ભારતીય ક્રિકેટ ટીમે સોમવારે ન્યૂઝીલેન્ડમાં ૧૦ વર્ષ પછી વનડે સિરીઝ જીતી હતી. આ જીત સાથે ૨૦૧૫ વનડે વર્લ્ડકપ પછી ભારતનો સક્સેસ રેટ ૬૭.૦૯% થઇ ગયો છે, જે દુનિયાની કોઈ પણ ટીમ કરતા વધારે છે. ભારતીય ટીમે ૩૦ માર્ચ ૨૦૧૫થી અત્યાર સુધીમાં ૭૯ વનડે રમી છે, જેમાંથી ૫૩ મેચ જીતી છે. તેમજ આ દરમિયાન ભારતે જેટલી પણ ટીમો સામે મેચ રમી છે તેમાં અફઘાનિસ્તાનને બાદ કરતા દરેક સામે મેચ જીતી છે. એશિયા કપમાં અફઘાનિસ્તાન સામેની મેચ ટાઈ થઇ હતી.
ભારત પછી ઇંગ્લેન્ડ બીજા નંબરે આવે છે. વર્લ્ડ નંબર ૧ ઇંગ્લેન્ડ ૨૦૧૫ના વર્લ્ડકપ પછી ૭૭ વનડે રમ્યું છે, જેમાંથી ૬૬.૨૩% ના સક્સેસ રેટ સાથે ૫૧ મેચમાં જીત મેળવી છે. ત્રીજા નંબરે દક્ષિણ આફ્રિકા છે, જેમને ૬૮ વનડે રમી ૪૨ મેચ જીતી છે. વર્લ્ડકપ પછી મિનિમમ ૨૦ વનડે રમનાર દેશમાં વેસ્ટ ઇન્ડિઝનો સક્સેસ રેટ સૌથી ઓછો છે. વિન્ડીઝે ૫૭ મેચ રમી છે જેમાંથી ૨૬.૩૨% ના સક્સેસ રેટ સાથે માત્ર ૧૫ મેચ જીતી છે. ઓવરઓલ જોઈએ તો પાપુઆ ન્યુ ગિનીનો સક્સેસ રેટ સૌથી ઓછો છે. તેમણે ૧૬માંથી ફક્ત ૪ મેચ જીતી છે. તેમનો સક્સેસ રેટ ૨૫% છે, પરંતુ તેમનો અત્યારે આઈસીસી રેન્કિંગમાં સમાવેશ થતો નથી.

















