‘મેટ્રો’ ની ફ્રી રાઇડ માટે સવારથી લોકોએ લાઇનો લગાવી

555

મેટ્રો રેલ શરૂ થાય તેની અમદાવાદીઓ ઘણાં લાંબા સમયથી આતુરતાભેર રાહ જોતા હતા. બુધવારે સવારે મેટ્રો રેલ દોડતી થતાં આ આતુરતાનો અંત આવ્યો હતો. મેટ્રો રેલની મુસાફરીનો રોમાંચ માણવા માટે વહેલી સવારથી લોકોએ લાઇનો લગાવી હતી.

સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વસ્ત્રાલ ગામથી એપરેલ પાર્ક સુધીના મેટ્રો રેલના ૬.પ૦ કિ.મી. લાંબા રૂટનું લોકાર્પણ કર્યા બાદ બુધવારે શહેરીજનો માટે તેનો પ્રારંભ કરાયો હતો.

બુધવારે સવારે ૧૦ વાગ્યે વસ્ત્રાલ ગામ સ્ટેશનથી એપરેલ પાર્ક વચ્ચે શહેરની પ્રથમ મેટ્રો રેલ દોડતી થઇ હતી. મેટ્રો રેલના પ્રથમ તબક્કા હેઠળ વસ્ત્રાલ ગામ સ્ટેશનથી એપરલ પાર્ક સુધીનો પાઇલટ પ્રોજેકટને તંત્ર દ્વારા બુધવારથી અમલમાં મુકાયો હતો. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમંગ સ્કૂલના બહેરા-મૂંગા બાળકો સાથે વસ્ત્રાલ ગામથી નિરાંત ચોકડી સુધી ટ્રેનની મુસાફરી કર્યા બાદ ૬૮ વર્ષીય અરવિંદ પ્રજાપતિ મેટ્રો રેલની ફ્રી ટિકિટ પાસ મેળવનાર પ્રથમ પેસેન્જર બન્યા હતા.

સત્તાવાળા દ્વારા બુધવારે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી વસ્ત્રાલ ગામ સ્ટેશનેથી એપરલ પાર્ક સુધી એક ટ્રેન દોડાવાઈ. આ ટ્રેન દર પ૦ મિનિટે પેસેન્જર્સને મળી રહેશે તેમજ અન્ય કોઇ સત્તાવાર જાહેરાત નહીં થાય ત્યાં સુધી વચ્ચેના એક પણ સ્ટેશને રોકાશે નહીં.

શહેરીજનો આજથી નવ દિવસ સુધી મેટ્રો રેલની ફ્રી મુસાફરી કરી શકશે પરંતુ પેસેન્જર્સને ફ્રી ટિકિટ પાસ લેવી પડશે. ફ્રી ટિકિટ પાસ લેનાર પેસેન્જર્સ મેટ્રો રેલમાં મુસાફરી કરી શકશે. તંત્ર દ્વારા ર.પ કિ.મી. સુધી રૂ.પનું ભાડું અને ર.પ કિ.મી. થી ૭.પ કિ.મી. સુધીનું ભાડું રૂ.૧૦ રખાયું છે.

Previous articleખાવડા બોર્ડર પરથી પાકિસ્તાની ઘૂષણખોર ઝડપાયો
Next articleજંગલ છોડવાના આદેશના વિરોધમાં આદિવાસીઓની રેલી, પોલીસ સાથે ખેચતાણ