માઈક્રો સ્ટોરી શણગારની માઈક્રો રચનાઓ

1020

ગયા અંકે અમારા પરિવાર દ્વારા ટૂંકી રચનાઓ પીરસવામાં આવેલી. આ અંકે ફરી એવી જ સરસ મજાની માઈક્રો રચનાઓ મુકતા આનંદની લાગણી અનુભવીએ છીએ. માઈક્રોફિક્શન એ એવી રચનાઓ હોય છે જે એક મિનિટમાં જ વંચાઈ જાય છે.પરંતુ વાચકના મનમાં એક કલાક અથવા એક દિવસ ને ઘણીવાર તો આજીવન ફીટ થઈ ઉંડી છાપ પાડે છે. આજે માઈક્રો રચનાઓ વિશ્વ પ્રસિધ્ધ પ્રકાર બન્યો છે કારણ સમયની વ્યસ્તતા વચ્ચે આ રચનાઓ વાચકોને એક લાંબી નવલકથા જેટલો આનંદ આપી જાય છે. રોજબરોજના જીવનમાં ચાલતી બાબતો માઈક્રોમાં ભળી ગઈ છે જેમ દૂધમાં સાકર ભળે એમ ! વાચકો, સ્ટોરી શણગારના સદસ્યો દ્વારા રચાયેલી આ વાર્તાઓ વાંચી પ્રતિભાવ મોકલશો.

સુખદ અંજલિ

વિશ્વના પ્રથમ એટોમિક વિસ્ફોટ શહેરની નિવાસી નામસૂક અને એના પૂર્વજો નામસૂકની જિંદગીની સૌથી દુઃખદ યાદ અને વળાંક છે. બે,ત્રણ લાખ લોકોના અસ્તિત્વ સાથે પ્રો.નામસૂકના પૂર્વજો પણ ખતમ થઈ ગયા હતા. પૂર્વજોની તરફડતી,ગૂંગળાતી મરણચીસોને યાદોમાં સમેટી, યુદ્ધ પછી બૌદ્ધ ધર્મી નામસૂક અવકાશવિજ્ઞાનનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી,શાંતિ અને સકારાત્મકતાથી પ્રેરિત ભારતીય અવકાશ મિશનમાં સામેલ થઈ ગઈ.  ૩..૨..૧.. ના સ્વર નામસૂકની જિંદગીને સતત ઉડાન અને ઉર્જા આપે છે, વિશ્વના સેટલાઈટ ભારતના લોન્ચિંગ પેડથી ઉડતાં સુખદ અનુભૂતિ સાથે પૂર્વજોને હ્ર્‌દયસ્થ અંજલી આપી રહી છે.  યાનની ઉડાન પછી આભમાં બનતાં મશરૂમ કલાઉડ આશીર્વાદના હોય કે અભિશાપના ? માઈલો સુધી હલતી ધરતી વચ્ચે નામસૂક ખોવાઈ જતી.

– મિનલ પંડ્યા

ઓહ!

દૂરથી દેખાતું એ સ્પેશ આકારનું મકાનપહા, મનને એ ખાસ એના માટે બનાવેલું. પોતાને સ્પેશશટલ ખૂબ ગમતાં એ જાણતો હતો.  આજે એ ખાસ તૈયાર થઈ છે. હા એજ સફેદ સિલ્કી ગાઉન. મનનની પહેલી ગિફ્ટ. “આજનો દિવસ હું હંમેશા યાદ રાખીશ મનન..” અને એ વેલની જેમ વિટળાઈ ગયેલી.   એ બારીમાં ઉભા ઉભા રોજ પોતાનું સપનાનું ઘર જોયા કરતી. “હું ક્યારે જઈશ ત્યાં રહેવા?” “બસ, થોડા દિવસો જ બાકી છે. પછી તોપ” અને એ મનનની બદમાશીથી ઘેરાઈ જતી!  ઓહોહો આજે આ દરિયો પણ તોફાને ચડ્યો છે ને કાંઈ! એય તું મને ના ભિંજવ હો..તું તારા મોજાને સંભાળ જો તારી સપાટી પર તરતી હોડી હાલકડોલક થાય છે એને સંભાળ. મારા માટે કોઈ આવી રહ્યું છે.  “હેલો જીયા?” સોરી ડીયર પણ, મારી રાહ ના જોઈશ. એ સ્પેશની યાત્રી હવે તું નથી”  કેમ? હેલો? મનન!  “ઓ હોડી તું પણ સંભાળી લે તનેપ ઓહ પ!

