મહેસાણા, પાટણ, હિંમતનગર, પાલનપુરમાં આરોગ્ય કર્મીઓનું આંદોલન

657

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ફરજ બજાવતા આરોગ્યકર્મીઓ વેતન તેમજ વહિવટના પડતર પ્રશ્નોને લઈ છેલ્લા એક માસથી આંદોલન ચલાવી રહ્યા છે. તેમ છતાં પ્રશ્નોનુ નિરાકરણ ન આવતા રાજ્યભરના આરોગ્ય કર્મીઓ માસ સીએલ પર ઉતરીને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન શરુ કર્યું છે. જેમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના ૨૮૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓ માસ સીએલ પર ઉતરી આંદોલન શરુ કર્યું છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ નાણાકીય તેમજ વહિવટી વિસંગતતા અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અગાઉ મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી. પરંતુ સરકાર દ્વારા આરોગ્ય કર્મીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન લવાતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અનુસાર મહેસાણા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘ, બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ અને પાટણ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓએ ૨૧ જાન્યુઆરીથી આંદોલન શરુ કર્યું હતું.

જેમાં ૨૧ થી ૨૫ દરમિયાન આરોગ્ય કર્મીઓએ કાળીપટ્ટી ધારણ કરીને ફરજ નિભાવી હતી. ૨૮ જાન્યુઆરી પેનડાઉન કાર્યક્રમ આપ્યો હતો. તેમછતાં સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય ન લેવાતા આરોગ્ય કર્મીઓના આંદોલનના ત્રીજા તબક્કામાં બુધવારે મહેસાણા જિલ્લાના ૭૦૦ જેટલા પાટણ જિલ્લાની ૬૦૦ જેટલા જ્યારે બનાસકાંઠા જિલ્લાના ૧૫૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ રજા ઉપર ઉતરી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન શરુ કર્યું હતું.

આ કર્મચારીઓની માંગણી ન સ્વીકારાય તો ૧૫ ફેબુ્રઆરીથી અચોક્કસ મુદતની હડતાળની ચિમકી ઉચ્ચારી છે. આમ ત્રણેય જિલ્લામાં ૨૮૦૦થી વધુ કર્મીઓ વિવિધ માંગોને લઈ માસ સીએલ પર ઉતરી જતા ત્રણેય જિલ્લાના આરોગ્ય વિભાગમાં વિપરિત અસર વર્તાઈ હતી.

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના આદેશ મુજબ તમામ કર્મચારીઓએ માસ સીએલ મુકી હિંમતનગર ખાતે આવેલા જિલ્લા પંચાયતમાં ભેગા થઈ દેખાવો કરી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતુ.સરકાર ધ્વારા તા.૧૪ ફેબુ્રઆરી સુધીમાં હકારાત્મક કાર્યવાહી નહી કરવામાં આવે તો સાબરકાંઠા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જશે. તેવી ચિમકી આવેદનપત્રમાં જણાવાઈ છે.

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ વતી જિલ્લા વિકાસ અધિકારીને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયા મુજબ સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિષયક કામગીરી કરતા ૭૦૦ થી વધુ કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્રો અંગે સરકાર સમક્ષ ગુજરાત રાજ્ય આરોગ્ય  કર્મચારી મહાસંઘના માધ્યમથી સરકારને જાણ કરવામાં આવી હતી.

Previous articleમોરબીમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો, પોલીસે ચારને દબોચ્યા
Next articleમાર્ચ મહિનાથી અમદવાદમાં બૂલેટ ટ્રેનની સવારી કરી શકાશે