ગ્રીન સિટી ગાંધીનગર પણ ગરમીમાં શેકાયું

638

રાજ્યમાં માર્ચના અંતિમ દિવસોમાં ગરમીએ પ્રકોપ વર્તાવતાં લોકો અસહ્ય ગરમીમાં પરેશાન થઈ ચૂક્યા છે. શનિવારે રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીએ પહોંચતી જતાં આકાશમાંથી આગના ગોળા વરસ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. સુરેન્દ્રનગર ૪૧.૫ ડીગ્રી ગરમી સાથે રાજ્યનું હોટેસ્ટ શહેર રહ્યું હતું તો મેટ્રો સિટી અમદાવાદમાં પણ ગરમીનો પારો ૪૧.૧ ડીગ્રી સુધી પહોંચ્યો હતો. ગ્રીન સિટી ગાંધીનગર પણ ૪૦.૬ ડીગ્રી ગરમીમાં શેકાયું હતું.

રાજ્યભરમાં શનિવારે ગરમીનું તીવ્ર મોજું ફરી વળતાં લોકો અકળાઈ ઊઠયા હતા. અંગ દઝાડતી ગરમીને લઈ લોકોએ કામ સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હતું. ઉનાળાએ તેનો અસલ મિજાજ બતાવતાં ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે અને એપ્રિલની શરૃઆતમાં તાપમાન ૪૫ ડીગ્રી સુધી પહોંચી શકે છે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. કાળઝાળ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ભરપૂર સહારો લઈ રહ્યા છે.

અસહ્ય ગરમીના કારણે લોકોને દિનચર્યામાં પણ ફેરફાર કરવો પડે તેવી નોબત આવી છે. આવનારા બેથી અઢી મહિના આકરા બનશે તે નિશ્ચિત બન્યું છે. ચાલુ વર્ષે રેકર્ડબ્રેક લાંબા સમયથી સુધી ઠંડીનું સામ્રાજ્ય જળવાઈ રહ્યું હતું તે જોતાં ઉનાળો પણ અતિશય આકરો બની રહેવાનો છે તેમાં બેમત નથી. રાજ્યના શહેરોમાં પણ બપોર બાદ લોકોની નહીંવત અવર-જવર વર્તાય છે તો ગ્રામ્ય વિસ્તારો તો બપોરે સૂમસામ ભાસી રહ્યાં છે. અમદાવાદ જેવા શહેરોમાં વૃક્ષોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેની અસર વર્તાઈ રહીં છે અને ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જે આવનારા સમય માટે ખતરાની ઘંટડી વગાડી રહ્યો છે. બે મહિનામાં લોકોએ આકરામાં આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે તે નક્કી છે.

Previous articleઅંકુશરેખા પર ત્રીજા દિવસે ગોળીબાર
Next article૧૫ કિન્નરોએ એક સાથે કર્યા સમુહ લગ્ન, સંવિધાનનો માન્યો આભાર