–  દક્ષા દવે ’રંજન’

નિર્ણય

બસ થોડા જ દિવસો બાકી હતા,

ને મિસાઈલ લોંન્ચીગને આખરી ઓપ અપાઈ ગયો હતો, સાયન્સ લેબની ચેમ્બરમાં બેઠેલી મિસ કલ્પનાના મોબાઇલમાં કોલ આવ્યો કે હાલ મિસાઈલ લોન્ચ નહી કરી શકીએ. મિસ કલ્પના કંઈ વધુ બોલે એ પેહલા જ ફોન કટ  કરી નાખેલો . કલ્પનાનું સપનું પત્તાના મહેલની માફક પડી ભાગ્યુ. રોજ તેમના કવાર્ટરની બારીમાંથી એ ઉભી મિસાઈલને જોતીને ’કરોડો અબજો રૂપિયાના પ્રોજેકટને કોઈ ખામી વગર ફેલ કરી દીધો’ એવા વિચારો કરતી તેમની લેબ રૂમ પહોંચતાં જ રક્ષામંત્રીનો ફોન રણકી ઊઠ્યો. હરખઘેલી થઈ પુરા સ્ટાફને ખુશ ખબરી આપી. આવતા અઠવાડિયે આપણી મિસાઈલ લોન્ચ કરશે એવો રક્ષામંત્રી નો ફોન હતો….

ફાઈવ..ફોર….થ્રી…ટુ…વન……

લોન્ચિંગ ધાર્યા કરતા પણ વધુ સારું રહ્યું, સમગ્ર લેબમાં સૌ એકબીજાને અંભિનદ આપવા  લાગ્યા,ને તાળીઓ પાડવા લાગ્યા એમાથી એક વ્યકતિ બોલ્યો “મેડમ,આપણા ઉપરી અધિકારીઓ એ કેમ એકાએક નિર્ણય બદલ્યો?”

કલ્પના મનોમન ખુશ થતા બોલી

“નિર્ણય નથી બદલ્યો સરકાર બદલાઈ એનો પ્રતાપ છે…”

– સંજય ભટ્ટ

માનવતા

આયુષીનાં વાળ વેરવિખેર હતાં, કપડાંઓ શરીરને ઢાંકવાં પૂરતા ન હતા, કેટલાંય દિવસોથી બંઘ કોટડી, અંઘારું, ડર…

તેણીએ તમામ શક્તિ ભેગી કરી ઉઠવાનો પ્રયાસ કર્યો, ઉઠીને બારી ખોલી બહાર નજર કરી તો જોયું કે ભારત પોતાનું સૌથી શક્તિશાળી ઉપગ્રહ લૉન્ચ કરવા જઈ રહ્યું હતું, આયુષી મનમાં જ બોલી ઉઠી “વાહ, મારો દેશ ખૂબ જ આગળ વઘી રહ્યો છે, પરંતું ઘણાં હવસખોરોની માનવતા હજી પાછળ જઈ રહી છે”

–  કુંજ જયાબેન પટેલ

આગોશ

સેમીનો સ્પર્શ અનુભવતી ઝેની, અર્ધનિંદ્રામાં મધુરપળ માણી રહી.ને ! અચાનક આંખો ખૂલીગઇ. ઓહ! વેર આર યુ?.. .વેર આર યુ? માય લવ ને સફાળી બેઠી થઈખુલી વિન્ડોમાં દોડી ગઈ…

