આધ્યાત્મિક માર્ગે આગળ વધતાં વિચારોના વાહનને સંવેદના ઊર્જા આપે છે

1066

અમીરી અને ગરીબી વચ્ચે કોઈવાર માન્યામાં ન આવે તે રીતે પ્રેમનો સેતુ જોડાતો હોય છે અને નસીબ પલટાતું હોય છે. મહાનગરની કૉલેજમાં ઉચ્ચશિક્ષણના હેતુને લઈ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં થોડા દૂરના સગાંસંબંધીના ઘરે રોકાઈને ભણવા માગતો નિખિલ હજુ માત્ર બે જ દિવસ પહેલા આ નગરમાં આવ્યો હતો. નિખિલની મા રંભાબેનના મામાની મોટી દીકરી રંજન બંગલાવાળાના ઘરકામ કરી પેટિયું રળી લેતી હતી. તેની ભેગા રહી મહાનગરમાં નિખિલ શિક્ષણ લઈ પગભર થવા ગામડા-ગામમાં ખેત મજૂરી કરી ગાડું ગબડાવતાં માતા-પિતાને સત્તર વર્ષમાં પહેલીવાર જ એકલાં મૂકીને આવ્યો હતો.

‘મકાઈની ધાણી લો માત્ર દસ રૂપિયા’,

‘ચટાકેદાર બટેટા-ભૂંગળા ખાવ માત્ર પંદર રૂપિયા’,

‘મીઠું અને ઠંડું મજાનું લીંબુ શરબત પીઓ માત્ર દસ રૂપિયા’,

‘ગોળીવાળી તમારી સામે તાજી ભરેલી મીઠું-આદુ અને તકમરિયાવાળી માત્ર રૂપિયા બાર આપી સોડા પીઓ.’

બસ સ્ટેન્ડમાં જાત-જાતના અવાજો સંભળાઈ રહ્યા હતા. નિખિલ કૉલેજની બસની રાહ જોઈને ઊભો હતો. અચાનક એક કાર આવીને ઊભી રહી જાય છે. “હેલ્લો ફ્રેન્ડ, હું આપને શું મદદ કરી શકું? નિખિલ બાઘો બની જોયા કરે છે. ત્યા જ મીઠી ઘંટડી જેવો ફરી અવાજ સંભળાય છે. તમારે કૉલેજે જવું છેને! નિખિલ હાંફળો-ફાંફળો થતા ધીમા અવાજે ડોકું હલાવી કોઈને સંભળાય નહિ તે રીતે બબડે છે-હા. પણ (મનોમન) તેનું તમારે શું કામ છે?

સંધ્યા ફરી બોલી ઊઠે છેઃ ‘તમે મને કદાચ ઓળખતા નહિ હોવ. હું પણ વળિયા આટ્‌ર્સ એન્ડ કૉમર્સ કૉલેજની જ વિદ્યાર્થિની છું. બિલકુલ તમારી બાજુના વર્ગમાં એસ. વાય. બી. કોમ. ના વર્ગમાં જ ભણું છું. નિખિલ વિચારોનાં વનમાં ખોવાય જાય છે. નિખિલનો કોઈ પ્રત્યુત્તર નહિ મળતા. સંધ્યા કારમાંથી નીચે ઉતરી નિખિલનો હાથ ખેંચી તેને કારમાં બેસાડી કાર હંકારી મૂકે છે.

સંધ્યા મીઠા અવાજે  બોલે છે…..

કેવું મળ્યું ઇનામ હવે બોલવું નથી;

રૂપાળું લાગે છે નામ, હવે બોલવું નથી;

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;

પૂછોના બસ-ના કોઈ ટાઈમ, મારા હૈયામાં જાગી છે હામ,

હવે બોલવું નથી.

કવિતાના શબ્દો સાંભળી નિખિલ જાણે પૂતળાની માફક નીચી મુંડી રાખી સાંભળતો જ રહી ગયો. આજે નિખિલને પહેલીવાર કોઈ અજાણી છોકરી સાથે વાત કરવાનો અણધાર્યો સમય આવી પડ્યો હતો. કંઈ સમજાતું નહોતું. શું કરવું! કે શું કહેવું! મીઠી ઘંટડી ફરી રણકી ઊઠે છે, કેમ કશું બોલતાં નથી? મારો ડર તો નથી લાગતો ને… જુઓ આ મહાનગર છે, અહીં લોકો કીડિયારુંની જેમ ઊભરતા હોય છે. અહીં તો બોલે તેના બોર વેચાય.

કાર રસ્તા પર સડસડાટ દોડી રહી હતી.

