આગામી ૩ દિવસ સુધી તાપમાન સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી

843

કડકડતી ઠંડી બાદ હવે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણના પગલે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થઇ થયો છે. ઠંડીમાં આંશિક રાહત થવાના પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ માવઠું થવાની ભીતિના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રવર્તિ રહી છે. સાથે સાથે ઉત્તર ભારતમાં દિલ્હીમાં ગાઢ ધૂમ્મસ છવાયું છે. જેના પગલે પરિવહનમાં આંશિક અસર જોવા મળી હતી.

મળતી માહિતી પ્રમાણે સોમવારે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાતા ઠંડીમાં આંશીક રાહત થઇ છે. જેના પગેલ શહેરીજનોએ હાડથીજવતી ઠંડીમાંથી રાહત અનુભવી હતી. છેલ્લા બે દિવસથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો ઉચકાતાં હાડ થિજવતી ઠંડીમાં નજીવો ઘટાડો નોંધાયો છે. ૮ અને ૯ ડિગ્રી તાપમાનમાં ઠુંઠવાઇ ગયેલા લોકોને પારો ઉચકાતા રાહત મળી છે. રવિવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૩.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડીસાનું તાપમાન પણ ૧૧.૯ ડિગ્રી નોંધાતા ઠંડી ઘટી હતી.

ગુજરાતમાં હાલ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને આ સ્થિતિ સતત ૩ દિવસ સુધી રહી છે. જોકે આગામી ૫ દિવસ બાદ ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું કે આગામી ૩ દિવસ સુધી તાપમાન સામાન્ય રહી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલાવાથી આ સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ગુજરાતવાસીઓને હાલ ઠંડીથી રાહત મળી છે. જોકે આગામી ૫ દિવસ બાદ ફરીથી ઠંડીનું પ્રમાણ વધી શકે છે અને ફરી એકવાર ગુજરાત ઠુંઠવાઈ શકે છે.

બીજી તરફ દિવસે ફૂંકાતા ઠંડા પવનનું જોર પણ ઘટ્યું છે. જોકે, આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતાઓ નહિવત હોવાનું પણ હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આકશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાદળછાયું વાતાવરણ સર્જાતા માવઠું થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે. તો ઠંડીમાંથી રાહત મળવાના કારણે લોકોમાં આનંદ પણ ફેલાયો છે.

Previous articleગુજરાત કોંગ્રેસમાં ભભૂકતો અસંતોષ, પ્રમુખ અમિત ચાવડા સામે બળવાના એંધાણ
Next article૧૫ ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી એક દિવસીય ગુજરાતના પ્રવાસે