એર શટલ માં પિતાને ગુમાવી ચૂકેલ ઝેની ની ,ના હોવા છતાંયે સેમ એરોનેટિકમાં જોડાયો પ્રોજેકટની નિષ્ફળતાએ એનો જીવ લીધો. કોઈ જાતની સહાયના લાભવિના તેઆર્થિક ,માનસિક, એકલતાના ઓથાર માં ડૂબી બારીમાંથી , ઉડાનભરી રહેલ એરશટલના ધૂમાડાને દુરથી નિહાળતાં સેમ ને શોધી રહી

ત્યાંજ જોરદાર હવામાં તેનું ડૉર ખુલી ગયું…..  તે સહસા ફરી  ને જોયું, તેના વિસફરિતનયન સજ્જડ થઈગયા.

– ઈલા આર.મિસ્ત્રી

ઉડાન

એણે મોટા કેનવાસ પર કંઈક દોરવા પીંછી લીધી ને વાદળી રંગના લીટાઓ કર્યાં.અનાયાસે એક છલકાતો સમુદ્ર કેનવાસે ઉતર્યો.એણે એમાં એક નાવડીનુ’ય અવતરણ કર્યું.હવે એમાં શું ઉમેરવું ? એવો વિચાર કરતી કરતી એ બારી પર સાચ્ચુકલા ઘુઘવતા દરિયાની પેલે પાર જોવા લાગી.એણે વર્ષોથી એ સ્પેસ સેંટરની જગ્યા પર ઉભેલું સ્પેસ-શટલ નિહાળ્યુ ને એને ચિત્રાવકાશમાં ઉડાડવાની આશાઓ સાથે હાથમાં ફરી પીંછી લેવા ખંડમાં આવી. ત્યાં સુધીમાં તો પેઈંટીગ પર એની પાંચમા ધોરણમાં ભણતી દિકરીએ રોકેટોની લાઈન કરી મુકેલી.

– ધાર્મિક પરમાર ’ધર્મદ’

વમળ

સ્મિતાને અંદેશો હતો જ કે આવો જ કંઈક વળાંક લેશે મારી જીંદગી ! રાકેશનો આ શંકાશીલ સ્વભાવ અમારા દામ્પત્ય જીવનમાં ખળભળાટ મચાવશે જ. સમીરનો ફોનના આવ્યો હોત તો કંઇ વાંધો ન હતો.

અમે નાના હતા ત્યારે સમીરના માતાપિતાએ અમને બાપ વિનાના નોંધારા પરિવારને ઘણી સહાય કરી હતી. રાકેશના આ શંકાશીલ સ્વભાવને લીધે મારા કુમળા બાળકોને તેના જીવનમાં કેટલુ સહન કરવું પડશે?

જીવનની આ પ્રવાહિતામાં ક્યાંક આ પાણીના વમળોની જેમ વિચારો અવિરત આવ્યા જ કરે છે શાંત થવાનું નામ જ નથી લેતાં.

દરવાજે ડોરબેલ વાગી.

નમસ્કાર મારું નામ એડવોકેટ ભૂમિક..

આવનારે કહ્યું…

– અમીત ધામેચા

છબી

ચાલીસ વર્ષની ઇર્વિન હોસ્પિટલની બારી બહાર નદીને નિહાળી રહી હતી. કિનારાના ઝાડ ,નદીમાં ફરતી નાવ ,નદીનું શાંત પાણી. મનને શાંત કરી આંખોને ઠંડક આપતું દ્રશ્ય છતાંય ઇર્વિનને તો કિનારે સ્પેશ શટલ દેખાઈ રહ્યું હતું અને એમાં બેઠેલો મેન્યુઅલ. જે અવકાશમાં ગયા પછી ક્યારેય પાછો ન ફર્યો. દીકરી સિમોનથી પપ્પાના મરણની વાત છુપાવી હતી. રાત્રે ઇર્વિને જોયું કે સિમોને તેની પર્સનલ ડાયરી વાંચી લીધી અને ધ્રુસકે-ધ્રુસકે રડી રહી હતી. સિમોનને હૃદયની બીમારી હતી અને એને ખોવાના ડરથી છુપાવી રાખેલી વાત આજે છતી થઇ ગઈ અને એને આઈસીયુ સુધી લઇ આવી. ઇર્વિનને હવે દીવાલ પર બે છબી લટકતી દેખાઈ રહી હતી.