નિખિલ આજે જાણે હવાઈ મુસાફરી કરી રહ્યો હોય તે રીતે વિચારોનાં વંટોળમાં ચકર-વકર થઈ રહ્યો હતો. વળિયા કૉલેજ આવતા કાર કિચૂડ-કિચૂડ કરતી ઊભી રહી જાય છે. નિખિલ અને સંધ્યા પોતપોતાના વર્ગ-ખંડમાં પહોંચી જાય છે. કૉલેજમાં ભણવામાં આજે બેમાંથી કોઈનું મન લાગતું નથી. નિખિલ મનોમન વિચારે છે આ છોકરી કોણ હશે? તે મને શી રીતે ઓળખતી હશે? મને મદદ તે શા માટે કરવા તૈયાર થઈ હશે? તે ગીત ગણગણી મને શું કહેવા માગતી હશે? જેવા સવાલોના કારણે નિખિલ આજે આકુળ-વ્યાકુળ હતો.

સંધ્યાનું મન પણ આજે કોણ જાણે કેમ ભણવામાં લાગતું નહોતું. છોકરાનું વ્યક્તિત્વ ભલે શર્માળ છે પણ રૂપ તો કોઈ રાજા-મહારાજાને ટક્કર મારે તેવું છે. ગામડાં-ગામનો છોકરો ભલે ગરીબ પરિવારમાંથી આવે છે, પણ તેનો આત્મવિશ્વાસ જોતા તો લાગે છે કે તે ભવિષ્યમાં કોઈ મોટી કંપનીનો માલિક બનશે. વળી, પપ્પાને પણ ક્યાં ખોટ છે. હું એકની એક એમની દીકરી તો છું. તેથી મારે સંપત્તિની ક્યાં જરૂર છે? ધન તો ગામના ધોબીય ફૉરેન જઈ કમાઈ લાવતા હોય છે. બાકી ખરું પૂછો તો છોકરો તો ભગવાને જ મારા માટે મોકલ્યો હોય તેમ લાગે છે.

કૉલેજથી ઘર તરફ નીકળતાં છોકરા-છોકરીઓમાં સંધ્યા અને નિખિલ એકમેકને તાકી-તાકીને રસ્તા પર ચાલી રહ્યાં હતાં. નિખિલ થોડો ઉતાવળે ચાલીને રિક્ષાવાળાને કહે છે- “ગંગાજળિયા તળાવ આવવું છે?” રિક્ષા ઘરરર… કરતી ઊપડી જાય છે.

સંધ્યાના હોઠે આવેલા શબ્દો બોલ્યા વિના જ મોંમાં વિચારોના વંટોળમાં વિખરાય જાય છે. બે મિનિટ ઊભો રહ્યો હોત તો હું એને એ કહે ત્યાં સુધી મુકી આવત. રિક્ષાવાળા સાલા અહીં શું કામ આવતા હશે? કૉલેજના પ્રિન્સિપાલનું જ ઢીલું કામ છે, બાકી આ લોકોની શી હેસિયત છે કે, કૉલેજની આસપાસ ફર્કી શકે? મનોમન વિચારતી સંધ્યા કાર ચલાવી રહી હતી.

સમય પાણીના પ્રવાહની માફક વહેવા લાગે છે. એમ. કોમ. સંધ્યાએ પૂરું પણ કરી નાખ્યું. જોકે નિખિલ સંધ્યાથી એક વર્ષ પાછળ હતો. તેથી નિખિલનો કૉલેજકાળ એક વર્ષ વધુ ચાલે છે. બંનેનો અભ્યાસ પૂરો થતાં સંધ્યાનાં લગ્ન માટે મુરતિયા જોતા સંધ્યાના માતા-પિતા પાસે સંધ્યાના જ કહેવાથી નિખિલના પિતા થોડા માણસો સાથે સંધ્યાનું માગું લઈ આવી પહોંચે છે.

