વિપક્ષ મારી પર સ્ટ્રાઇક કરી રહ્યા છે અને હું આતંકીઓ પર : પીએમ મોદી

679

વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાને અમદાવાદના વસ્ત્રાલ ખાતે લોન્ચ કરી છે. શ્રમયોગી માનધન યોજના લોન્ચ કરતા મોદીએ કહ્યું કે, ‘હું આ દેશનો મજૂર નંબર વન છું. ’ વસ્ત્રાલ ખાતે પણ આ યોજનાના લોન્ચિંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે. મોદી સ્ટેજ પર આવ્યા ત્યારે મોદીની જય જયકાર થવા લાગી હતી. મોદીએ સભાને સંબોધતા કહ્યું કે આ યોજનાનો લાભ સમગ્ર દેશના કામદારોને મળશે. આ કાર્યક્રમમાં અમદાવાદ સહિત રાજ્યભરના શ્રમયોગીઓ હાજર રહ્યા છે.

યોજના અંગેની જાણકારી આપતા મોદીએ જણાવ્યું કે, આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને ૫૫ રૂપિયાથી ૨૦૦ રૂપિયા સુધીની મામુલી રકમ ચુકવવી પડશે. આ યોજનામાં તમે જેટલા રૂપિયાનું યોગદાન આપશો એટલા જ રૂપિયા સરકાર પણ તમારા ખાતામાં જમા કરશે. જે રકમમાંથી કામદારોને ભવિષ્યમાં પેન્શન આપવામાં આવશે. જેમની માસિક આવક ૧૫૦૦૦ કરતા ઓછી હશે તેવા તમામ શ્રમિકો આ યોજનાનો લાભ લઈ શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે મંગળવારે અડાલજ ખાતે આવેલ શ્રી અન્નપૂર્ણા ધામ, વિશ્વના સૌપ્રથમ અદ્યતન પંચતત્વ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. અન્નપૂર્ણા માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સાથે મંચ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, નરહરી અમિન તેમજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સહિતના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે સંબોધનમાં કહ્યું કે, “મારી સમાજને પ્રાર્થના છે કે અન્નપૂર્ણા ધામમાં જે કોઇ આવે તેને પ્રસાદમાં છોડ આપવામાં આવે. જેથી જિંદગીભર આ માતાનો પ્રસાદ તેના આંગણા કે ખેતરમાં જોવા મળે. જેના ઘરમાં દીકરી પેદા થાય તે પોતાની દીકરીને દર્શન કરાવવા આ ધામમાં લાવે અને દીકરીને ઇમારતી લાકડાવાળા ૫ છોડ આપે . દીકરી જ્યારે ૨૦ વર્ષની થાય ત્યારે તે ઇમારતી લાકડાનાં વૃક્ષને બજારમાં વેચી શકાય અને આ લાકડાનાં જે પણ પૈસા આવે તે દીકરીનાં લગ્ન માટે આપવામાં આવે. જેથી મા-બાપે દેવું ના કરવું પડે. આજે હજારો કરોડનું ઇમારતી લાકડુ બહારથી લાવવું પડે છે. આપણી ધાર્મિક પરંપરાને આધુનિક રીતમાં જોડવા આ જગ્યા કામ કરી શકે છે.”પીએમ મોદીએ કહ્યું કે, “સમાજ જીવનમાં જેણે સૌથી વધુ અન્નદાતાનું કામ કર્યું, ખેતર ખેડીને કણમાંથી મણ કરીને જેણે સમાજજીવનની ચિંતા કરી. કાઠિયાવાડમાં ખેડૂતનો મતલબ એટલે કે લેઉવા પટેલ. આ વિશેષતાનાં ભાગરૂપે આજે વિધિવત રીતે દેવી અન્નપૂર્ણા માતાનું તીર્થક્ષેત્રનું લોકાર્પણ થયું છે. ગુજરાતમાં દર વીસ-પચ્ચીસ કિલોમીટરના અંતરે ઓટલા અને રોટલાની વ્યવસ્થા હોય છે. આવુ હિન્દુસ્તાનને ખૂણેખૂણે છે. આ હાજરો વર્ષોની પરંપરા છે.” પીએમ મોદીએ આ દરમિયાન શિક્ષણ ભવન સાથે વિદ્યાર્થીઓની હૉસ્ટેલનું પણ ખાતમુહૂર્ક કર્યું હતુ.