– પલ્લવી ગોહિલ

લીઝીની સ્વપનાવકાશ યાત્રા

બ્રેકીંગ ન્યુઝઃ એક સામાન્ય  માછીમારની છોકરી લીઝી પૃથ્વી જેવાજ નવા  શોધાયેલા ગ્રહ પર થોડો સમય રેહવા જવાની છે.

ન્યુઝ ચેનલોનાં રિપોર્ટરો એનો ઈન્ટરવ્યું લેવા માટે ઘરની બહાર ઉભા હતા.પણ એતો બારીમાંથી દરિયાના સામા કાંઠે દેખાતી લેબનાં મેદાનમાં લોન્ચ થવા માટે ઉભેલા સ્પેસ શટલ પર  પડી.એ વિચારવા લાગી ક્યાં એના પપ્પાની નાનકડી  નાવ  અને નાની નાની માછલીયોને ક્યાં આ મસમોટું સ્પેસશટલ ,તારા અને ગ્રહો,એટલામાં એના મોઢાંપર એક લહેર આવીને જાણે લીઝીને છાલક મારતા બોલી, ’આમ સુતી રહીશ તો સપનામાં જ બનજે અવકાશયાત્રી…’

– ધરતી દવે

દુલ્હન

માહી બારીમાંથી સ્પેશશટલનું અનોખું દૃશ્ય જોઈ  ખળભળી ઉઠી. ડો.સુબ્રોતોની  યાદમાં સૂતેલાં શમણાં હલબલી ઊઠ્યાં, વાદળા પાણીથી છલોછલ પ્રેમ વરસાવવા  પ્રતીક્ષામાં બોલી, “આંખોમાં સપના બસ જોડવાના અને તોડવાના?” અભ્યાસ ખંડમાં સુબ્રોતોએ તૈયાર કરેલું અદ્‌લ સ્પેશશટલ જેવુંજ પાંખો વાળું મશીન ખોલ્યું, દુલ્હન બની સુબ્રતોમાં એકાકાર થઈ ગગને ઉડવા લાગી..

“ઓહ..” માહી ઝબકી. ઉડાઉડ કરતી ધોળી લટો ગોઠવી લાકડીના ટેકે ઊભી થઈ લાઈટ કરી. હાર ચઢાયેલા સુબ્રતોના ફોટા પાસે જઈને બોલી,. “તારા આવિષ્કારને દુલ્હનની જેમ સજાવી તેં વિદાય લીધી.. અને.. અબોશેશે અમારા નવવધુ સ્બપ્ના થાકાના હયા. એબામ સુબ્રતો, ના બતાને જાનાતા નાહી, તોમાર ના અમારે હા સમાન એતા દેખાચી.”

– આરતી સોની

ક્ષિતીજ

જીવનની સમી સાંજે ધરા પોતાના આલિશાન ઘરની બારીમાંથી નિહાળી રહી હતી. દરિયામાં ફરતી નાવ અને દુર દુર દેખાઈ રહ્યું હતું, અવકાશયાન અને સામે ’ક્ષિતીજ’.

