સિહોર નગરપાલિકા દ્વારા સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ

675

હમેશા વિવાદો માં રહેવા ટેવાયેલી સિહોર નગરપાલિકા ની કામગીરી આજે ફરી શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિહોર શહેરના વોર્ડ નં-૯ ખાતે આવેલી એકતા સોસાયટીના રામદેવ નગર વિસ્તારમાં સિહોર નગરપાલિકા ના જ એક ચૂંટાયેલા અપક્ષ સભાસદ દ્વારા સરકારી જમીનમાં દબાણ કરી બનાવાયેલા પોતાના ઘરના ફળિયામાં અને તેઓના સંબંધીના ફળિયામાં જાહેર રસ્તો ન હોવા છતાં સરકાર દ્વારા સિહોર નગરપાલિકાને ફાળવવામાં આવેલી રોડ-રસ્તા ની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકનું કામ કરાવવામાં આવી રહ્યું છે તેથી પાલિકાના જવાબદાર અધિકારી-પદાધિકારીઓ સામે પગલા લઈ આ કામ ગેરકાયદેસર હોવાથી વહેલી તકે રોકવામાં આવે તેવા મતલબની લેખિતમાં ફરિયાદ સિહોર કોંગ્રેસ પક્ષના જાગૃત કાર્યકર જગદીશભાઈ નમસા દ્વારા સિહોર પ્રાંત અધિકારી,જિલ્લા કલેક્ટર અને પ્રાદેશિક કમિશનર ને કરવામાં આવતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિહોરના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા ન હોવાથી શહેરીજનોને ભારે અગવડતા ઓ ભોગવવી પડતી હોય છે ત્યારે આવા અનેક લાગતા વળગતાઓ સ્વ વિકાસ માટે જ પાલિકાની ચૂંટણી લડીને તંત્રને નુકસાન કરતા હોય છે ત્યારે નગરપાલિકા સત્તાધીશો શુ કામ આવા ગેરકાયદેસર કામને મંજૂરી આપતા હોય છે તે પણ વિચાર માંગી લે તેવી બાબત છે. અગાઉ પણ મેઇનબજાર માં એક શાસક પક્ષના સંગઠનના હોદ્દેદારના સંબંધીના ડેલામાં આ પ્રકારની રોડની કામગીરી કરવામાં આવી હતી ત્યારે પણ તે મુદ્દો ખૂબ ચગ્યો હતો. અવારનવાર પ્રાઇવેટ કામોને પ્રોત્સાહિત કરી રહેલા સિહોર નગરપાલિકાના શાસનકર્તાઓની કામગીરી પર અનેક જાતના સવાલો ઉભા થઈ રહ્યા છે. સિહોર નગરપાલિકાના જવાબદાર ગણાતા ચીફ ઓફિસર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી ઘી ના ઠામમાં ઘી પડ્યું રહેશે તેવી વાતો શહેરભરમાં  ચોરેને ચૌટે ચર્ચાઈ રહી છે.