સમારંભની શરૂઆતમાં પીએમ મોદીએ મા અન્નપૂર્ણાની પૂજા-અર્ચના કરી હતી. પીએમ મોદીએ કેશુભાઇ પટેલનાં ચરણસ્પર્શ પણ કર્યા હતા. તો લેઉવા પટેલ સમાજનાં મોભીઓ દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. પીએમ મોદીએ કહ્યું કે, “દનિયાનાં લોકો માટે આપણા ધર્મ-સંસ્કૃતિ સમજવી મુશ્કેલ. આપણા દેશમાં વિવિધ ધર્મ, સંસ્કૃતિ અને વિવિધતાઓ છે. આપણા દેશમાં જેવા ભક્ત છે તેવા ભગવાન છે.” તેમણે કહ્યું કે, “રાજ્ય રાજ્યનું કામ કરે પરંતુ શક્તિ સમાજની હોવી જોઇએ.” તો તેમણે એવું પણ કહ્યું કે અમૂલ ડેરીનો પ્રારંભ કરનાર તમામ લેઉઆ પટેલ. લેઉઆ પટેલની દિર્ઘદ્રષ્ટિનો લાભ .તમામ લોકોને મળે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને અન્નપુર્ણા ટ્રસ્ટના ૧૦૮ ટ્રસ્ટીઓ વચ્ચે સ્થાન અપાયું છે. તો આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. જેમાં કેશુભાઇ પટેલ, કરશનભાઇ પટેલ, વલ્લભભાઇ કથીરીયા, દિનેશ કુંભાણી, સુરેન્દ્ર પટેલ, મનસુખ માંડવીયા દિલિપ સંઘાણી સહિતના રાજકીય અને સામાજિક મહાનુભાવો હાજર રહ્યા છે. તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કે. સી. પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે.

તેમણે કહ્યું કે, “તમારો ચોકીદાર સજાગ છે. વચેટિયાઓ અને ભ્રષ્ટાચારીઓ વચ્ચે લગામ લગાવીને રહેશે. ચોકીદારથી ડરેલા લોકો કહી રહ્યા છે કે મોદી હટાવો, કેમકે તેમનું દાણાપાણી બંધ થઇ ગયું છે. ચોકીદાર અડગ છે અને પોતાના ઇરાદાઓ પર ઊભો છે. વિપક્ષવાળા ફક્ત મોદીને હટાવવા ઇચ્છે છે. હું ગરીબી હટાવવા ઇચ્છુ છું.” પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વિપક્ષ મારી પર સ્ટ્રાઇક કરી રહ્યા છે અને મોદી આતંકીઓ પર સ્ટ્રાઇક કરી રહ્યા છે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કેટલાક દિવસ પહેલા અમારી સરકારે ૧૨ કરોડ ખેડૂત પરિવારો માટે યોજના લૉન્ચ કરી હતી. આજે ૪૨ કરોડ શ્રમિકો માટે યોજના લૉન્ચ કરી છે. તેમણે ૫૫ વર્ષમાં ના કર્યું, એ ચાવાળાનાં દીકરાએ ૫૫ મહિનામાં કરી દીધું.” ગુજરાત પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી મધ્યપ્રદેશ જવા રવાના થયા.

Previous articleનાણાં ધીરનારની હત્યા, ઓફિસમાં ધૂસી ૩ શખ્શોએ કર્યું અંધાધૂત ફાયરિંગ
Next articleદેશનું દુર્ભાગ્ય છે, લોકો સેના પર જ સવાલો ઉઠાવે છેઃ મોદી