ભાવનગર જિલ્લામાં કપાસ પકવતા ખેડૂતો પાયમાલીના પંથે

992
bvn13122017-3.jpg

ભાવનગર જિલ્લામાં હાલના સમયે કપાસ પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વિપરીત હવામાનના કારણે કપાસના પાકમાં રોગ તથા ઈયળોના અપાર ઉપદ્રવના પરિણામે ખેડૂતોને આર્થિક નુકશાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ભાવનગર જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. સામાન્યતઃ દિવાળી બાદ શિયાળાના પ્રારંભથી લઈને માર્ચ માસના ઉતરાર્ધ સુધી કપાસનું બમ્પર પ્રમાણમાં ઉત્પાદન થાય છે. દિવાળી પર્વો બાદ સાનુકુળ હવામાન અને ખેડૂતોની ખંત ભરેલી મહેનતના કારણે આ વર્ષે જિલ્લામાં કપાસનું બમ્પર પ્રમાણમાં ઉત્પાદન થાય તેવી શક્યતાઓ બળવત્તર બની હતી. પરંતુ ત્યારબાદ ચિત્ર બદલાયું છે. ૧પ દિવસના ટુંકા ગાળામાં વાદળછાયું વાતાવરણ સાથે કમોસમી માવઠા અને ઠંડીની માત્રામાં ઘટાડો થતા કપાસના વણમાં અલગ-અલગ પ્રકારના રોગ લાગુ પડ્યા છે. આ ઉપરાંત કપાસના પાન, નવી કુપળો તથા જીંડવાઓમાં ગુલાબી ઈયળ તથા ચુસીયા પ્રકારની જીવાતો લાગુ પડતા પાન-ફાલ સહિત તૈયાર ફાલ પણ ખરી જવા પામ્યો છે. આ વિપદાને લઈને ખેડૂતો દ્વારા ખેત સલાહકાર કેન્દ્ર અને એગ્રો એજન્સી ધારકોના માર્ગદર્શન હેઠળ મોંઘા ભાવની અનેક દવાઓનો છટકાવ કરવા સાથોસાથ મહામુલા પાકને બચાવવા માટે મરણીયા પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ સમગ્ર સ્થિતિ કુદરતના હાથમાં હોય મોટી રકમનો ખર્ચ કરવા છતાં ખેડૂતોની વેળા વળી ન હતી અને એક બાદ એક છોડવાઓ સુકાઈ જવા પામ્યા હતા. પરિણામે ખેડૂતો આવા સુકાયેલા છોડોને ખેંચી કાઢવા માટે મજબુર બન્યા છે. ભાવનગર કૃષ્ણિ અર્થતંત્રમાં રોકડીયા અનેક પાકો પૈકી કપાસ પણ અગ્રતાનું સ્થાન ધરાવે છે. જેના પર કૃષિ વિભાગમાં મોખરાનું સ્થાન પણ ગણાય છે. જિલ્લામાં હાલ સુધારેલ બિયારણોમાંથી અનેક પ્રકારની જાતનો કપાસ પકવવામાં આવે છે. અત્રેના કપાસની બહોળી માંગ પણ રહે છે. નવેમ્બર-ડિસેમ્બર અને જાન્યુઆરી માસ દરમ્યાન ભાવનગર સહિત તાલુકાના તમામ ખેત ઉત્પન્ન બજારો ખાતે ઢગલા મોઢે ખેડૂતો કપાસ ઠલવે છે. પરંતુ હાલ નવી સમસ્યાના કારણે મુખ્ય માર્કેટ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન બજાર ખાતે પણ કુલ પૈકી ચોથા ભાગનો કપાસ આવી રહ્યો છે. દર વર્ષે ખેડૂતોને કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવો મળતા ન હોય જેને લઈને કેટલાક ખેડૂતોએ પાકની ફેરબદલી કરી પેટર્ન બદલી હતી અને અન્ય પાકો તથા શાકભાજીના વાવેતર તરફ વળ્યા હતા. પરંતુ આ વર્ષે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની સરકારને સુચના આપી હતી કે, કપાસ, મગફળી, શેરડી સહિતના રોકડીયા પાકો માર્કેટ તુટે ત્યારે પોષણક્ષમ ભાવે ખરીદીઓ કરવી. જેને લઈને સૌપ્રથમ સરકારે દિવાળી બાદ મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી હતી. ત્યારબાદ કપાસનું માર્કેટ મજબુત રહેતા સરકારે આ અંગે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ સારા કપાસના ભાવ રૂા.૧૦૦૦ને પાર થઈ જવા પામ્યા છે. ઓછા ઉત્પાદનના કારણે હજુ પણ ભાવો વધે તેવી શક્યતા કૃષિ તજજ્ઞો કરી રહ્યાં છે. વર્તમાન સમયે ભાવ સારા અને ઉત્પાદન ઓછુ હોય સાથોસાથ જિલ્લામાં આવેલ જીનીંગ મીલો પણ ધમધમી રહી છે. પરિણામે અત્રે તથા દેશબહાર કપાસની બહોળી માંગ નિકળી છે. આવી સ્થિતિ વચ્ચે કુદરત જ મહેરબાન ગણાય. કારણ કે જો થોડા દિવસોમાં કડકડતી ઠંડી સાથે વાતાવરણ સ્વચ્છ બનશે તો કપાસના પાકને ખેડૂતો ચોક્કસપણે બચાવી શકશે. 

હજારોનો ખર્ચ છતાં હાથ લાગી નિરાશા
ભાવનગરમાં ઉત્પાદન થતા કૃષિના કુલ હિસ્સામાં ત્રીજા ભાગનો સમાવેશ માત્ર કપાસનો થાય છે. પ્રતિવર્ષ કપાસની ખેતીથી ખેડૂતોને સારામાં સારૂ આર્થિક વળતર પ્રાપ્ત થાય છે. પરંતુ સમય સાથોસાથ મોંઘવારી વધતા સીધો જ ફટકો ખેડૂતોને પડ્યો છે. અત્યારે બિયારણ, ખાતર, દવા, વિજળી સહિતનો ખર્ચ ખેડૂત ગણતરી કરે તો આ આંક ખૂબ મોટી રકમનો હોય છે. ખેડૂતો મોટી આશા સાથે કપાસ પકવે છે. પરંતુ જ્યારે કુદરતી રીતે વણમાં આવતા રોગચાળા અને કીટકના ઉપદ્રવને કારણે ખેડૂત લાચાર બની જાય છે. તેની પાસે એકપણ વિકલ્પ બાકી નથી રહેતો. મહામુલા મોલને બચાવવા માટે રાત-દિવસ જોયા વિના તનતોડ મહેનત કરી પોતાનો લોહી-પરસેવો એક કરે છે ત્યારે ઉત્પાદન મેળવી શકે છે. પરંતુ આટ આટલી મહેનત બાદ પણ પોષણક્ષમ ભાવો ન મળે ત્યારે ખેડૂત શું કરે ?
– વિરજીભાઈ ડી.ચાવડા, અગ્રણી ખેડૂત, અગિયાળી

Previous articleઆડોડીયાવાસમાંથી આજે ફરી ઈંગ્લીશ દારૂ ઝડપાયો
Next articleબંધારણની મર્યાદામાં રહીને પાટીદારોને અનામત અપાશે : ભરતસિંહ સોલંકી