અવકાશયાનની જેમ જ ઊંચે સફળતાના ગગનમાં પહોંચવાની મહત્વકાંક્ષાએ, ધરાને આકાશથી વિમુખ કરી દીધી. પ્રેમસાગરમાં વિહરતી બંનેની સપનાની નૈયા ગોથા ખાઈ ગઈ. સફળતા પ્રાપ્ત કરવાની આંધળી દોડમાં ધરા આકાશને અવગણતી થઈ ગઈ હતી. આકાશે વિશાળ હૃદયે વાસ્તવિકતા સ્વીકારી લીધી, ધરા અને આકાશનું કાલ્પનિક મિલન ’ક્ષિતીજ’ જે હકીકતમાં શક્ય નથી.

ધરા આજે પોતાના અકથ્ય સફળતાના રહસ્ય ને યાદ કરીને જો ક્ષોભ, ગ્લાની અનુભવતી હતી.

– ચેતના ગણાત્રા ’ચેતુ’

“મુલાકાત”

મૃણાલી, ડૉ.અંશને વારંવાર ફોન લગાવી રહી હતી પરંતુ સામેથી કોઈ જ જવાબ મળતો નહીં. કંટાળીને તે દરિયાઈ માર્ગે કોરિયા જવા ઉપડી. દરિયાઈ લહેરોને શીપની ખુલ્લી બારીમાંથી નિહાળતાં નિહાળતાં ડૉ. અંશ સાથેના પોતાના ભૂતકાળમાં તે સરી ગઈ. મીઠી યાદોની મીઠાશ વચ્ચે થયેલી ભૂલ રૂપે કડવાશ પણ યાદ આવી ગઈ. તે પેટ ઉપર હાથ ફેરવતાં નિસ્તેજ આંખોએ દરિયાને જોઈ રહી. શીપની વ્હિસલ વાગતાં,  તેની તંદ્રા તૂટી અને ફરી નજર બહાર ફેરવતાં દૂર અણુમથકમાં મુકાયેલ અવકાશયાન ઉપર પડતાં તેના મન મગજમાં ડૉ.અંશે કહેલ પોતાના અવકાશયાનની કામગીરી અંગેની વાતો યાદ આવતા જ ડૉ.કવિતા મૂર્તિનો ફોન નંબર શોધવા લાગી.

– પ્રીતિ ભટ્ટ.. પ્રીત

પૂર્ણવિરામ

આરામ ખુરશીમાં બેઠેલ શ્યામલીના અશાંત મનને પવનની ઠંડી લહેર પ્રફુલ્લિત કરી ગઈ. લહેરની મઝા માણવા એ બારી પાસે આવી. બહારના નદીકિનારે પડેલ નૌકાના દ્રશ્યને જોઈ શ્યામ સાથે વિતાવેલ ક્ષણો તાજી થઇ ગઈ. બાળપણથી જ તેમને એકબીજા પ્રત્યે ખુબ પ્રેમ હતો. નદીમાં સિક્કો નાખી તેઓ લગ્ન કરી સાથે રહેવાના સપના જોતા. લગ્ન પછી આ જ નદીકિનારે સ્પેશ શટલમાં બેસી ચંદ્ર પર જવાના સપના જોતા. આજે શ્યામલીએ નદીમાં સિક્કો નાખી શ્યામના મોત માટે પ્રાર્થના કરી. જે બ્રેઇન સ્ટ્રોકના લીધે કોમામાં છે અને ડોક્ટરોએ પણ જવાબ આપી દીધો છે. આજે આ કોમા એ એના જીવનનું પૂર્ણવિરામ બની ગયું.

– જિજ્ઞાસા પટેલ

સ્વપ્ન

રેવા બારીએ  ઊભી સામે રહેલ પ્રોજેકટ સાઈટ પર રહેલ રોકેટ લોન્ચરને સ્થિર દષ્ટિએ જોતાં, આવતીકાલનો વિચાર કરતી હતી. પ્રોજેકટ નિરિક્ષક અહીંયા આવી ચૂક્યા હતાં. એના આવતાં જ આ સ્વપ્ન હકીકતનું સ્વરૂપ લઈ અવકાશમાં ઊડવા તૈયાર.

