લોકસભા ચૂંટણીને લઇ કોંગી આજે ઉમેદવારો જાહેર કરશે

1042

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાતનો સિલસિલો જારી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી નામોની જાહેરાત કરવાના મામલામાં કોંગ્રેસ કરતા આગળ છે. કોંગ્રેસે હજુ સુધી ૧૩ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. આ નામ આવતીકાલે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં તેમના માર્ગદર્શન હેઠળ બેઠક બાદ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસે હજુ સુધી અપેક્ષા કરતા ઓછા નામ જાહેર કર્યા છે. ગુજરાતમાં લોકસભાની ૨૬ સીટો માટે ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થશે. ૨૩મી મેના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. એકબાજુ ભારતીય જનતા પાર્ટીએ તેના મોટાભાગના ઉમેદવાર જાહેર કરી દીધા છે પરંતુ કોંગ્રેસ હજુ દુવિધાભરી સ્થિતિમાં છે. ઉમેદવારીપત્ર ભરવાનો સિલસિલો જારી રહ્યો છે. આવતીકાલે યોજાનારી બેઠકમાં પરેશ ધાનાણી, અહેમદ પટેલ અને શક્તિસિંહના મુદ્દા ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવે તેમ માનવામાં આવે છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના છ વર્તમાન સાંસદો સહિત સાત ઉમેદવારોએ આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારીપત્રો દાખલ કર્યા હતા. ભાજપના કચ્છમાંથી સાંસદ વિનોદ ચાવડાએ મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી હતી. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોના નામ હજુ સુધી જાહેર નહીં કર્યા હોવાથી ભારે સસ્પેન્સની સ્થિતિ છે પરંતુ આવતીકાલે બાકીના તમામ નામ જાહેર કરી દેવામાં આવે તેમ માનવામાં આવે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉમેદવારોના નામોને લઇને કોઇ વાત કરવાની સ્થિતિમાં નથી.

Previous articleમોદી ૧૦મીએ ગુજરાત આવશે
Next articleપારો વધુ વધ્યો : હિટવેવથી લોકો ભારે પરેશાન દેખાયા