બંને પરિવારની આર્થિક સ્થિતિ વચ્ચે જમીન આસમાનનો તફાવત હોવા છતાં બંનેના ઘડિયા લગ્ન લેવાય છે. સંધ્યાના પિતા કન્યાદાનમાં એક સુંદર મજાનો મોટો બંગલો, અઢળક સોનું બીજું ઘણું બધું કરિયાવરમાં આપે છે. પતિ-પત્ની પોતાના નવા સંસારનો આરંભ પિતાશ્રી દ્વારા મળેલા બંગલામાં જ કરે છે. જોતજોતામાં સંધ્યા માતૃત્વ ધારણ કરે છે. સંસારનાં પહેલા પગલે સંધ્યાની પ્રાર્થના ફાળે છે તેની  ઈચ્છા મુજબ પોતાના સારા દિવસો પૂરા થતા જન્મેલા પુત્રનો વાન તેના પિતા જેવો જ હોવાથી સંધ્યાને આજે ખુશી અને આનંદ સમાતો નોહતો. સંધ્યા પહેલેથી જ એવું ઇચ્છતી હતી કે, તેના પુત્રનો વાન અને ઘાટ બંને તેના પપ્પા નિખિલ જેવા જ હોય. નિખિલ પૂરા પાંચ હાથની ઊંચાઈ ધરાવતો કોઈ યુરોપિયનને ઝાંખો પાડી દે તેવો આંખોને પહેલી નજરે ગમી જાય તેવો રૂપાળો વાન અને ઘાટ બંને ધરાવતો પુરુષ હતો તેથી તો સંધ્યા અબજોપતિની એકની એક પુત્રી હોવા છતાં ખૂબ થોડા જ સમયમાં નિખિલના ચક્કરમાં સામેથી કૂદી પડી હતી. જોકે આમા સંધ્યાએ કશુએ ગુમાવ્યું નોહતું. પિતા મોટા બિઝનેસમેન હોવાથી તેને પૈસો તો કરિયાવરમાં મળવાનો જ હતો. તેથી સંધ્યાએ તો ગુણ અને રૂપની જ પસંદગી કરવાની હતી, તેમા તો સંધ્યા સાંગોપાંગ ઉતરી જ હતી. નિખિલ માત્ર રૂપાળો જ ન હતો તે ગુણવાન અને સુશીલ પણ હતો. તેને કોઈ વ્યસન કે કારણ વગરની રખડપટ્ટી કદી ગમતી નહોતી. ‘પથ્થર એટલા દેવ કરી પૂજો ત્યારે આવો પતિ મળે.’ તેથી એમજ કહેવું પડે કે સંધ્યા મેદાન મારી ગઈ.

દિવસો પછી દિવસો વિતવા લાગ્યા…

સંધ્યાનો પુત્ર મોટો થવા લાગ્યો…

નિખિલ કરતા દીકરા સંદીપને  પોતાના નાના છગનદાસ પારેખ (ચાંદીવાળા) ના ધંધામાં વધુ રસ પડવા લાગ્યો. નાના છગનદાસ પણ તેને સઘળું સોંપી હવે શાંતિનો શ્વાસ લેવા ઇચ્છતા હતા. સંધ્યા અને નિખિલનો પુત્ર સંદીપ હજુ હમણા જ આઈ. આઈ. એમ. અમદાવાદમાંથી ભણીને આવ્યો હતો.

સંદીપનો બીઝનેસમાં પ્રવેશ થતાં, તેમણે કંપનીની વહીવટી જવાબદારીઓ ઉપાડી લીધી. નાના છગનદાસ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી આવેલ ભાણેજને સઘળો કારોબાર સોંપવા ભારે ઉતાવળા હતા. જ્યારે નિખિલ થોડો તેમાથી નિવૃત્ત થઈ સામાજિક સેવાના ક્ષેત્રે કામ કરવા માગતો હતો. નિખિલની આવી લાગણીના કારણે રાજ્યના અન્ય મહાનગરમાં મોટાનગરો કરતા સામાજિક સેવાની પ્રવૃત્તિઓ ફાલીફૂલી હતી. નિખિલનું વ્યક્તિત્વ સંવેદનશીલ અને કરુણાથી છલોછલ ભરેલું હતું. સંધ્યાના લગ્ન પહેલા છગનદાસની કંપનીએ એક પણ સામાજિક કે શૈક્ષણિક સંસ્થાને મદદ કરી હોય તેવો પ્રસંગ બન્યો ન હતો. પરંતું નિખિલ સાથે જ્યારથી સંધ્યાનો પીળો હાથ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈ છગનદાસની કંપનીએ મહાનગરમાં આવેલી મોટાભાગની સંસ્થાઓને મોટી નાણાકીય સહાય કરી ગતિશિલ બનાવી હતી.  નિખિલ જેવો જમાઈ મેળવી છગનદાસ ધન્ય થઈ ગયા હતા.

