શિખર ધવન આવ્યો ફોર્મમાં, ૧૭ ઈનિંગ બાદ ફટકારી સદી

599

મોહાલીઃ ઓપનર શિખર ધવન (૧૪૩)એ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી વનડેમાં આખરે પોતાના બેટનો જલવો દેખાડી દીધો છે. શિખરે અહીં પોતાના વનડે કરિયરની ૧૬મી સદી ફટકારીને ભારતના મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો. તેણે ૯૭ બોલમાં ૧૨ ફોર અને એક સિક્સની મદદથી ૧૦૦ રન પૂરા કર્યા હતા. તે ૧૫૦ રન તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે પેટ કમિન્સે તેને બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તેણે પોતાના વનડે કરિયરના સર્વશ્રેષ્ઠ સ્કોર દરમિયાન ૧૧૫ બોલનો સામનો કર્યો, જ્યારે ૧૮ ચોગ્ગા અને ૩ સિક્સ ફટકારી હતી. તેની વિકેટ ૩૮મી ઓવરમાં પડી હતી. બીજીતરફ તેની સાથે રોહિત શર્મા (૯૫) પોતાની સદી ચુકી ગયો હતો.

ધવને પોતાની આ સદી ૧૭ ઈનિંગ બાદ ફટકારી છે. આ પહેલા તેણે એશિયા કપમાં આશરે ૬ મહિના પહેલા પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. દુબઈના મેદાનમાં ત્યારે ધવને ૧૧૪ રનની ઈનિંગ રમી હતી.

પોતાના વનડે કરિયરની ૧૨૭મી મેચ રમી રહેલો ધવન ફોર્મમાં આવવાથી ટીમ ઈન્ડિયાને થોડી રાહત જરૂર મળી છે. આ પહેલા ધવન જલ્દી આઉટ થવાથી ઓપનિંગ જોડીની ભાગીદારી ન મળવાને કારણે કોહલી સહિત ટીમના મિડલ ઓર્ડર પર દબાવ વધી જતો હતો. છેલ્લી છ વનડે ઈનિંગમાં ધવને ૩૦ રનનો આંકડો પણ પાર ન કર્યો હતો. પરંતુ આજે સદી ફટકારીને ન માત્ર તેને પરંતુ ટીમ મેનેજમેન્ટને પણ રાહત મળી હશે.

મોહાલીનું મેદાન ધવન માટે ખાસ બનતું જઈ રહ્યું છે. શિખરે આ મેદાન પર વર્ષ ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારે તેણે ૧૮૭ રન બનાવ્યા હતા.

Previous articleસાનિયા મિર્ઝાની ડિવોર્સી બહેનનો અને સુપરસ્ટાર ક્રિકેટરના દીકરા વચ્ચે ઈલુ..ઈલુ..
Next articleઈંગ્લેન્ડના બૅટિંગ કોચના હોદ્દા પરથી રામપ્રકાશને દૂર કરાયો