અચાનક તેની નજરમાં સામે કાંઠે થતી હિલચાલ પકડાઈ અને તેના મનમાં અનેક આશંકાઓ જાગી. તેણે ફોનથી સંપર્ક કરવાની કોશિશ કરતાં, સામેવાળાની વાત સાંભળતા ફોન હાથમાંથી સરકી ગયો. એ સાથે તે ’ઓહ..નો’ કરતાં ફસડાઈ પડી.

– કિરણ પિયુષ શાહ

એક સ્વપ્ન

આકાંશાનું ઘર સ્પેસસેન્ટરની બાજુમાં આવેલા તળાવની બરાબર સામે હતું. આકાંશાની ઈચ્છા હતી કે તે મોટી થઈ અવકાશયાત્રી બને. તે હંમેશા ઉત્સાહપૂર્વક સ્પેસશટલ જોઈ તેમાં બેસી અવકાશમાં જવાનું સ્વપ્ન જોતી.ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી. માંડ માંડ બે છેડા ભેગા થાય,તેમાં ક્યાંથી અવકાશયાત્રી બનવું?

કાલે મંગળયાત્રા માટે અવકાશયાત્રીઓ રવાના થવાના હતા. તે ખૂબ ખુશ હતી. આખરે તેને નક્કી કર્યું કે તે ગમે તેટલી મેહનત કરી ત્યાં પહોંચશે અને એક દિવસ તે સ્પેસશટલમાં સવાર હશે.

અને યાત્રા માટે સ્પેસશટલ રવાના થયું અને આકાંશાના સ્વપ્નએ પણ ઉડાન ભરી.

-શ્રેયસ ત્રિવેદી

ક્ષિતિજ

વિક્ટોરિયા ક્રુઝમાં, લગ્નની ત્રીજી વરસગાંઠ ઉજવવા પતિ સાગર સાથે આવેલી ધરતીની દરિયામાં પહેલી રાત હતી તેથી ઉંઘ ન આવતા તે બારીમાં અફાટ જળરાશીને જોતી ઊભી રહી.  સામે મિસાઈલ કેરીયર પોર્ટ પર ઊભી હતી. તે જોતા જ સમુદ્રના મોજા સાથે તેના મગજમાં યાદોના મોજા ઉછળવા લાગ્યા. સદા હવામાં પક્ષીની જેમ વિહરવા ઇચ્છતો આકાશ, ધરતી સાથેના બે વર્ષના પ્રણય પછી નાસામાં ભરતી થયો હતો.  આજે આકાશ હવામાં જ છે. ને ધરતીએ સાગરને ક્ષિતિજ પર મળી લીધું.

– અલ્પા વસા

વાચકોના અભિપ્રાયો :

દરેક લેખકોને ખૂબ ખૂબ અભિનંદન.હ્રદયથી ખૂબજ આનંદ થયો.મને પણ લખવા પ્રેરણા મળી.

– નારાયણ પિઠવા

ખૂબ ખૂબ આભાર. સૌની સરળ અને સચોટ વાર્તાઓ એક સાથે વાંચીને મજા આવી ગઈ. આયોજકોનો ખૂબ ખૂબ આભાર.

– જિગિષા રાજ

માઈક્રોફિક્શન સ્ટોરી શણગાર ગ્રૃપના આંબા પર કેરીઓ આવવાની શરૂઆત….. ધન્યવાદ સંજયભાઈ, ધાર્મિકભાઈ, વસીમભાઈ (સૌના વહાલા), દક્ષાબેન દવે અને નિલેશભાઈ મુરાણી. અને સમસ્ત એડમીન ટીમ.

– કિશોર ઠક્કર

( આભાર સૌ વાચકોનો )

Previous articleબોટાદમાં અર્જુન મોઢવાડીયા સાથે મનહર પટેલનું જનસંપર્ક અભિયાન.
Next articleદેશને લૂંટનાર કોઇને છોડવામાં આવશે નહીં : મોદી