જુલાબની દવાઓનો દુરૂપયોગૃ

683

આધુનિક જીવનશૈલીએ માણસને તણાવ, અતિશય કામનું ભારણ, સમયની ખેંચ, જંકફૂડ, દૈનિક આહારમાં પાણી અને રેસાતત્વોની (રફ્રેજ)ઉણપ વગેરે વિષમતાઓની ભેટ આપી છે. આ બધાને કારણે ઘણા લોકોને કબજિયાત થઇ જાય છે. અને પરિણામે રાત્રે ચૂર્ણ કે એવી અન્ય કોઇપણ જુલાબની દવા લઇને સુવુ પડે છે. પછી એક વખત એવો આવી જાય છે કે માણસ આ દવાઓનો પૂરેપૂરો બંધાણી થઇ જાય છે અને તેના વિના ચલાવી શક્તો નથી પણ જુલાબની દવાઓ કાયમ લેવાથી શરીરમાં ગંભીર તકલીફો ઉભી થઇ શકે છે.

શારીરિક સમસ્યાઓ

જુલાબની દવાઓનો દુરૂપયોગ કરવાથી માણસ એનો બંધાણી થઇ જાય છે. એકબાજુ તમે તમારા ખોરાકમાં પૂરતાં પ્રમાણમાં રેસાતત્વો અને પાણી ન લો એટલે તમારી મળત્યાગની આદત અનિયમિત બને અને બીજીબાજુ તમારા મગજમાં એવી માન્યતા ઠસાવી દેવામાં આવે છે કે તંદુરસ્તી માટે રોજ નિયમિત સમયે ઝાડો થવો જરૂરી છે એટલે પછી તમે જુલાબની દવાનું કાયમી સેવન કરવાની આદત પાડી દો છે. કેટલાક લોકો એવી ભૂલભરેલી માન્યતા ધરાવે છે કે દરરોજ જુલાબ લેવાથી વજન ઘટે છે. ગમે તે કારણે તમે જુલાબ લેતા હો પણ શરીર પર તો તેની માઠી અસર થાય જ છે.

જુલાબ લેવાથી તમારૂ પેટ અને શરીર કદાચ થોડાં હળવા થયેલાં જણાય, પણ એનાથી વજન તો નથી જ ઘટતું. ઉલટું થોડા દિવસો પછી ,તમારૂ શરીર ભારે થવા લાગશે કેમ કે આ દવાથી શરીરમાં પાણીનો સંગ્રહ થવા લાગે છે. જુલાબની દવાઓ જઠર કે નાના આંતરડા પર નહીં, રપણ મોટા આંતરડા પર અસર કરતી હોય છે. જે પાચનતંત્રના છેવાડાના ભાગે આવેલું છે. એટલે ખાધેલા અન્નમાં કેલરી કે શક્તિનો ભાગ છે તે તો લોહીમાં ભળી જાય છે અને બાકી બચેલો જે ભાગ મોટા આંતરડામાં પહોંચે છે તે તો સાવ નકામો હોય છે. જેમાં પાણીનો થોડો ભાગ હોય છે તમે જુલાબ લો એટલે ખોરાકના નહીં પચેલા ભાગ સાથે શરીરમાંથી પાણી ઓછું થાય છે. પણ ૪૮ કલાકમાં એ પાણીનો શરીરમાં ફરી સંગ્રહ થાય છે. ઉપરાંત, ઝાડા સાથે શરીરમાંથી ઉપયોગી પ્રવાહી અને કેટલાક ખનીજ દ્રવ્યો નાશ પામે છે. આથી નબળાઇ, ધ્રુજારી, ચક્કર આવવા કે મૂત્રપિંડને નુકશાન થવાથી મુશ્કેલી ઉભી થઇ શકે છે.

ભ્રમણા :

ઘણા લોકો જાણતા હોય છે કે જુલાબ લેવાથી શરીરનું વજન ઘટતું નથી, છતાં તેઓ આદત તરીકે રોજ રાત્રે એનું સેવન કરતા હોય છે. કેમકે એનાથી એમને સારૂં લાગે છે. અથવા સારાપણાની ભ્રમણા પોષાય છે. પણ યાદ રાખો જુલાબ લેવાથી તમારૂં વજન તો નહીં જ ઉતરે. ઉપરથી તમે ઘણી બિમારીઓને નોતરશો. આ માંદગીઓ આ પ્રમાણે છે.

