ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓના સુચારૂ સંચાલન માટે વિડિયો કોન્ફરન્સ યોજાતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

892

આગામી તા. ૭મી માર્ચથી શરૂ થતી ધો-૧૦ તથા ૧૨ની બોર્ડની પરીક્ષાઓના સુચારુ સંચાલન તેમજ આયોજન અંગેની સમીક્ષા માટે રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ, નાયબ કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારીઓ સહિતના સંલગ્ન અધિકારીઓને એક વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કર્યા હતા.

આ તકે શિક્ષણમંત્રીએ રાજ્યમાં યોજાનારી બોર્ડની પરીક્ષાઓ સુવ્યવસ્થિત રીતે યોજાય તેમજ ગેરરીતિમુક્ત વાતાવરણમાં તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા સુચનાઓ આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં કુલ ૬૩ હજાર વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે પરીક્ષાકેન્દ્રના સંચાલકો તેમજ આ કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને ગેરરીતિવિહીન પરીક્ષા યોજી દાખલો બેસાડવા અપીલ કરી હતી. જેથી હોશિયાર અને મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય.

આ વિડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત શિક્ષણ વિભાગના અધિકારીઓએ ગેરરીતિ અંગેની સજાની જોગવાઈઓમાં કરવામાં આવેલી ફેરફારોની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારના કિસ્સામાં આરોપ સાબિત થયે ત્રણ વર્ષની સજા અને આર્થિક દંડની જોગવાઇ કરવામાં આવી છે. તદુપરાંત, પરીક્ષાકેન્દ્રો પર કરવામાં આવેલી સીસીટીવીની વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન વીજપુરવઠો ન ખોરવાય તેમજ અન્ય કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટેની તાકીદની વ્યવસ્થાઓની વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ કોન્ફરન્સમાં અધિક જિલ્લા કલેક્ટર ઉમેશ વ્યાસ, ડીવાયએસપી ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રજાપતિ તેમજ એસટી, પીજીવીસીએલ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleદેશી બનાવટની પીસ્ટલ અને ૪ કારતુસ સાથે એક ઝડપાયો
Next articleધો.૧૦-૧૨ બોર્ડની પરિક્ષાનો એકશન પ્લાન તૈયાર