્દે જરૂરી સહયોગ કરવાની માગ કરી હતી.

આ ઉપરાંત યુવા વર્ગને આર્થિક સદ્ધતા પ્રાપ્ત થાય તે માટે જિલ્લા સ્તરે કમીટીની રચના કરીને ટેકનીકલ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લઘુ ઉદ્યોગ સ્થાપવા માટે યોગ્ય સહયોગ અને માર્ગદર્શન આપવા સરકારને માગ કરી છે. સમાજના વિદ્યાર્થીઓ આઇએએસ, આઇપીએસ અને જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં સારું પ્રદર્શન કરી શકે તે માટે રાહત કરે કોચિંગ ક્લાસ શરૂ કરવાની માગ કરી છે. જ્યોતિષ અને યજમાનવૃત્તિને પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા કક્ષાએ પાઠશાળા શરૂ કરવા અથવા પહેલેથી ચાલતી પાઠશાળાને મદદ કરવાની માગ કરી હતી.

Previous articleભારતીય મહિલા ટીમનો દબદબો, ૯ વિકેટથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું
Next articleસાબરકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