કામયી ઝાડા :

નિયમિત જુલાબ લેવાથી આંતરડા નબળા પડી જાય છે એના પરનો કાબુ જતો રહે છે. પરિણામે કાયમ ઝાડા થવાની તકલીફ ઉભી થાય છે.

ક્ષારોમાં ગરબડ :

કાયમ ઝાડા થવાથી શરીરમાંથી સોડીયમ, પોટેશીયમ ક્લોરાઇડ જેવા મહત્વના ક્ષારતત્વો ઓછાં થઇ જાય છે. આ ક્ષારતત્ત્વો શરીરમાં કેટલાક મહત્વનાં કાર્યોની પૂર્તિ કરતાં હોય છે.

પાણીની કમી :

જુલાબ લેવાથી શરીરમાંથી પાણી ઘટી જાય છે અને ડીહાઇડ્રેશન થઇ શકે છે.

કબજિયાત :

જુલાબની દવાનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી કબજીયાતની તકલીફ વધે છે. પરિણામે તમારે ઉત્તરોત્તર જુલાબની દવાનો ડોઝ વધારતા જવો પડે છે. આનાથી તમારી બંધકોશની સમસ્યા વધારે ગંભીર બને છે.

આંતરડામાં રક્તસ્ત્રાવ :

ઝાડામાં લોહી પડી શકે છે, જેનાથી તમે પાડુંરોગ (એનિમિયા)નો ભોગ બનો છો.

સોજા :

જુલાબની દવાથી શરૂઆતમાં શરીરમાંથી પાણી ઓછું થાય છે પણ આગળ જતાં શરીરમાં એનો સંચય થાય છે. આમ શરીરમાં પાણીના પ્રમાણમાં વધઘટ થવાથી શરીરની આંતરિક ક્રિયાઓના નિયમનમાં અસંતુલન ઉભુ થાય છે.

એટલે સાવધ બનો. જુલાબની દવાઓ લેવાનું તાત્કાલીક બંધ કરી ડોકટરની સલાહ લેવી. ડોકટર આ આદતથી મુક્ત થવા જરૂરી સૂચનો આપશે. આ ઉપરાંત તમે પણ આટલું કરી શકો.

પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું, આહારમાં રેસાતત્વોનું પ્રમાણ વધારો, આખું ધાન્ય, શાકભાજી, ફળો અને કચુંબર લો, કસરત કરો. (નિયમિત અને દરરોજ), આહારની આદતને નિયમિત બનાવો. જુલાબની દવાઓ બંધ કરવાથી શરીરમાં કેટલાક અનિવાર્ય ચિહ્નો પેદા થશે. એને ખાસ ઓળખી લો.

જુલાબની દવાના બંધાણી જુલાબની દવા બંધ કરે તો શરીરમાં શી અસરો પેદા થઇ શકે ?

આ ચિહ્નો વ્યક્તિએ વ્યક્તિને જુદા હોય છે એનો આધાર તમે કેટલા પ્રમાણમાં અને કેટલા લાંબા વખતથી જુલાબની દવા લો છો એના પર રહેલો છે. ચિહ્નો આ પ્રમાણે જોવા મળે છે.

બંધકોશ, શરીરમાં પાણીનો ભરાવો, શરીર ફૂલી ગયું હોય એવું જણાય.

આ તકલીફો થોડા દિવસો સુધી પરેશાન કરશે, પછી આપમેળે દૂર થઇ જશે. પણ જો દવાથી છૂટકારો મેળવવાનો દૃઢ સંકલ્પ કર્યો હોય તો હિંમત હારશો નહીં, તમારા નિર્ણયને વળગી રહો.

શું શું વધુ લેવું અને શું શું કરવું..?

ખોરાકમાં રેસાતત્વ યુક્ત પદાર્થોનું સેવન વધારે કરવું. આખુ ધાન્ય, તાજા ફળો અને શાકભાજી લેવા, હુંફાળા પ્રવાહી લો (હુંફાળા પાણીનું લીંબુનું શરબત). રોજ ત્રીસેક મીનીટ ઝડરપથી ચાલવાનું રાખો. ગરમ પ્રવાહી અને શરીરના હલન ચલનથી પેટના સ્નાયુઓને કસરત મળે છે. તેમજ આંતરડાના સ્નાયુઓમાં સંકોચનના મોજા ઉત્પન્ન થાય છે. પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લો, મળત્યાગની ઇચ્છા થાય ત્યારે તેને ટાળશો નહીં. તરત જાજરૂ જશો, યૌગિક આસનોનો નિયમિત અભ્યાસ મદદરૂપ થઇ શકે છે.