દીકરી સંધ્યાની વર્ષો પહેલા રાખેલી એક માનતા પૂરી કરવાની છેલ્લી ઇચ્છા હવે છગનદાસની બાકી રહી હતી. સંધ્યાએ ટેક લીધી હતી, કે પોતાનો પુત્ર સંદીપ, જો આઈ. આઈ. એમ. અમદાવાદમાં ગોલ્ડ મેડલ સાથે ઉત્તીર્ણ થઈ આવશે. તો મહાનગરના તમામ વિદ્યર્થીઓની આખા વર્ષની ફી તેમના પરિવાર તરફથી તે ચૂકવી આપશે. એટલું જ નહિ, પણ આનો લાભ મહાનગરની શાળાઓમાં ભણતા તમામ ગરીબ વિદ્યાર્થીઓને ઓછામાં ઓછો ત્રણ વર્ષ સુધી આપવો. સંધ્યાની પ્રાર્થના જાણે ભગવાને સાંભળી લીધી હોય. તેમ સંદીપ ગોલ્ડ મેડલ વિજેતા થયો. આજે ગરીબ તેમ જ ચાલુ વર્ષમાં ભણતા દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ અને કૉલેજ ફીના ચેક વિતરણનો ભવ્ય કાર્યક્રમ ચાલતો હતો. નગરજનો સંધ્યાની પ્રતિજ્ઞાનાં વખાણ કરતાં આજે ધરાતા નહોતા.

ચાંદીવાળા કંપનીનું સુકાન નિખિલના પુત્ર સંદીપે સંભાળ્યું ત્યારથી જ કંપનીએ એવો તો નફો કમાવવાનું શરૂ કર્યું કે થોડા વર્ષોમાં તે દેશની ખ્યાતનામ કંપની બની ગઈ. દેશભરના ઉદ્યોગપતિ અને સરકારી અધિકારીઓની ચિંતન શિબિર પ્રથમ વખત મહાનગરના આંગણે ભાવનગરના જ ઉદ્યોગપતિ અને છગનદાસના ભાણેજ સંદીપના પ્રભાવને લઈ યોજાઈ રહી હતી. શિબિરમાં નગરના વિકાસને અવરોધતાં મુદ્દાઓ પર છણાવટ કરવામાં આવી હતી. શિબિરના અંતે સરકારના જવાબદાર અધિકારીઓ, મંત્રીમંડળના નિયુક્ત હવાલો સંભાળતા મંત્રીશ્રી અને ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ સર્વાનુમતે ઠરાવ્યું કે ‘મહાનગરના વિકાસ માટે કલ્પસર યોજના, આંતર-રાષ્ટ્રીય હવાઈ મથક અને એના જેવી સવલતો તાકીદે પૂરી કરવી.’ આ માટે ખાનગી કંપનીઓના ટેન્ડર પણ મંગાવી કામ શરતોને આધીન જે કંપની કરવા ઇચ્છતી હોય તેવી કંપનીને કામ સત્વરે શરૂ કરી શકે તે રીતે યોગ્ય હોય તેવા ટેન્ડરને મંજૂરી આપી દેવી. ચર્ચાનાં અંતે નક્કી પણ થયું કે ખાનગી કંપની જે આ કામ કરવા માગતી હોય તેણે પ્રોજેક્ટનો તમામ ખર્ચ કરવાનો રહેશે. પણ હા, આ શરત સ્વીકારનાર કંપની જે ઉત્પાદન કરે તે તમામ ઉત્પાદિત માલ-સામાન કે ચીજવસ્તુ કોઈ પણ પ્રકારનો ટેક્ષ ચૂકવ્યા વિના દુનિયાના કોઈ પણ ભાગમાં મોકલી શકશે. સંદીપની દરખાસ્તથી એવું પણ નક્કી થયું કે ‘જો ચાંદીવાળા કંપની આ કામ કરવા તૈયાર હોય તો તેને ૨૦ વર્ષની આ માટે જી. એસ. ટી. અને સીમાશુલ્ક ભરવામાંથી મુક્તિ મળશે. ચાંદીવાળા કંપનીએ આ કામ સ્વીકારી ગણતરીના વર્ષોમાં બધાં જ પ્રોજેક્ટ પૂર્ણ કરી ભાવનગરને ખરા અર્થમાં દેશનું મહાનગર બનાવી દીધુ. જે રીતે નિખિલનું ભવિષ્ય સંધ્યાની જાગેલી સંવેદનાએ બદલ્યું. વહાલા વાચક અને શ્રોતા મિત્રો, ભાવનગર પણ આધ્યાત્મિક માર્ગે સતત આગળ ધપતું શહેર છે. તેથી જ કહી શકાય કે આધ્યાત્મિક માર્ગે આગળ વધતા વિચારોના વાહનને સંવેદના ઊર્જા આપે છે.

Previous articleભારતની લાલ આંખથી પાકિસ્તાન ફફડ્યું
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે